Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશખાલિસ્તાની પ્રોપગેન્ડા વિરુદ્ધ ભારત સરકારની મોટી ઓનલાઈન કાર્યવાહી: ત્રણ વર્ષમાં 28,000થી વધુ...

    ખાલિસ્તાની પ્રોપગેન્ડા વિરુદ્ધ ભારત સરકારની મોટી ઓનલાઈન કાર્યવાહી: ત્રણ વર્ષમાં 28,000થી વધુ URL બ્લોક, IT એક્ટની જોગવાઈઓ દ્વારા લીધાં પગલાં

    ભારત સરકારે ઓનલાઈન કટ્ટરપંથી પ્રોપગેન્ડા વિરુદ્ધ પગલાં લેવા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69A હેઠળની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે. આ જોગવાઈઓ સરકારને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા, તેના સંરક્ષણ, જાહેર વ્યવસ્થા અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને જોખમમાં મૂકતી પોસ્ટ અથવા સામગ્રીને પ્રતિબંધિત કે બ્લોક કરવાની સત્તા આપે છે.

    - Advertisement -

    ભારત સરકારે (Indian Government) ઓનલાઈન માધ્યમથી (Online Platform) થતાં ખાલિસ્તાની (Khalistani) પ્રોપગેન્ડા વિરૂદ્ધ કાર્યવાહી વધુ તેજ કરી છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ખાલિસ્તાની વિચારોને સંબંધિત 10,500થી વધુ URL બ્લોક કર્યા છે. સમસ્યારૂપ પોસ્ટ અને માહિતી પર પ્રતિબંધ મૂકવાની આ વિશાળ કવાયત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની (Information Technology Act) કલમ 69A હેઠળ કરવામાં આવી રહી છે. વર્તમાનમાં લેવાયેલ આ પગલાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશને અસ્થિર કરવાના પ્રયાસોનો સામનો કરવાનો સરકારનો સંકલ્પ દર્શાવે છે.

    ખાલિસ્તાન અને અન્ય ઉગ્રવાદી પ્રોપગેન્ડાને પ્રોત્સાહન આપતા વેબ એડ્રેસને ઓળખવા અને બ્લોક કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) અને ગૃહ મંત્રાલય (MHA)એ સાથે મળીને કામ કરી રહ્યા છે. 2021 અને 2024ની વચ્ચે સત્તાધીશોએ ફેસબુક, X, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ અને વ્હોટ્સએપ જેવા ઓનલાઈન માધ્યમથી ચાલતા પ્લેટફોર્મ પર કુલ 28,079 URL ને બ્લોક કર્યા છે.

    નોંધનીય છે કે ઉપલબ્ધ ડેટા મુજબ, 10,976ની સંખ્યા સાથે સૌથી વધુ URL ફેસબુક પર બ્લોક કરવામાં આવ્યા છે. ત્યારબાદ ક્રમશ: Xના 10,139 યુટ્યુબના2,211, ઇન્સ્ટાગ્રામના 2,198 અને વોટ્સએપના 138 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ 2021 થી, સરકાર IT એક્ટની કલમ 69A હેઠળ ખાલિસ્તાની પ્રોપગેન્ડા સાથે સબંધિત 10,500 URL બ્લોક કર્યા છે.

    - Advertisement -

    આ બ્લોક કરેલ URLમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓના કારણે ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા 2,100 URLનો પણ સમાવેશ થાય છે. આ પહેલ માત્ર અમુક ચોક્કસ સંગઠનો પુરતી મર્યાદિત નથી. LTTE, જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ અને વારિસ પંજાબ દે (WPD) જેવા જૂથો સાથે જોડાયેલા કટ્ટરપંથી પોસ્ટ્સ અને એકાઉન્ટ્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે જેથી દેશના લોકો સુધી તેમની પહોંચ અને પ્રભાવને રોકી શકાય.

    3 વર્ષમાં ખાલિસ્તાની પ્રોપગેન્ડા ફેલાવતા બ્લોક થયેલ URL

    તાજેતરના વર્ષોમાં, ઉગ્રવાદને પ્રોત્સાહન આપતા વેબ એડ્રેસ પર ક્રેકડાઉન વધુ તીવ્ર બન્યું છે. 2022માં 6,775 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. 2023માં આ સંખ્યા વધીને 12,483 થઈ ગઈ છે, જ્યારે 2024માં અત્યાર સુધીમાં 8,821 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં ફેસબુક અને X પર સૌથી એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

    વર્ષXફેસબુકયુટ્યુબઇન્સ્ટાગ્રામવોટ્સએપ
    20223,4171,74380935566
    20233,7726,07486281416
    20242,9253,159540 1,02956
    વર્ષ 2022થી 2024 દરમિયાન ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર બ્લોક કરેલ URLના આંકડા


    નોંધનીય છે કે બ્લોક કરાયેલા એકાઉન્ટનો ઉપયોગ સામાન્ય લોકોને નિશાનો બનાવીને તેમની સાથે છેતરપીંડી કરવા માટે થતો હતો. ફેસબુક પર ઉપયોગકર્તાઓને થર્ડપાર્ટી વેબસાઈટ અને એપ સ્ટોર્સ પર રિડાયરેક્ટ કરતા URL મોટી સંખ્યામાં બ્લોક કરવામાં આવ્યા છે. જે લિંક અથવા વેબસાઈટના માધ્યમથી લોકો કોઈ એપ્લિકેશન અથવા ટેલીગ્રામ કે વ્હોટ્સએપના આ ખાલિસ્તાની પ્રોપગેન્ડા ફેલાવતા ગ્રુપ્સમાં જોઈન થઇ જતા હતા. ત્યારપછી આ વેબસાઇટ્સ છેતરપિંડીયુક્ત રોકાણો અથવા ઘરેથી કામ કરવાની યોજનાઓ સાથે સંકળાયેલા કૌભાંડોને પ્રોત્સાહન આપતાં હતા.

    ભારત-કેનેડા તણાવ સાથે જોડાયેલી છે ખાલિસ્તાની પ્રવૃતિઓ

    નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપો પછીના તણાવે સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન તરફી એકાઉન્ટને પ્રોત્સાહન આપ્યું હતું. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) અને વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO) જેવી સંસ્થાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં મોખરે રહી છે. ભારતમાં આ સંસ્થાઓ સાથે જોડાયેલા કેટલાંક એકાઉન્ટને ભારત પૂરતા રોકવામાં આવ્યા છે, જેથી દેશના વપરાશકર્તાઓ X જેવા પ્લેટફોર્મ પર આ એકાઉન્ટ્સને એક્સેસ કરી શકતા નથી.

    નિષ્ણાતો અનુસાર વર્તમાન જિયોપોલિટીકલ વાતાવરણે ઉગ્રવાદી અને આતંકવાદી જૂથોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ઉશ્કેરણીઓને ફેલાવવા માધ્યમ ઉપલબ્ધ કરાવ્યું છે. “ખાલસા રાજ” નામના વૈકલ્પિક ગવર્નન્સ મોડલને પ્રોત્સાહન આપતા ટૂંકા વૉઇસ અને વિડીયો સંદેશાઓ મેસેજિંગ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યા છે જેથી લોકો, ખાસ કરીને યુવાનોને આ વિચારોથી પ્રભાવિત કરીને તેમની સાથે જોડી શકાય.

    સુરક્ષાના મુદ્દાઓમાં વિશેષતા ધરાવતા યુસાનસ ફાઉન્ડેશનના સીઈઓ અભિનવ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ખાલિસ્તાની ચળવળને પંજાબમાં કોઈ જમીની સમર્થન નથી, તેથી તેઓ સહાનુભૂતિ ધરાવતા લોકોને આકર્ષવા માટે વધુને વધુ ઓનલાઈન પ્રચારનોઆશરો લઈ રહ્યા છે.”

    IT એક્ટની કલમ 69Aનું કાયદાકીય માળખું

    ભારત સરકારે ઓનલાઈન કટ્ટરપંથી પ્રોપગેન્ડા વિરુદ્ધ પગલાં લેવા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69A હેઠળની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે. આ જોગવાઈઓ સરકારને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા, તેના સંરક્ષણ, જાહેર વ્યવસ્થા અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને જોખમમાં મૂકતી પોસ્ટ અથવા સામગ્રીને પ્રતિબંધિત કે બ્લોક કરવાની સત્તા આપે છે.

    સામાન્ય રીતે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે બ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવે છે. આ મામલામાં, એજન્સીઓએ પુરાવા રજૂ કર્યા કે અમુક URL અને એપ્લિકેશનમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક સામગ્રી છે. સોશિયલ મીડિયા પર આ સંગઠનો સામે લડવાના સરકારના પ્રયાસો છતાં, પડકાર હજુ ઉભો જ છે. ખાલિસ્તાન તરફી તત્વો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પોસ્ટ અને સામગ્રીને વાયરલ કરવા માટે સતત નવી રીતો શોધતા રહે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોકો વિરુદ્ધ લડવા સતત દેખરેખ અને હસ્તક્ષેપની આવશ્યકતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં