છેલ્લા કેટલાક સમયથી દેશમાં એવી ઘટનાઓ છાશવારે બની રહી છે જેમાં મુસ્લિમ યુવતીને હિંદુ છોકરા સાથે જોઈને ઈસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય. તાજેતરમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સાથે જમવા ગયેલાં મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક સાથે મારપીટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં, આ બંનેને બચાવવા આવેલા હિંદુ યુવકો પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 50 લોકોનાં ટોળા સામે ગુનો દાખલ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઇન્દોરમાં મુસ્લિમ છોકરીને હિંદુ યુવકોના ‘ભગવા લવ ટ્રેપ’માં ન પડવાની સલાહ આપતા પેમ્ફલેટ એક મસ્જિદની બહાર વહેંચવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ આ ઘૃણાસ્પદ ઘટના બની હતી. પેમ્ફલેટમાં RSS અને બજરંગ દળ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા અને મુસ્લિમ છોકરીઓને ઉદ્દેશીને એવું કહેવામાં આવ્યું હતું કે, “તારા ઈમાનની કિંમત 7 જમીન અને 7 આકાશ કરતાં પણ વધારે છે. તારી ઈજ્જત આખી દુનિયાના મુસલમાનોના જીવથી પણ કિંમતી છે. તું ભગવા લવ ટ્રેપમાં ન પડજે.”
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના ઇન્દોરના તુકોગંજ વિસ્તારમાં ગુરુવારે (25 મે, 2023) મોડી રાત્રે એક હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી હોટેલમાંથી ડિનર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે મુસ્લિમ યુવકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તો જ્યારે કેટલાક હિંદુ યુવકો બંનેને બચાવવા આવ્યા ત્યારે ટોળાએ તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે એફઆઈઆર નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.
In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu.
— Mr Sinha (@MrSinha_) May 26, 2023
It's becoming a new normal!
Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ
MBBSના ત્રીજા વર્ષમાં ભણે છે ભાવેશ અને નસરીન
અહેવાલ અનુસાર, આ હુમલાનો ભોગ બનેલા ભાવેશ સુનહરે અને નસરીન સુલતાના MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ અવારનવાર અન્ય એક મિત્ર સાથે ફરવા જતા હોય છે. ત્રીજો મિત્ર ગુરુવારે (25 મે, 2023) આવ્યો ન હતો. બંને પટેલ બ્રિજ પાસે આવેલી મદની દરબાર હોટેલમાં જમવા ગયા હતા. અહીં કોઈએ નસરીનનો હિજાબ અને ભાવેશના હાથમાં રક્ષાસૂત્ર જોયું અને ત્યારથી જ તેઓ પર નજર રાખવામાં આવી હતી.
જ્યારે ભાવેશ અને નસરીન હોટેલથી પાછા આવી રહ્યા હતા ત્યારે ગ્વાલટોલી વિસ્તારમાં મુસ્લિમ યુવકોના ટોળાએ તેમની પર હુમલો કરી દીધો હતો. બંને સ્કૂટર પર સવાર હતા એટલે ઝડપથી ભાગીને પોતાને બચાવવામાં સફળ થયા હતા. પરંતુ ટોળું એટલે સુધી ન અટકતાં બાલ વિનય મંદિર સ્કૂલ પાસે ફરી તેમને ઘેરી લેવામાં આવ્યા. એ પછી બંને વિદ્યાર્થીઓને બચાવવા આવેલા લોકો પર પણ ટોળાએ છરી વડે હુમલો કર્યો હતો જેમાં હિમાંશુ પટેલ અને યશ જોશી નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાનું સંજ્ઞાન લઈને ખાતરી આપી છે કે આ ગુંડાગીરીમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇન્દોરના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ADCP) રાજેશ રઘુવંશીના જણાવ્યા અનુસાર, આ મામલે તુકોગંજ અને ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે કેસમાં છ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને અન્ય આરોપીઓના નામ હજુ બહાર આવ્યા નથી. એફઆઈઆર અનુસાર છ આરોપીઓની ઓળખ શોએબ, શવેઝ લાલા, મુઝ્ઝમીન, અમીન લાલા, સૈફ અને અરબાઝ તરીકે થઈ હતી, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે.