જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં રવિવારે (9 જૂન) આતંકવાદી હુમલો થયો. અહીં હિંદુ તીર્થયાત્રીઓને લઇ જતી એક બસ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં બાળકો સહિત 10 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી છે. જ્યારે અન્ય અનેક લોકોને ઈજા પહોંચી છે. રસ્તેથી પસાર થતી બસ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બસ ખીણમાં ખાબકી હતી.
ઘટના સાંજે 6:10 વાગ્યાની આસપાસ બની. કટરા તરફ જતી બસ પર અચાનક આતંકીઓએ હુમલો કરી દેતાં ડ્રાઇવરને પણ ઈજા પહોંચી હતી અને તેણે સંતુલન ગુમાવતાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. તીર્થયાત્રીઓ રિયાસીના શિવ મંદિરેથી પરત ફરીને કટરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની.
ઘટના બાદ સ્થાનિક પોલીસ તેમજ પેરામિલિટરી ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરી દીધું હતું તેમજ સ્થળ કોર્ડન કરીને સર્ચ ઑપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું. હાલ આ ઑપરેશન વિશે કોઇ વધુ જાણકારી મળી શકી નથી.
Reasi bus accident | SSP Reasi Mohita Sharma says, "Initial reports suggest that terrorists fired upon the passenger bus going from Shiv Khori to Katra. Due to the firing, the bus driver lost balance of the bus and it fell into gorge. 33 people were injured in the incident.… pic.twitter.com/OHeASXuxrn
— ANI (@ANI) June 9, 2024
SSP રિયાસી મોહિતા શર્માએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “પ્રાથમિક જાણકારી અનુસાર, આતંકવાદીઓ પહેલેથી જ ત્યાં રાહ જોઈને બેઠા હતા. મંદિર શિવખોરીથી નીકળીને કટરા જઈ રહી હતી. હુમલો થતાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું અને બસ ખીણમાં ખાબકી. રેસ્ક્યુ ઑપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને 9 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાયું છે. 33 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને જિલ્લા હૉસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હતભાગીઓ સ્થાનિકો નથી અને ઉત્તર પ્રદેશના નિવાસીઓ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આગળ જણાવવામાં આવ્યું કે, અમે ઘણા દિવસથી હાઇએલર્ટ પર જ હતા અને શિવખોરી સ્થળને પણ કોર્ડન કરીને સુરક્ષિત કરવામાં આવ્યું હતું. હાલ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાબળો સંયુક્ત ઑપરેશન લૉન્ચ કરીને સર્ચ હાથ ધરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના બરાબર તે જ સમયે બની જ્યારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો.