ઝારખંડના મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓમાં રવિવારની જગ્યાએ શુક્રવારે સાપ્તાહિક રજા આપવાનો મામલો સામે આવ્યા બાદ હવે નમાઝ પઢવા માટે રજા ન આપવા બદલ એક હિંદુ શિક્ષકને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સત્તાધારી પાર્ટીના એક નેતાએ શાળામાં ઘૂસીને વિદ્યાર્થીઓ સામે જ શિક્ષક સાથે મારપીટ કરી હતી.
આ મામલો પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ગોઈલકેરા તાલુકાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીં એક સરકારી શાળાના શિક્ષકે આરોપ લગાવ્યો છે કે બાળકોને નમાઝની રજા ન આપવાનો આરોપ લગાવીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. હિંદુ શિક્ષક સાથે મારપીટ કરનાર મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાનો સ્થાનિક નેતા અકબર ખાન હોવાનું કહેવાય છે.
પીડિત શિક્ષકનું નામ રમેન્દ્ર દૂબે છે. તેમનું કહેવું છે કે શુક્રવારે (29 જુલાઈ) જ્યારે તેઓ આ મામલે ફરિયાદ લઈને પોલીસ મથકે ગયા તો સત્તાધારી પાર્ટીના નેતાની વિરુદ્ધ હોવાના કારણે તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. ત્યારબાદ બીજા દિવસે (30 જુલાઈ) તેમની ફરિયાદ લેવામાં આવી અને 24 કલાક બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, પોલીસે FIR દાખલ કરવા માટે ફરીથી ફરિયાદ લખાવી હતી અને તેમાંથી નમાઝ સહિતની બાબતોને હટાવી દેવડાવી હતી. શિક્ષકે અકબર ખાનથી તેમના જીવને જોખમ હોવાનું પણ કહ્યું છે અને સાથે સુરક્ષાની માંગ કરી છે. શિક્ષકનું કહેવું છે કે અકબર રાજ્યના મંત્રી ઝોબા માંઝીનો નજીકનો માણસ છે.
મારપીટ બાદ શિક્ષકે પોતાની ભૂલ અંગે પૂછ્યું તો અકબરે કહ્યું કે, તેઓ બાળકોને 11:30 વાગ્યે નમાઝની રજા કેમ આપતા નથી? શિક્ષકે કહ્યું કે, તેમણે બાળકોને નમાઝ પઢવાથી ક્યારેય રોક્યા નથી પરંતુ અકબરે કહ્યું હતું કે બાળકોએ તેને એવું કહ્યું હતું.
બીજી તરફ, અકબર ખાનનું કહેવું છે કે મારપીટની કોઈ ઘટના બની નથી. જો 11:50 વાગ્યે રજા આપવામાં આવે તો તે બાદ કોઈ બાળક પૂજા કરવા કે નમાઝ પઢવા માટે ઘરે જવા માંગતું હોય તો તેને જવા દેવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમને રાજકીય ષડ્યંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઝારખંડના એક જિલ્લામાં લગભગ 100થી વધુ સરકારી શાળાઓમાં અઠવાડિક રજા રવિવારને બદલે શુક્રવારે આપવાનો મામલો સામે આવ્યો હતો. આ શાળાઓ મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં આવેલી છે અને શુક્રવારે જુમ્માની નમાજ પઢવા માટે બાળકોને રજા આવપમાં આવતી હતી. જયારે શિક્ષણ વિભાગે અધિકારીક રીતે આવો કોઈ પણ આદેશ કર્યો ન હતો. જે બાદ બિહારમાં પણ આ રીતે શાળાઓમાં શુક્રવારે રજા આપવાનો મામલો સામે આવ્યો હતો.