શનિવારે (22 જુલાઈ, 2023) જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદને પરિણામે પાણી શહેરમાં ઉતરી આવ્યું હતું અને શહેરના અનેક વિસ્તારો ડૂબી ગયા હતા. પાણી ભરાવાની શરૂઆત થઇ ત્યારથી જ તંત્રના અધિકારીઓ અને ખાસ કરીને જૂનાગઢ પોલીસ કામે લાગી ગયા હતા અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પૂરજોશથી વહેતા પાણીમાં એક કાર વહી જતી જોવા મળે છે અને તેની સાથે જ એક વ્યક્તિ પણ તણાય જાય છે. પાણીનું જોર અત્યંત વધારે હોવાના કારણે તેઓ નિયંત્રણ મેળવી શકતા નથી અને તણાય જાય છે. જોકે, જૂનાગઢ પોલીસે તેમને પછીથી બચાવી લીધા હતા. પોલીસ જવાનોએ વહેતા પાણીમાં પણ જઈને પચાસ વર્ષીય આધેડને બચાવીને હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને ટ્વિટ કરીને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
Junagadh Police = Saviours
— Harsh Sanghavi (@sanghaviharsh) July 22, 2023
Take a bow team✌🏻 pic.twitter.com/s2jY6VpoVB
અન્ય એક કિસ્સામાં જૂનાગઢના વંથલી પોલીસ મથક વિસ્તારમાં વાડલા ફાટક પાસેના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેથી પોલીસ જવાનોએ પહોંચીને ત્યાંના સ્થાનિકોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન લોકો માતાજીની મૂર્તિ મૂકીને આવવા માટે તૈયાર ન હતા તો પોલીસે મૂર્તિ સાથે તમામનું રેસ્ક્યુ કર્યું હતું અને લોકો સાથે માતાજીને પણ સહીસલામત બીજે ખસેડી લેવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વંથલી પો.સ્ટે. વિસ્તારમાં વાડલા ફાટક પાસે પાણી ભરાતા અસરગ્રસ્ત લોકો માતાજીની મુર્તીને મુકી આવવા તૈયાર ના હોય વંથલી પોલીસ દ્વારા માતાજીની મુર્તી સાથે રેસ્ક્યુ કરવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #Rescue #gujaratpolice pic.twitter.com/ThkOA7TppM
— SP Junagadh (@SP_Junagadh) July 22, 2023
અન્ય એક વિડીયોમાં જૂનાગઢ પોલીસના જવાનો કેટલાંક બાળકોને ખભે બેસાડીને લાવતા નજરે પડે છે. આ બાળકો પાણીમાં ફસાઈ ગયાં હતાં, જેને સી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ પહોંચીને સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે શહેરના ગણેશનગર વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા એક બાળક અને સગર્ભા મહિલાનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં અતિ ભારે વરસાદનાં કારણે ગણેશનગર વિસ્તારમાં બાળક તથા પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range @collectorjunag #gujaratpolice #junagadhpolice #flooding #Rescue pic.twitter.com/94b1Hd93SF
— SP Junagadh (@SP_Junagadh) July 22, 2023
જૂનાગઢ કલેક્ટરે આપેલી જાણકારી અનુસાર, શહેરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. આ દરમિયાન ફસાયેલા કુલ 200 લોકોને તાત્કાલિક ધોરણે બચાવી લેવામાં આવ્યા હતા તો અંદાજે 750 લોકોનું સલમાન સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયાં હોય તેવા વિસ્તારોમાં વિતરણ કરવા માટે 20 હજાર ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જેનું વિતરણ ગઈકાલે રાત્રેથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને પાણી ઓસરી રહ્યું છે પરંતુ જો વધુ વરસાદ પણ આવે તો પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર સજ્જ છે.