જામનગરમાં (Jamnagar) એક ગેંગરેપનો કેસ સામે આવ્યો છે, જે મામલે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની ઓળખ હુસૈન શેખ, હમીરખાન અને ફૈઝલ તરીકે થઈ છે. આરોપ છે કે ત્રણેયે એક યુવતીને ઘરકામ માટે બોલાવીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીએ જામનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે હુસૈનના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી ત્યારે તેના નગ્ન ફોટા પાડી લઈને ત્યારબાદ તેના આધારે બ્લેકમેલ કરીને ત્રણેય શખ્સોએ વારાફરતી ફ્લેટમાં અને ત્યારબાદ ફાર્મહાઉસ પર લઈ જઈને રેપ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો એવી છે કે, પીડિત યુવતી આરોપી હુસૈનના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી. દરમ્યાન સ્નાન કરતી વખતે ચોરીછૂપી રીતે તેના નગ્ન ફોટા પાડી લીધા હતા અને તેના આધારે યુવતીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું.
આરોપ છે કે ત્યારબાદ હુસૈને યુવતી સાથે અવારનવાર રેપ કર્યો હતો. પછીથી તેના બે સાથીઓ હમીરખાન અને ફૈઝલે પણ છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં હુસૈનના ફ્લેટ તેમજ મોટા થાવરિયામાં આવેલા એક ફાર્મહાઉસમાં લઈ જઈને અનેક વખત બળજબરીપૂર્વક યુવતીનો રેપ કર્યો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે.
આ મામલે જામનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને રાઉન્ડ અપ કરી લીધા હતા અને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી.
કેસ અંગે વધુ વિગતો આપતાં જામનગર DySP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ પોલીસે ત્રણેય આરોપીઓને પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત, આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જે સ્થળોનો ફરિયાદમાં ઉલ્લેખ છે તે સ્થળોએ પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ પૈકી હુસૈન સામે ભૂતકાળમાં NDPS એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ દિશામાં પણ વધુ તપાસ હાલ ચાલી રહી છે.