અમેરિકામાં ઓકલાહોમા શહેરમાં એક 59 વર્ષીય મૂળ ભારતીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ગુજરાતી હેમંત મિસ્ત્રી એક મૉટેલ ચલાવતા હતા. જ્યાંના પાર્કિંગ લૉટમાં તેમની એક યુવક સાથે માથાકૂટ થઈ ગઈ. બંને વચ્ચે થોડી બોલાચાલી બાદ સામેના વ્યક્તિએ હેમંતને મુક્કો મારી દીધો હતો, ત્યારબાદ તેઓ ઢળી પડ્યા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘટનામાં આરોપીની ઓળખ રિચાર્ડ લેવિસ (41) તરીકે થઈ છે. જાણવા મળ્યા અનુસાર, તેની હેમંત મિસ્ત્રી સાથે કોઇ વાતને લઈને માથાકૂટ થઈ હતી અને હોટેલ મેનેજર તરીકે તેમણે રિચાર્ડને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. જે વિડીયોમાં પણ જોવા મળે છે. જેમાં દેખાય છે કે બંને પાર્કિંગમાં ઉભા રહીને એકબીજાને ઊંચા અવાજે ગાળો ભાંડી રહ્યા છે.
Indian American, 59 year old Motel Manager, Hemant Mistry was killed by man after he was punched by a stranger in a motel parking in Oklahoma. The man punched Mistry knocking him unconscious. Mistry was taken to a hospital, where he then died. #NRINews #IndianAmerican pic.twitter.com/brBWt0jOXy
— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) June 25, 2024
આગળ જોવા મળે છે કે, અચાનક રિચાર્ડ આગળ વધે છે અને એક મુક્કો હેમંત મિસ્ત્રીના મોં પર મારી દે છે. ત્યારબાદ અચાનક તેઓ ઢળી પડે છે. પછીથી રિચાર્ડ ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને હેમંતને હૉસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટના સ્થાનિક સમય અનુસાર, શનિવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી. મિસ્ત્રીનું મૃત્યુ બીજા દિવસે સવારે 7:30 વાગ્યે થયું.
ઘટના બાદ પોલીસે આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં તેને નજીકની જ એક મૉટેલમાંથી પકડી લેવામાં આવ્યો. પહેલાં તેની સામે હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હેમંતના મૃત્યુ બાદ હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી. પોલીસે જણાવ્યું કે, તેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ હેમંત અને તેની વચ્ચે ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો અને તેને મૉટેલ છોડવા માટે શા માટે કહેવામાં આવ્યું હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. માત્ર એટલી જાણકારી મળી છે કે રિચાર્ડને ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું હતું અને તે જવા માંગતો ન હતો, જેથી ઝઘડો શરૂ કરી દીધો.
હેમંત મિસ્ત્રી મૂળ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા નગરના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઓકલાહોમામાં તેઓ મૉટેલ ચલાવતા હતા.