અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર હુમલો કરીને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરનાર યુવક હાદી મતારની એક ઈરાની ફાઉન્ડેશને પ્રશંસા કરી છે અને તેને ખેતી માટે જમીન ઇનામમાં આપવાની ઘોષણા કરી છે. ફાઉન્ડેશને કહ્યું કે મતારે રશ્દી પર હુમલો કરીને દુનિયાભરના મુસ્લિમોને ખુશ કર્યા છે.
ઇમામ ખુમૈનીના ફતવાનો અમલ કરાવતા ફાઉન્ડેશનના સેક્રેટરી મોહમ્મદ ઇસ્માઇલ ઝરેઈએ આ ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, “પોતાની બહાદૂરીથી રશ્દીને એક આંખથી અંધ કરીને અને તેમનો એક હાથ નિષ્ક્રિય કરીને મુસ્લિમોને ખુશ કરનાર અમેરિકી યુવાનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.”
આગળ કહેવામાં આવ્યું કે, સલમાન રશ્દી હવે એક જીવતી લાશથી વિશેષ કશું નથી. મતારના કૃત્યને વખાણીને ઈનામની ઘોષણા કરતાં કહેવામાં આવ્યું કે તેને ખેતી માટે 1 હજાર સ્કવેર ફીટ જમીન આપવામાં આવશે.
ઓગસ્ટ 2022માં સલમાન રશ્દી પર થયો હતો હુમલો
અહીં ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ 2022ના રોજ રશ્દી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા ગયા ત્યારે હાદી મતાર નામનો એક કટ્ટરપંથી સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સલમાન રશ્દીને ત્યારબાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
વિશ્વવિખ્યાત પુસ્તક ‘ધ સેટેનિક વર્સીસ’ લખ્યા બાદથી જ સલમાન રશ્દીને દુનિયાભરના ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. ઈરાનમાં તેમની વિરુદ્ધ ફતવો પણ જારી કરવામાં આવ્યો હતો. 1988માં ઈરાન સહિતના ઘણા દેશોએ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ પુસ્તકમાંની કેટલીક સામગ્રીને મુસ્લિમો ‘ઇશનિંદા’ માનતા હતા. જેના એક વર્ષ બાદ ઇરાનના આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીએ રશ્દી વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો અને રશ્દીને મારનારને 30 લાખ ડોલર આપવાની ઘોષણા કરી હતી. જોકે, ઈરાને ત્યારબાદ આ ફતવાથી પોતાની અલગ કરી લીધું હતું, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી.
હુમલા બાદ સલમાન રશ્દી બચી તો શક્યા પરંતુ તેમણે એક આંખ ગુમાવી દીધી હતી તેમજ એક હાથ પણ કામ કરતો બંધ થઇ ગયો હતો. બીજી તરફ હુમલા બાદ હુમલો કરનાર હાદી મતારને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો.