Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાપીએમ મોદીની યુક્રેન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના ચાર કરાર, ભારતે...

    પીએમ મોદીની યુક્રેન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના ચાર કરાર, ભારતે કહ્યું- અમે શાંતિના પક્ષમાં: યુદ્ધનો અંત લાવવામાં આ યાત્રા મદદરૂપ થાય તેવી UN ચીફને આશા

    રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત ક્યારેય પણ વિવાદોમાં તટસ્થ રહ્યું નથી અને હંમેશા શાંતિનું સમર્થન કર્યું છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 23 ઑગસ્ટના રોજ યુક્રેન (Ukraine) યાત્રા પર હતા. ત્યાં પહોંચતાં જ ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ PM મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે (Volodymyr Zelenskyy) મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન જ ભારત અને યુક્રેન વચ્ચે 4 કરાર થયા છે. આ સિવાય યુદ્ધની સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી અને શાંતિની સ્થાપના માટે અપીલ કરવામાં આવી. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં કામ કરવાની તૈયારી પણ દર્શાવી.

    પીએમ મોદીની યુક્રેન યાત્રા એટલા માટે પણ ખાસ છે કારણ કે વર્ષ 1991માં યુક્રેનને સોવિયેત યુનિયન પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ પ્રથમ વાર કોઇ ભારતીય વડાપ્રધાન અહીં યાત્રાએ પહોંચ્યા છે. વધુમાં, અત્યારે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઉપરાંત ગત મહિને જ પીએમ રશિયાની યાત્રાએ પણ હતા. આવી પરિસ્થિતિ વચ્ચે તેમની આ મહત્વની યાત્રા વચ્ચે સમગ્ર વિશ્વની નજર હતી.

    અધિકારીક જાણકારી અનુસાર, આ કરારો પર કૃષિ, ખાદ્ય ઉદ્યોગ, દવા અને સંસ્કૃતિ તેમજ માનવતાવાદી સહાયના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધારવાના હેતુથી હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારોથી ખાસ કરીને હાલની ભૂ-રાજકીય પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

    - Advertisement -

    રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત ક્યારેય પણ વિવાદોમાં તટસ્થ રહ્યું નથી અને હંમેશા શાંતિનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, “ભારત યુદ્ધમાં ક્યારેય તટસ્થ રહ્યું નથી, અમે હંમેશા શાંતિના પક્ષધર રહ્યા છીએ.” તેમણે ફરી એક વખત કહ્યું હતું કે, યુદ્ધ અને હિંસા ક્યારેય પણ કોઈ બાબતના જવાબ હોય શકે નહીં અને પ્રાદેશિક સ્થિરતા માટે નક્કર વાટાઘાટો કરવાની જરૂર છે. 

    UN ચીફે કહ્યું કે યુદ્ધ ખતમ કરવામાં મોદીની યાત્રા મદદરૂપ થઈ શકે

    બીજી તરફ, PM મોદીની યુક્રેન યાત્રા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN) ચીફ એંટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, તેમની આ યાત્રા યુદ્ધ સમાપ્ત કરવી શકે છે. PM મોદીની યુક્રેન યાત્રા મામલે UN પ્રવક્તાને સવાલ પૂછવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે કહ્યું હતું કે, UN ચીફને એવી આશા છે કે PM મોદીની યુક્રેન યાત્રા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં મદદરૂપ બનશે.

    ઉપરાંત ડુઝારિકે કહ્યું હતું કે, “અમે ઘણા રાષ્ટ્રના અધ્યક્ષ અને સરકારના વડાઓને યુક્રેનની મુલાકાત લેતા જોયા છે, અમે આશા રાખીએ છીએ કે આ મુલાકાતો અમને UNGOના ઠરાવોને અમલમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંઘર્ષને હળવો કરવામાં મદદરૂપ બનશે.” નોંધનીય છે કે UNGOએ ત્રણ પ્રસ્તાવ પસાર કરીને યુક્રેન પર રશિયન આક્રમણ રોકવાની અપીલ કરી હતી. જોકે, ભારતે આ ત્રણમાંથી એક પણના મતદાનમાં ભાગ લીધો ન હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં