કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) હાલ ચર્ચામાં છે. આમ તો જોકે ઠેરઠેર યુટ્યુબ ચેનલો ફૂટી નીકળ્યા પછી મેવાણી અને ચૈતર વસાવા જેવા ધારાસભ્યો સમાચારમાં ન હોય તો સમાચાર બને છે. મેવાણીએ રાજ્યના એક જાણીતા IPS અધિકારી અને હાલ CID ક્રાઇમ વિભાગના ADGP રાજકુમાર પાંડિયન (Raj Kumar Pandian) પર જાતજાતના આરોપો લગાવ્યા છે અને તેને રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બનાવવાના પ્રયાસ કર્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી 15 ઑક્ટોબરના રોજ, જ્યારે જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે ADGP CID ક્રાઇમની ઑફિસમાં તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. ત્યારપછી થોડા દિવસ બાદ તેઓ નવું લઈ આવ્યા અને કહ્યું કે તેમનું ‘એનકાઉન્ટર’ થઈ શકે તેમ છે. પછીથી લેફ્ટ ઇકોસિસ્ટમના તેમના સાથીઓએ આ બહુ ચગાવ્યું અને સરકાર પર દબાણ લાવવાના પ્રયાસો થયા. તેમાં પણ કોઈ ફેર ન પડ્યો તો પછી આખરે બુધવારે (23 ઑક્ટોબર) તેઓ ધરણાં-પ્રદર્શન પર ઉતરી આવ્યા.
નોંધવું રહ્યું છે રાજકુમાર પાંડિયન CID ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સાથે ગુજરાત પોલીસના ST/SC સેલના પણ ઇન્ચાર્જ છે. 15 ઑક્ટોબરે જીગ્નેશ મેવાણી કોંગ્રેસ ST/SC વિભાગના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયા સાથે IPS પાંડિયનની ઑફિસ ખાતે કચ્છના એક મામલાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
મેવાણીનું કહેવું છે કે 1980માં દલિતોને કચ્છમાં અમુક જમીન આપવામાં આવી હતી, પણ હજુ તે કાગળ પર જ છે અને કબજો સોંપવામાં આવી રહ્યો નથી. તેમનો આરોપ છે કે તેમણે વારંવાર સ્થાનિક પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી. જેના કારણે તેઓ ST/SC સેલના ADGPને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
આ જ દિવસે મેવાણીએ બહાર આવીને ફરિયાદ કરી અને કહ્યું કે તેમની સાથે ADGP રાજકુમાર પાંડિયનની ઑફિસમાં ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેમનો આરોપ હતો કે તેમને મોબાઈલ ફોન બહાર મૂકી આવવા માટે કહેવામાં આવ્યું અને અધિકારીએ કહ્યું કે તેઓ ફરી તેમની ફરિયાદ નહીં સાંભળે અને બહાર જવા માટે કહેવામાં આવ્યું.
ત્યારબાદ તેમણે મીડિયામાં આ મુદ્દાને બહુ ચગાવ્યો અને પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. પછીથી ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો અને બુધવારે (23 ઑક્ટોબર) પોલીસ ભવન ખાતે કોંગ્રેસની ટોળકી લઈને ધરણાં પણ કર્યાં અને સરકાર અને પોલીસ વિભાગ પર દબાણ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
શું છે મેવાણીના આરોપો?
મેવાણીના આરોપો જોઈએ તો તેમનું એવું પણ કહેવું છે કે એક ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ અનુસાર તેમનો આદર-સત્કાર થવો જોઈએ અને તેમની રજૂઆતો સાંભળવામાં આવવી જોઈએ. સાથે IPS પર એવો પણ આરોપ લગાવ્યો કે તેમણે મેવાણી અને તેમના સાથીને કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ તેમની કોઈ રજૂઆત નહીં સાંભળે અને ઑફિસમાં પ્રવેશવાની પરવાનગી પણ નહીં મળે. ત્યારબાદ જુનિયર અધિકારીઓને આદેશ આપીને ઑફિસમાંથી તેમને રવાના કરી દેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું.
પોતે ટી-શર્ટ પહેરી હતી તે મુદ્દે પણ અધિકારીએ ટિપ્પણી કરીને વાંધો ઉઠાવ્યો હતો તેવું કોંગ્રેસી ધારાસભ્યનું કહેવું છે. મેવાણી કહે છે કે એક જનપ્રતિનિધિ તરીકે મારાં વસ્ત્રો પર ટિપ્પણી કરીને તેમણે ગેરવર્તન કર્યું છે અને મને લાગે છે કે તે એક ધમકીના સ્વરૂપમાં હતું. સાથે એ પણ જોડ્યું કે અધિકારીએ માત્ર તેમની સાથે જ નહીં પરંતુ સમગ્ર સમુદાય સાથે ગેરવર્તન કર્યું છે.
My letter to the honourable Union Home Minister @AmitShah on the possible threat to my life from IPS Rajkumar Pandian.
— Jignesh Mevani (@jigneshmevani80) October 23, 2024
I write in detail about the October 15 incident. I had met the concerned IPS with issues concerning the dalit community but he chose to misbehave rather than… pic.twitter.com/rW60NQd9qe
જીગ્નેશ મેવાણી જાહેરમાં એમ પણ કહી ચૂક્યા છે કે જો કાલે ઉઠીને તેમને કે તેમના પરિવારને કાંઈ પણ થાય તો તે માટે જવાબદારી IPS RK પાંડિયનની રહેશે. મેવાણીએ તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આ વાતો કહી હતી. ઉપરાંત, પોતાનાં અનેક ઇન્ટરવ્યુ અને પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ એમ પણ કહી ચૂક્યા છે કે તેમનું ‘એનકાઉન્ટર’ થયું તો જવાબદારી IPSની રહેશે.
ADGP પાંડિયને તમામ આરોપો ફગાવી દીધા અને શું બન્યું હતું તે જણાવ્યું
હવે એ જોઈએ કે ADGP રાજકુમાર પાંડિયન શું કહી રહ્યા છે. તેમણે આ તમામ આરોપો ફગાવી દઈને ઘટનાનું ચિત્ર રજૂ કર્યું છે કે ખરેખર 15 ઑક્ટોબરના રોજ શું બન્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, કોઈ પણ નેતા તેમની પાસે રજૂઆત માટે આવે તો પૂરેપૂરા આદર સાથે તેમને સાંભળવામાં આવે છે, રજૂઆતો પર ધ્યાન આપવામાં આવે છે અને જે-તે બાબતનો નિકાલ ન આવે ત્યાં સુધી નિયમિત રીતે ફૉલો-અપ પણ લેવામાં આવતાં રહે છે.
હવે સામાન્ય રીતે કોઈ પણ નેતા કે અન્ય વ્યક્તિ પણ ADGPને મળવા માટે જાય તે પહેલાં તેમના કાર્યાલય કે PAને જાણ કરવામાં આવતી હોય છે. આમાં નવી વાત કોઈ નથી. ઉચ્ચ કક્ષાના અધિકારી કે પદાધિકારી સાથે મુલાકાત પહેલાં લોકો સામાન્યતઃ આ પ્રક્રિયાનું પાલન કરતા જ હોય છે. પરંતુ IPS અધિકારીએ જણાવ્યું કે, જીગ્નેશ મેવાણી કોઈ પણ જાતની જાણ કર્યા વગર આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે, જ્યારે જીગ્નેશ મેવાણી આવ્યા ત્યારે ADGP ઑફિસમાં અન્ય પણ 7-8 વ્યક્તિઓ અન્ય કોઈ કામ માટે અધિકારીને મળવા માટે આવ્યા હતા. તેમ છતાં મેવાણીને આવતાંની સાથે જ અંદર આવકારવામાં આવ્યા, ખુરશી ઑફર કરવામાં આવી. પરંતુ તેઓ બૂમાબૂમ કરવા માંડ્યા કે આખરે કેમ તેમને રિસીવ કરવામાં ન આવ્યા અને IPS ઉપર પ્રોટોકોલ અને નિયમો ન જાણવાના આરોપો લગાવવા માંડ્યા.
જોકે, IPSએ તેમને સમજાવ્યા કે પોલીસ મેન્યુઅલ કે પ્રોટોકોલમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે તેમને આવકારવામાં આવ્યા જ છે અને ઑફિસની બહાર જઈને રિસીવ કરવાનો કોઈ પ્રોટોકોલ નથી. પરંતુ પછીથી મેવાણીએ તરત બે મોબાઇલ ફોન ટેબલ પર મૂકીને એકમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું.
ADGP પાંડિયને જણાવ્યું કે, “મેં તેમને કહ્યું કે, આ વર્તન યોગ્ય નથી અને કાં તો તમે બંધ કરી દો અથવા તો મોબાઇલ બહાર મૂકીને આવો. પરંતુ તેઓ ઊંચા અવાજમાં કાયદાની વાત કરવા માંડ્યા એટલે મેં તેમને કહ્યું કે, તમે આ રીતે વાત કરશો તો હું રજૂઆત સાંભળી નહીં શકું, જેથી તમે શાલીનતાથી વર્તો અથવા મારા ઉચ્ચ અધિકારીઓ પાસે જઈ શકો છો.”
અધિકારી સ્પષ્ટ જણાવે છે કે, આ સિવાય બંને વચ્ચે કોઈ ચર્ચા નથી થઈ અને કોંગ્રેસ ધારાસભ્ય જે મુદ્દાની રજૂઆત કરવા માટે આવ્યા હતા તે તો કરવામાં આવી જ નથી. ઉપરાંત, ટી-શર્ટવાળો આરોપ પણ તેમણે સદંતર ફગાવી દીધો છે.
મેવાણીના એનકાઉન્ટરના આરોપોને લઈને ADGP કહે છે કે, હું તેમને અગાઉ ક્યારેય મળ્યો પણ નથી. માત્ર 2-3 મિનિટની મુલાકાતમાં કોઈ વ્યક્તિ આવું કઈ રીતે કહી શકે? તેમને જો એવો ભય હોય તો બીજા વ્યક્તિઓના કારણે હશે, તેની જવાબદારી હું કઈ રીતે લઈ શકું?
આ સિવાય મેવાણીએ અમુક પ્રેસ કૉન્ફરન્સમાં નામ લીધા વગર અને આડકતરી રીતે ભ્રષ્ટાચારથી માંડીને અન્ય પણ ઘણા આરોપો લગાવ્યા હતા, જેને લઈને અધિકારીનું કહેવું છે કે, જો નામ લીધા વગર કહેવામાં આવ્યું હોય તો મેવાણીને જઈને પૂછવું જોઈએ કે તેઓ કોની વાત કરી રહ્યા છે અને પુરાવા છે કે કેમ, તે માટે હું કાંઈ ખુલાસા ન કરી શકું. જો નામ લઈને આક્ષેપો કરવામાં આવશે તો માનહાનિની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ જાણકારી માટે IPS અધિકારીનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો.
તારણ
હવે આ બંને પક્ષ જાણ્યા પછી ઘણુંખરું સ્પષ્ટ થઈ જ જાય છે, પરંતુ એક વાત એ પણ નોંધવી રહી કે અહીં મૂળ વિષય ગેરવર્તન અને પ્રોટોકોલના પાલનનો છે, પણ મેવાણી આ વિવાદ પછી જ્યાં-જ્યાં વાતચીત કરી રહ્યા છે કે પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે તેમાં તેમની ભાષા એક MLAની હોવી જોઈએ તેવી તો જણાય રહી નથી અને IPS વિશે તું-તારી પણ કરતા સંભળાય છે. જ્યારે બીજી તરફ અધિકારી મીડિયા સામે પોતાનો પક્ષ મૂકતી વખતે અત્યંત શાલીનતાથી વર્તન કરી રહ્યા છે અને પોતાનો પક્ષ મૂકી રહ્યા છે, તે પણ મેવાણી પર કોઈ વ્યક્તિગત આક્ષેપો વગર. આ નાનકડી બાબત ઘણું કહી જાય છે.
અહીં જીજ્ઞેશ મેવાણી ‘એનકાઉન્ટર’ના જે આરોપો લગાવી રહ્યા છે તે મુદ્દાને સનસનાટીભર્યો બનાવવા માટે જ લગાવવામાં આવતા હોય તેમ જણાય છે. એક નાનકડી બાબત, જેમાં મૂળ મુદ્દો પ્રોટોકોલનો છે, તેમાં વાત એનકાઉન્ટર સુધી કઈ રીતે પહોંચી ગઈ તે સમજ બહારની વાત છે. ઉપરાંત, અધિકારીના કહેવા અનુસાર, તેમણે તો તમામ પ્રોટોકોલનું પાલન કર્યું જ છે અને ગેરવર્તન પણ ક્યાંય કરવામાં આવ્યું નથી. પરંતુ કોંગ્રેસી ધારાસભ્ય આ બાબતને એનકાઉન્ટર અને સમુદાયના અપમાન સુધી લઈ જઈ રહ્યા છે, જ્યારે ખરેખર ચેમ્બરમાં જે મુદ્દે રજૂઆત કરવાની હતી તેની તો કોઈ વાત જ થઈ ન હતી.