ગાય અને વાછરડા જેવા ગૌવંશની તસ્કરીને અને હત્યા મામલે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. કોર્ટે કહ્યું હતું કે ગૌવંશની હત્યા અને તસ્કરી જેવા મામલા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. કોર્ટે આ ગુનાને સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમરૂપ ગણીને શકીલ મોહમ્મદની ધરપકડ યથાવત રાખી હતી. આ કેસ ગૌવંશની તસ્કરી સાથે જોડાયેલા એક વ્યક્તિ શકીલ મોહમ્મદનો છે. કોર્ટે તેની ધરપકડને યથાવત રાખી છે અને તેને પડકારતી અરજી પણ ફગાવી દીધી છે.
બાર એન્ડ બેન્ચે આપેલા રિપોર્ટ અનુસાર, આ કેસમાં આરોપી શકીલ મોહમ્મદ ગૌવંશની તસ્કરી સહિતના ગુનામાં સંડોવાયેલો છે. તેની ધરપકડ બાદ તેની અમ્મીએ હાઇકોર્ટમાં અરજી કરીને પોતાના દીકરાની મુક્તિની માંગ કરી હતી. જોકે, આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ મોક્ષા ખજૂરિયાએ તેમની અરજી ફગાવીને કાર્યવાહીને વાજબી ગણાવી હતી. આ દરમિયાન જજે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ અપરાધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવો છે.
ગૌવંશની તસ્કરી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે
કોર્ટે નોંધ્યું હતું કે, “પશુ તસ્કરીમાં ગૌ-વંશ પણ સામેલ હતો. ગાય અને વાછરડાની ગેરકાયદેસર તસ્કરી હંમેશા એક સમુદાય દ્વારા હત્યાના ઉદ્દેશ્યથી જ જોવામાં આવે છે. આથી જ આ પ્રકારની ગતિવિધિ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ગણાય છે.” કોર્ટે તેમ પણ કહ્યું કે, આરોપી વિરુદ્ધ ગૌવંશની તસ્કરીના અનેક કેસ દાખલ થયેલા છે. તેવામાં તેના વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વાજબી છે.
કોર્ટે કહ્યું કે, “આ પ્રકારની ગતિવિધિઓથી સમુદાયના વર્તમાન જીવનની ગતિ બાધિત થાય તેવી પણ સંભાવનાઓ છે. તેનાથી માત્ર કાયદાકીય જ નહીં, પરંતુ સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવામાં પણ જોખમ ઊભું થશે. આ પ્રકારના ગુનાથી ક્ષેત્રમાં સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવામાં પણ અડચણ ઉભી થઈ શકે છે.”
શકીલની અમ્મીએ કરી હતી હાઇકોર્ટમાં અરજી
આ કેસમાં શકીલની ગત માર્ચ મહિનામાં જમ્મુ-કાશ્મીર સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. તે પશુ તસ્કરી સાથે સંકળાયેલો છે અને તેના વિરુદ્ધ ગૌવંશની તસ્કરીની અનેક FIR દાખલ થઈ ચૂકી છે. તેવામાં તેની અમ્મીએ પોતાનો દીકરો નિર્દોષ હોવાના રટણ સાથે હાઇકોર્ટમાં જઈ તેની મુક્તિની માંગ કરી હતી.
શકીલની અમ્મીનો દાવો હતો કે, તેના દીકરાને સમજ્યા-વિચાર્યા વગર જ પોલીસે ઉઠાવી લીધો હતો. તેમણે કાયદાના ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રક્રિયાગત સુરક્ષા ઉપાયોનું ઉલ્લંઘન કરીને જ શકીલની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર તરફે હાજર વકીલે કહ્યું કે, શકીલ એક રીઢો ગુનેગાર છે. દલીલ આપવામાં આવી હતી કે તેના વિરુદ્ધ છરી ઉલાવવી, ઉત્પાત મચાવવો તેમજ ગૌતસ્કરી જેવા અનેક ગુના દાખલ છે.
બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટ નિષ્કર્ષ પર પહોંચી કે, શકીલ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વાજબી અને ન્યાયસંગત છે. તેની હરકતો અને ગુના સાર્વજનિક વ્યવસ્થા બગાડે તેવા છે. કોર્ટે નિષ્કર્ષ પર પહોંચ્યા બાદ કાર્યવાહીને વાજબી ગણીને ધરપકડ યથાવત રાખી હતી, કોર્ટે તેની અમ્મીની અરજીમાં કોઈ તથ્ય ન હોવાનું જાણીને તેને રદ કરી હતી.