ઓડિશાની ભાજપ સરકાર જગન્નાથ મંદિરના ખજાનાને 46 વર્ષ બાદ ફરી એકવાર ખોલવા જઈ રહી છે. મંદિરના તે ખજાનાને ‘રત્ન ભંડાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખજાનામાં રહેલા કિંમતી આભૂષણો અને ધાતુની યાદી તૈયાર કરવામાં આવશે. રાજ્યના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું છે કે, દુનિયાભરમાં રહેલા ભગવાન જગન્નાથના ભક્તો ઘણા વર્ષોથી આ સમયની રાહ જોઈ રહ્યા હતા. રત્ન ભંડાર ખોલીને આભૂષણોની ક્વાલિટી ચેક કરવામાં આવશે તથા તેનું વજન પણ માપવામાં આવશે. આ ઓપરેશનને લઈને મેડિકલ ટીમ એલર્ટ પર છે. કારણ કે, કહેવાય રહ્યું છે કે, આ ખજાનો ઝેરીલા સર્પો દ્વારા રક્ષિત છે.
46 વર્ષ બાદ રવિવારે (14 જુલાઈ) જગન્નાથ મંદિરના ખજાનાને ખોલવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 46 વર્ષ પહેલાં આ ખજાનાને ખોલવામાં આવ્યો હતો. તેને ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે અને તેની અંદર શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. છેલ્લીવાર તેને 1985માં ખોલાયો હતો. પછી તેમાં રહેલી તમામ વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. જોકે, તત્કાલીન ટીમ ત્યારે ‘ભીતરા કક્ષ’માં પ્રવેશી શકી ન હતી. ત્યારે એવું જાણવામાં આવ્યું હતું કે, ઘણા સાપ તે ખજાનાનું રક્ષણ કરી રહ્યા છે.
ત્યારથી લઈને અત્યાર સુધી એ વાતની કોઈ ખાતરી થઈ શકી નથી કે, તેમાં કેટલું ધન છે અને તેની કિંમત શું છે. કહેવાય છે કે તેની ચાવીઓ ખોવાઈ ગઈ છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલીવાર છે કે જ્યારે રાજ્યમાં ભાજપની જીત થઈ છે, વર્ષો સુધી અહીં BJDની સરકાર હતી. ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે, તમામ આભૂષણોનું ઓડિટ કરવામાં આવશે. નોંધવા જેવુ છે કે, હાલનું મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ઘણા રાજાઓ, ભક્તો અને વેપારીઓ દ્વારા દાન કરવામાં આવેલી કિંમતી ધાતુઓ અહીં રાખવામાં આવી છે.
‘શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન’ (SJTA)ના વડાના નેતૃત્વમાં આ કાર્ય માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમાં ‘ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)’ના અધિકારીઓ પણ સામેલ હશે. ASI આ મંદિરના મેન્ટેનન્સનું ધ્યાન રાખે છે. આ પ્રક્રિયાને પારદર્શક રાખવા માટે તેમાં RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના પ્રતિનિધિને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા 1978માં 70 દિવસમાં પૂર્ણ થઈ હતી. જો પુરી એડમિનિસ્ટ્રેશન પાસેથી ચાવી નહીં મળે તો મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તાળું તોડવામાં આવશે.
મંદિર પરિસરમાં સ્નેક એક્સપર્ટની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જો મેડિકલ સપ્લાયની જરૂર પડશે તો તે માટે ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. 2018માં હાઈકોર્ટના આદેશ બાદ તેની સંરચનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, કેટલાક વિદ્વાનો કહે છે કે ‘રત્ન ભંડાર’ની અંદર સાપ હોવાની વાતો દંતકથા પણ હોય શકે છે. પરંતુ, તેઓ એ વાતનો ઈન્કાર કરતા નથી કે, અહીં કેટલાક નાના સાપ હોઈ શકે છે. ‘ભીતરા કક્ષ’ 25*40 ફૂટનો છે.
રાજ્યના કાયદા મંત્રી હરિચંદને કહ્યું છે કે, આ કાર્યને લઈને અનુષ્ઠાન કે દર્શનમાં કોઈ અગવડતા નહીં પડે. તેમણે છેલ્લી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, “BJD સરકારે તેના 24 વર્ષના શાસનકાળ દરમિયાન રત્ન ભંડાર નથી ખોલ્યો. ભાજપ સરકારે સત્તામાં આવ્યાના એક મહિનાની અંદર જ તેને ખોલવાનો નિર્ણય લીધો છે. અમે પ્રક્રિયાને સુચારું રીતે પૂર્ણ કરવા માટે બધુ ભગવાન જગન્નાથ પર છોડી દીધું છે.”