છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવવાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય આને પોતાની સફળતા ગણાવે છે, જ્યારે વિપક્ષ આ બાબતે વધુ હુમલાવર રહે છે. આજે ફરી એક વાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસને આ અંગે ઈનપુટ મળ્યા હતા, જેને ભારતીય કોસ્ટગાર્ડ સાથે શેર કર્યા હતાં. ઈનપુટ મળ્યા બાદ બંને વિભાગો એલર્ટ થઇ ગયા હતા. તેમજ કોસ્ટગાર્ડે દરિયામાં પેટ્રોલિંગ માટે બે વહાણો મીરાબેહન અને આઈસીજીએસ એબીકે તૈનાત કર્યાં હતા. આ દરમિયાન એક બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે પ્રવેશી હતી. ઓખાના દરિયાથી આશરે 340 કિલોમીટર દૂર હતી. કોસ્ટગાર્ડની નજર શંકાસ્પદ બોટ પર પડી હતી. ત્યારબાદ આ બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે આ શંકાસ્પદ બોટને રોકવામાં આવી ત્યારે બોટની હરકતો મળેલા ઈનપુટ સાથે મેળ ખાતી હોવાથી તે બોટને જપ્ત કરવામાં આવી હતી.
આ બોટ પર પાંચ જેટલા વિદેશીઓ હતા, તેમની પૂછપરછ કરતા તેઓનું વર્તન પણ શંકાસ્પદ જણાયું હતું. બોટની સઘન તપાસ કરતા તેમાંથી 61 કિલો માદક પદાર્થ જે 425 કરોડનું હોવાનું માની રહ્યું છે. સાથેજ પાંચ બોટ વાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે, તેમને લખ્યું છે કે વધુ એક ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું સફળતાપૂર્વકનું ઓપરેશન, જેમાં 61 કિલો માદક પદાર્થ જેની આશરે કિંમત 425 કરોડ છે તે પાંચ ઈરાની નાગરિકો સાથે જપ્ત કરવામાં આવ્યું છે.
Yet another successful joint operation by Indian Coast Guard and Gujarat ATS.
— Harsh Sanghavi (@sanghaviharsh) March 7, 2023
They Seized 61 kg of drugs worth Rs 427 crore in the international market from an Iranian boat. pic.twitter.com/DPQk52020G
આ પહેલીવાર નથી કે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાયું હોય, ગુજરાત સરકારે ડ્રગ્સ વિરોધમાં ડ્રાઈવ ચલાવી છે. ડ્રગ્સ વાળો મામલો ચુંટણી દરમિયાન પણ રાજકીય મુદ્દો બન્યો હતો. જેમાં ગુજરાત સરકારે આ બાબતને પોતાની સફળતા ગણાવી હતી, જયારે વિરોધીઓએ સરકારની ટીકા કરી હતી. નોધનીય છે કે હમણાં સુધી છેલ્લા 18 મહિનામાં એટીએસ અને કોસ્ટગાર્ડે મળીને 2255 કરોડ રૂપિયાનું કુલ 407 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.