કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 3 જવાનો વીરગતિ પામ્યા બાદ સુરક્ષાબળોએ શોધી-શોધીને આતંકીઓને ઠાર કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં એક આતંકવાદી ઠાર મરાયો છે, જ્યારે બાકીનાનો ખાત્મો કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
#WATCH | J&K | An encounter is underway in Bariyama area of Rajouri. One terrorist has been neutralised so far. Indian Army has cordoned off the area. Indian Army Para Commandos are also engaged in the encounter.
— ANI (@ANI) August 6, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/4pllYdUejU
કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે, જેમાં ભારતીય સેનાના પેરા કમાન્ડો પણ સામેલ છે. આજે વહેલી સવારે પણ જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાબળો અનુસાર, હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, આતંકવાદીઓને ઘેરી લઈને ઠાર મારવામાં આવશે. એન્કાઉન્ટરને લઈને રાજૌરી પોલીસે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
શનિવારે સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFના એક સંયુક્ત ઓપરેશનમાં કાશ્મીરમાં સ્થિત રાજૌરીમાં એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષાબળોને આતંકવાદીઓનું ચોક્કસ લોકેશન મળ્યા બાદ તેમણે ઓપરેશન શરૂ કર્યું હતું. જવાનો નજીક પહોંચ્યા ત્યારે તેણે ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના વળતા જવાબરૂપે સેનાએ તેને ઠાર કર્યો હતો.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, વિસ્તારમાં ત્રણથી ચાર આંતકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી છે. શુક્રવારે (4 ઓગસ્ટ, 2023) તેમણે જ કુલગામના હલાન વિસ્તારમાં ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. જંગલમાં છુપાયેલા આતંકીઓને હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરીને ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ જવાનોને ઇજા પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્રણ જવાનોએ દમ તોડી દીધો હતો. વીરગતિ પામેલા જવાનોમાં મહિપાલસિંહ વાળા, બાબુલાલ હરિતવાલ અને વસીમ સરવર સામેલ છે. બાકીના બે જવાનોની હાલત સ્થિર છે અને સારવાર લઇ રહ્યા છે.
જવાનો પર હુમલા બાદથી જ સેનાએ શનિવારે સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત, સેનાની સ્પેશિયલ પેરા ફોર્સીસ પણ મિશનમાં જોતરાઈ છે.
ઉલ્લેખનીય છે કે શુંકરવરે (4 ઓગસ્ટ, 2023) કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 3 જવાનોને ગોળી વાગી ગઈ હતી. જેમણે હોસ્પિટલમાં સારવાર લેતી વખતે અંતિમ શ્વાસ લીધા હતા.