Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘5 વર્ષમાં હેમંત સોરેનની ઉંમર 7 વર્ષ વધી ગઈ’: ઝારખંડ CMએ દાખલ...

    ‘5 વર્ષમાં હેમંત સોરેનની ઉંમર 7 વર્ષ વધી ગઈ’: ઝારખંડ CMએ દાખલ કરેલા ચૂંટણી એફિડેવિટના આધારે ભાજપે લગાવ્યા આરોપ, નામાંકન રદ કરવાની માંગ

    ચૂંટણી પંચ કે અધિકારીઓએ હજુ સુધી ફરિયાદનો જવાબ આપ્યો નથી. વધુમાં, ભાજપે હેમંત સોરેનની આવકમાં 10 લાખમાંથી 4 લાખનો ઘટાડો થવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે એફિડેવિટમાં ઘણી સંપત્તિઓ જાહેર કરવામાં આવી નથી.

    - Advertisement -

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં (Jharkhand Legislative Elections) મુખ્યમંત્રી હેમંત સોરેને (CM Hemant Soren) બરહૈત વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. વિવાદ તેમના ચૂંટણી એફિડેવિટમાં (Election Affidavit) દર્શાવેલી ઉંમરમાં વિસંગતતાઓને લઈને સર્જાયો છે. ભાજપનું કહેવું છે કે, 2019ના એફિડેવિટમાં સોરેને ઉંમર (Age) 42 વર્ષ લખી હતી અને આ વખતના એફિડેવિટમાં તેમની ઉંમર 49 વર્ષ લખવામાં આવી છે. તો પાંચ વર્ષના ગાળામાં ઉંમર 7 વર્ષ જેટલી કઈ રીતે વધે?- તેવો સવાલ ભાજપે કર્યો છે.

    ઝારખંડ ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવે સવાલ ઉઠાવ્યો કે પાંચ વર્ષના ગાળામાં કોઈની ઉંમર સાત વર્ષ કેવી રીતે વધી શકે? આ મામલે ભાજપના નેતાઓએ ચૂંટણી અધિકારીઓને ફરિયાદ પણ કરી છે. તેમણે ચૂંટણી એફિડેવિટનો ફોટો પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કર્યો હતો.

    ભાજપે એફિડેવિટ અનુસાર હેમંત સોરેનની ઉંમર અંગે વિસંગતતાનો આરોપ લગાવીને તેમનું નામાંકન રદ કરવાની માંગ પણ કરી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રદીપ સિંહાએ પણ કહ્યું કે “હેમંત સોરેને સત્તા મેળવવા માટે બરહૈત વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ચૂંટણી પંચે આની તપાસ કરવી જોઈએ અને જો તે દોષિત ઠરે તો હેમંત સોરેન સામે પગલાં લેવા જોઈએ. તેમનું નોમિનેશન રદ કરવું જોઈએ.”

    - Advertisement -

    જોકે, ચૂંટણી પંચ કે અધિકારીઓએ હજુ સુધી ફરિયાદનો જવાબ આપ્યો નથી. વધુમાં, ભાજપે હેમંત સોરેનની આવકમાં 10 લાખમાંથી 4 લાખનો ઘટાડો થવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે એફિડેવિટમાં ઘણી સંપત્તિઓ જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત સોરેને તેમની જમીનો ઓછી દર્શાવી અને તેની કિંમતો પણ ઓછી કરીને દર્શાવી હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો હતો.

    JMMએ આરોપ ફગાવ્યા

    આ મામલે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સોરેનનો બચાવ કર્યો અને ભાજપના આરોપોને હતાશાનું પરિણામ ગણાવ્યું. JMM નેતા મનોજ પાંડેએ જણાવ્યું હતું કે “નોમિનેશન માટે દાખલ કરાયેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.” તેમણે ભાજપના આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એફિડેવિટ પર ભાજપના આરોપ ‘ઝારખંડમાં હારનો તેમનો ડર’ દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, JMMએ હંમેશા તેની ઘોષણાઓમાં પારદર્શિતા જાળવી રાખી છે.

    ઉલ્લેખનીય છે કે હેમંત સોરેન બરહૈત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે ગમાલીયલ હેમ્બ્રમને ટિકિટ આપી છે. ઝારખંડમાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ થશે. મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ 23 નવેમ્બરે આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં