14 જુલાઈ, 2023ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલું ચંદ્રયાન બુધવારે (23 ઓગસ્ટ, 2023) સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું હતું. આ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે મિશન ચંદ્રયાનનો આગામી તબક્કો શરૂ થયો છે. જેને લઈને ઈસરોએ અપડેટ આપ્યા છે. બીજી તરફ, લેન્ડિંગ સમયનો એક વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે.
ઈસરોએ જાણકારી આપતાં જણાવ્યું કે, મિશનની એક્ટિવિટી તેના નિયત સમય પ્રમાણે ચાલી રહી છે અને તમામ સિસ્ટમ નોર્મલ છે. જે એક રાહતની વાત છે. ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડર મોડ્યુલના પેલોડ્સ આજે સક્રિય થઇ ગયાં છે. જ્યારે રોવર મોબિલિટી ઓપરેશન પણ શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત, ચંદ્રની ફરતે ભ્રમણ કરતા પ્રોપલ્શન મોડ્યુલના શેપ પેલોડ પણ રવિવારે ચાલુ થઇ ગયા હતા.
આ સાથે ઇસરોએ એક વિડીયો પણ જાહેર કર્યો. X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલો આ વિડીયો લેન્ડિંગ સમયનો છે અને વિક્રમ લેન્ડર પર લગાવવામાં આવેલા અત્યાધુનિક કેમેરામાં કેદ થયો હતો. 2 મિનિટ 16 સેકન્ડનો આ વિડીયો તે સમયનો છે જ્યારે લેન્ડર ધીમે-ધીમે ચંદ્રમાની સપાટી પર ઉતરાણ કરી રહ્યું હતું. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કઈ રીતે લેન્ડર ચંદ્ર તરફ આગળ વધે છે અને આખરે સફળતાપૂર્વક લેન્ડિંગ કરે છે.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
ઉલ્લેખનીય છે કે ચંદ્રની સપાટી પર ક્યાંક મોટા-મોટા ખાડા જોવા મળે છે તો ક્યાંક સપાટ મેદાન હોય છે. લેન્ડર આગળનું ઓપરેશન યોગ્ય રીતે કરી શકે તે માટે તેને મેદાની પ્રદેશ પર ઉતારવું જરૂરી હતું. આ માટે કેમેરા ખૂબ મદદરૂપ બન્યા હતા. કેમેરા અમુક મીટરના અંતરેથી જ સક્રિય થઇ ગયા હતા અને યોગ્ય જગ્યા શોધીને લેન્ડરને લેન્ડ કરાવ્યું હતું. આ અત્યાધુનિક કેમેરા ન માત્ર ભારતમાં બનેલા સ્વદેશી છે પરંતુ તેને અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં બનાવવામાં આવ્યા છે.
હવે શું કરશે લેન્ડર અને રોવર?
ચંદ્રમા પર ગઈકાલે લેન્ડિંગ કર્યું એ સાધનને લેન્ડર કહેવાય છે, જ્યારે તેની અંદર અન્ય એક ઉપકરણ હોય જે હોય છે- રોવર. આ રોવર એક રોબોટિક વાહન છે, જે તેના વ્હીલની મદદથી હરીફરી શકે છે. આ રોવર ચંદ્રની સપાટી પર ફરીને ડેટા એકઠો કરશે અને તે લેન્ડરને મોકલશે. લેન્ડર આ માહિતી પૃથ્વી સુધી પહોંચાડશે.
લેન્ડર અને રોવર બંને 14 દિવસ સુધી કામ કરશે. ચંદ્રનો 1 દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. બંને સાધનો સૌરઉર્જાની મદદથી ચાલે છે. જેથી 15મા દિવસે જ્યારે રાત પડશે ત્યારે રોવર-લેન્ડર નિષ્ક્રિય થઇ જશે. પરંતુ ત્યાં સુધીમાં તેમણે પોતાનું કામ કરી દીધું હશે. જો ફરી સૂર્યોદય થાય ત્યારે સક્રિય થઇ જાય તો એ વધુ એક ઉપલબ્ધિ હશે. પરંતુ આમ બંનેની આવરદા 14 દિવસની છે.