Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ, ધસમસતા પાણીમાં વાહનો અને...

    સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ, ધસમસતા પાણીમાં વાહનો અને પશુઓ તણાયાં; નવસારીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ

    જૂનાગઢના પણ અમુક વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરી રહ્યા છે, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો અને પશુઓ તણાઈ જતાં જોવા મળે છે.

    - Advertisement -

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેની સૌથી વધુ અસર નવસારી અને જૂનાગઢમાં થઇ છે. નવસારીમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે તો જૂનાગઢમાં પણ અનેક રસ્તા બંધ થઇ ચૂક્યા છે. 

    આજે નવસારીમાં સમગ્ર રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સાડા ચાર વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં 11.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં માત્ર 2 જ કલાકમાં (2થી 4) 5.2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સવારથી જૂનાગઢમાં 8.6 ઇંચ વરસાદ પડી ચૂક્યા છે. વડોદરાના કરજણમાં 2.8 ઇંચ જ્યારે ભાવનગર અને સુરતમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

    નવસારીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ શહેર પરથી પસાર થતા નેશનલ હાઈ-વે પર પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. નવસારીના અમુક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે જેમાં વરસાદના પાણીમાં ગેસ સિલિન્ડર તણાતાં જોવા મળે છે. એક વિડીયોમાં જોવા મળે છે કે એક દીવાલ ધરાશાયી થઇ જતાં બાજુમાં પાર્ક કરેલી કાર દબાઈ ગઈ હતી. 

    - Advertisement -

    જૂનાગઢના પણ અમુક વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરી રહ્યા છે, જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો અને પશુઓ તણાઈ જતાં જોવા મળે છે. વિડીયોમાં રસ્તા પરથી નદી વહેતી હોય તેવાં દ્રશ્યો નજરે પડે છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડવાના કારણે પાણી શહેરમાં ઘૂસી આવ્યું હતું અને અનેક વિસ્તારોમાં ફરી વળ્યું હતું. 

    અન્ય એક વિડીયોમાં જોવા મળે છે પાણી સોસાયટીમાં લોકોના ઘર સુધી પહોંચી ગયું છે, દરમ્યાન પાણીમાં વાહનો રમકડાંની જેમ તણાતાં જોવા મળ્યાં હતાં. 

    ભારે વરસાદના કારણે જૂનાગઢ પાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યું હતું. જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે અને બહાર ન નીકળે. તેમણે કહ્યું, “જૂનાગઢના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે અને ક્યાંય પણ ગાડી ચાલે તેવી સ્થિતિ નથી. નીચલા વિસ્તારોમાં જેઓ ફસાયેલા છે તેઓ પોલીસ સુધી જાણકારી પહોંચાડે, તેમને અમે બચાવીશું. જેઓ ઉપરના વિસ્તારોમાં છે તેમને અપીલ છે કે ઘરની બહાર ન નીકળે.”

    IMDના તાજેતરના બુલેટિનમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આજે સાંજથી આવતીકાલે સવાર સુધીમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં