ઓસ્ટ્રેલીયામાં એક ભારતીય નાગરિક મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદને પોલીસે ગોળી મારી છે, જેમાં તેનું મૃત્યુ થયું છે. તેના પર કથીત રીતે રેલ સફાઈ કર્મચારી પર ચપ્પુથી હમલો કરવાનો આરોપ હતો. સાથે જ ત્યાં હાજર પોલીસ પર પર હમલો કરવાનો પ્રયત્ન કર્યાનો આરોપ સિડની પોલીસે લગાવ્યો છે. ભારત દુતાવસે આ મામલે આખો રીપોર્ટ મંગાવ્યો છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારના એક રીપોર્ટમાં પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અહેમદે મંગળવારે સિડનીના ઓબર્ન ટ્રેન સ્ટેશન પર 28 વર્ષીય સફાઈ કામદાર પર કથિત રીતે ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં સફાઈ કર્મી ઘાયલ થયો હતો. અહેમદ અહિયાં નહીં થોભતા પોલીસ સ્ટેશનમાંથી બહાર જઈ રહેલા બે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે એક પોલીસ અધિકારીએ પોતાની સ્વરક્ષામાં ત્રણ ગોળી ચલાવી હતી, જેમાંથી બે અહેમદની છાતીમાં વાગી હતી. અહેમદ ગોળી વાગતા ત્યાં જ ઢાળી પડ્યો હતો. તબીબી કર્મચારીઓ દ્વારા અહેમદને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય દુતાવાસે આ બાબતને ધ્યાન પર લીધી છે, તેમણે ઓસ્ટ્રેલિયન સરકાર પાસે આ બાબતે પૂરો રીપોર્ટ મંગાવ્યો છે. દુતાવસે આ મામલે ભારતીય નાગરિકની ઓળખ મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ તરીક કરી છે જે તામિલનાડુનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે અમે અહેમદ દ્વારા કથિત રીતે થયેલા હુમલાનો રીપોર્ટ મંગાવ્યો છે. જે પણ થયું છે તે દુખદ બન્યું છે. સીડીની પોલીસે પણ આ બાબતે દુખ વ્યક્ત કર્યું છે.
ઓસ્ટ્રેલીયામાં ઘણા સમયથી ભારતીયો સાથે અણબનાવો બનતા રહ્યા છે, હાલમાં જ ત્યાં મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ભારતના વિદેશ મંત્રીએ પણ ઓસ્ટ્રેલીયામાં થતા મંદિર પરના હુમલાઓની વાત ઉઠાવી હતી.
અહેમદ પર જે બાબતનો આરોપ લાગ્યો છે, તેની હજુ ભારત દુતાવાસ તરફથી પુષ્ટિ કરવામાં આવી નથી. તેમણે પણ ઓસ્ટ્રેલીયા પાસે રીપોર્ટ માંગ્યો છે. ઉપરાંત તે પણ જાણવા મળ્યું છે કે અહેમદ બ્રિજિંગ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. તે પણ તપાસ કરવામાં આવશે કે તે માનસિક રીતે અસ્વસ્થ હતો કે કેમ? આ બધી તપાસ બાદ જ ભારત સરકાર આના પર પગલું ભરશે.