જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વિવાદ થતાં તેના વિડીયો વાયરલ થઇ ગયા હતા. જેમાં ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજા સાંસદ અને મેયર સાથે ઉકળાટમાં આવીને વાત કરતાં જોવા મળે છે. આ ઘટના બાદ મેયર બીનાબેન કોઠારીના પરિજનો શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને રિવાબાના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, શહેર સંગઠન પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ આવું ફરી વખત ન થાય તેની બાહેંધરી આપી હતી.
શુક્રવારે મેયરના પરિજનોએ ભાજપ કાર્યાલય ખાતે શહેર સંગઠન પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી અને રિવાબાના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો. ખાસ કરીને ‘ઔકાત’ સહિતના શબ્દો બોલાયા હતા તે મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમણે માત્ર રજૂઆત કરી હતી, બીજી કોઈ માંગણી નથી. અમને શહેર પ્રમુખે આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવું નહીં થાય. જોકે, મેયરના પરિજનોએ કોઈ પગલાં ભરવાની માંગણી કરી ન હતી.
આ વિવાદ તાજેતરમાં જામનગરમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે. અહીં મહાનગરપાલિકા દ્વારા ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્ય્રક્રમ યોજાયો હતો, જેમાં જામનગર ઉત્તરનાં MLA રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ, મેયર બીનાબેન કોઠારી અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, નજીવી બાબતમાં રિવાબા ગુસ્સે ભરાયાં હતાં અને સાંસદ અને મેયર સાથે રકઝક કરી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
વિડીયોમાં રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી સાથે પણ રકઝક કરતાં જોવા મળે છે અને ‘ઔકાત’ અને ‘અવાજ નીચે રાખો’ જેવા શબ્દો પણ સંભળાય છે. જેને લઈને સાંસદ પૂનમ માડમે તેમને અટકાવતાં રિવાબાએ તેમને પણ સંભળાવ્યું હતું, જેથી માહોલ વધુ તંગ બન્યો હતો.
વિવાદને લઈને રિવાબાએ કહ્યું હતું કે, વીરગતિ પ્રાપ્ત હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમણે ચપ્પલ ઉતારતાં સાંસદે ટિપ્પણી કરી હતી જેથી તેમણે સ્વમાન ખાતર બોલવું પડ્યું. બીજી તરફ આ મામલે સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે, આ ગેરમસજ અને ત્વરિત પ્રતિક્રિયા આપવાના કારણે બન્યું હતું અને જે કંઈ થયું એ ક્લિપમાં જ છે, તે સિવાય કશું જ બન્યું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં નાનું-મોટું થતું રહેતું હોય છે.