ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને (Jharkhand Assembly Elections) લઈને તમામ રાજકીય દળોએ કમર કસી લીધી છે. જોર-શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઝારખંડમાં એક વિશાળ જનસભાને સંબોધતા હેમંત સોરેન (Hemant Soren) સરકારને અવળા હાથે લીધી હતી. તેમણે કહ્યું હતું કે, JMM-કોંગ્રેસનો એક જ ઉદ્દેશ છે કે, હિંદુઓમાં જાતિના નામે ફૂટ પડાવીને એક સમુદાય પાસેથી 100% મત મેળવવા. તેમણે વધતી જતી ઘૂસણખોરી અને જનસંખ્યામાં ધરખમ ફેરફારોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઝારખંડમાં હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા, વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે.
તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, ઝારખંડમાં જે હાલત છે, જો તે યથાવત રહી તો આવનારા સમયમાં હિંદુઓની વસ્તી પર મોટી અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, જો આમ જ ચાલતું રહ્યું તો હિંદુઓની વસ્તી ઘટીને 50% થઈ જશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, જો મુસ્લિમ ઘૂસણખોરોની વસ્તી વધતી રહી તો હિંદુઓ માટે તે ચિંતાજનક રહેશે. તેમણે આ ચૂંટણીને અસ્મિતાની રક્ષાની ચૂંટણી ગણાવીને કહ્યું કે, રાજ્યમાં ઘૂસણખોરોને રોકવા ખૂબ જ જરૂરી છે. જોકે, તેમની કહેલી વાતોથી INDI ગઠબંધનના પેટમાં તેલ રેડાયું હતું અને તેમણે હિમંતા બિસ્વા સરમાનો વિરોધ કર્યો હતો.
Complaint filed against Assam CM Himanta Biswa Sarma #Jharkhand #AssamCM #HimantaBiswaSarma | @aishpaliwal pic.twitter.com/NZsvJQN8Gv
— IndiaToday (@IndiaToday) November 2, 2024
તેમણે કહ્યું કે, “આસામમાં કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, મદરેસા ક્યારેય બંધ ન થઈ શકે. ત્યારે મેં કહેલું કે ભારતમાં મુલ્લાઓની નહીં, ડોકટરો અને એન્જિનિયરોની જરૂર છે. લોકો હોબાળો કરવા માંગતા હતા, પણ બેટા એક વાર હોબાળો કરીને તો દેખાડો… મદરેસા બંધ કર્યા ત્યારે પણ કોઈ હોબાળો ન થયો, રામ મંદિર બન્યું ત્યારે પણ કોઈ હોબાળો ન થયો. જયારે હિંદુ એક થાય છે, ત્યારે કોઈ જ હોહા નથી થતું.”
હિંદુઓના વિભાજન પર તેમણે કહ્યું કે, એક સમુદાય એક જૂથ થઈને મતદાન કરે છે, જયારે હિંદુઓમાં ભાગલા પડતા રહે છે. આજ કારણ છે કે અન્ય સમુદાયને ચૂંટણીમાં વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. કેટલીક સરકારો ઘૂસણખોરોને સમર્થન આપે છે, તેનું એક જ કારણ છે કે એક વિશેષ સમુદાય તેમને વોટ આપે છે. તેમના આ નિવેદનથી વિપક્ષ ઉકળી ઉઠ્યું હતું અને ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. વિપક્ષે સરમા પર કેટલાક આરોપો પણ લગાવ્યા હતા.
જોકે, હિમંતા બિસ્વા સરમાએ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા, તેમણે કહ્યું છે કે તેઓ હિંદુ સમુદાયની વાત કરે છે, તેનો અર્થ તે નથી કે તે અન્ય કોઈ સમુદાયની વિરુદ્ધમાં છે. ભારત એક હિંદુ સભ્યતા છે અને તેને સુરક્ષિત રાખવો તેમનો અધિકાર છે. તેમણે કહ્યું કે, કોઈ મુસ્લિમ નેતા જયારે મુસ્લિમોની સુરક્ષાની વાત કરે ત્યાર કોઈ આપત્તિ નથી થતી તો તેમના નિવેદનથી કેમ તકલીફ છે. તેમણે કહ્યું કે, તેઓ ઘૂસણખોરો વિશે વાત કરી રહ્યા હતા, તેનાથી કોઈને તકલીફ ન જ થવી જોઈએ.