ગત એપ્રિલમાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસા થવા મામલે દિલ્હીની કોર્ટે કુલ 37 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં કુલ 2063 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી અને ખુલાસો કર્યો હતો કે શોભાયાત્રા પર હુમલો કરવા માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસે 15 જુલાઈએ ચાર્જશીટ દાખલ કરીને મોહમ્મદ અંસાર, તબરેઝ અને શેખ અશર્ફીલને મુખ્ય આરોપીઓ બનાવ્યા હતા. આ ત્રણેય પર તોફાનોનું પ્લાનિંગ કરવાનો અને તેને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો.
ચાર્જશીટ અનુસાર, જહાંગીરપુરી ખાતે હિંસા અને તોફાનો માટે પહેલાં જ તૈયારી કરી રાખવામાં આવી હતી અને બોટલો પણ એકઠી કરી રાખવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં યાત્રા શાંતિથી ચાલી રહી હતી પરંતુ જેવી મસ્જિદ પાસે પહોંચી તો ત્યાં પહેલથી જ લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી. જે બાદ મસ્જિદની બહાર ઉભેલી ભીડે ખતરનાક હથિયારો વડે શોભાયાત્રા પર હુમલો કરી દીધો હતો. તેમજ તેમની ઉપર કાચની બોટલો અને પથ્થર ફેંકવામાં આવ્યાં હતાં.
પોલીસ અનુસાર, એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે જયારે શોભાયાત્રા સી બ્લૉક પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે પણ બે લોકો શોભાયાત્રામાં જતા લોકોને ઉશ્કેરી રહ્યા હતા. ત્યારે જ માહોલ ખરાબ થવા માંડ્યો હતો. જે બાદ શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચી તો ત્યાં અંસાર, તબરેઝ, આલિમ ચીકણા અને તેમના લોકો પહેલેથી જ એકઠા થઇ ગયા હતા. જેમાંથી કેટલાક પાસે પિસ્તોલ, તલવાર અને દંડા જેવાં હથિયારો હતાં.
અન્ય એક સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો હતો કે, હિંસા ગાઉ આરોપી બાબુદ્દીનની દુકાન પાસે 8 થી 10 બોટલો ભરીને રાખવામાં આવી હતી. પછીથી આ જ બોટલોનો ઉપયોગ તોફાનોમાં કરવામાં આવ્યો હતો. બાબુદ્દીન ભીડને ભડકાવતો પણ જોવા મળ્યો હતો. તેણે ચહેરા પર રૂમાલ બાંધી રાખ્યો હતો અને ભીડ સાથે કુશળ ચોક જઈને તોડફોડ શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કુશળ ચોકથી સી બ્લોક અને સીડી બ્લૉક તરફ મુસ્લિમોની વસ્તી વધુ પ્રમાણમાં છે.
ચાર્જશીટ અનુસાર, હુમલાના 6 દિવસ અગાઉ જ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું અને છત પર કાચ અને પથ્થર એકઠા કરી રાખવામાં આવ્યા હતા. કાચની બોટલો અને પથ્થર ફેંકવા માટે શેખ ઇશર્ફિલની અગાસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે આ ચાર્જશીટમાં કુલ 45 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 37ની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ પણ સામેલ છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે શોભાયાત્રાની પરવાનગી લેવામાં આવી ન હતી, જે મામલે અલગથી કાર્યવાહી ચાલી રહી છે.