સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે હિંદુ સંગઠનો અને ગામલોકોએ સ્થાનિક પંચાયતથી માંડીને કલેક્ટર કચેરી સુધી રજૂઆતો કરી છે અને પગલાં ન લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ મામલે ગત શનિવારે (30 ડિસેમ્બર, 2023) બજરંગ સેનાના જિલ્લા પ્રમુખ તારકેશ્વર શેષનાથ સિંહ અને સંગઠનના અન્ય કાર્યકર્તાઓ સાયણના તલાટી અને સરપંચને લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં કહેવામાં આવ્યું કે ગ્રામ પંચાયત અને અધિકારીઓના પીઠબળ હેઠળ સાયણની એક સોસાયટીના કોમન પ્લોટમાં બિનઅધિકૃત રીતે મસ્જિદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેની ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સાયણ ખાતે આવેલી એક સરકારી જમીનમાં મુસ્લિમ સમુદાય દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીના પીઠબળ હેઠળ બિનઅધિકૃત રીતે મસ્જિદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે મામલે તેમણે સરપંચ અને તલાટીને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઇ પણ કાયદેસર કાર્યવાહી કરી ન હતી અને ઉપરથી પંચાયતે આ મસ્જિદમાં વીજ મીટર લેવા માટે NOCનો દાખલો પણ આપી દીધો હતો.
ફરિયાદીએ કહ્યું કે, સાયણની સહારા પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તેને અડીને આવેલી સરકારી જમીન અને નજીકમાં આવેલા વરસાદી પાણીના નિકાલની ડ્રેનેજ વિભાગ હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને મસ્જિદના પાકા મકાનનું બાંધકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફરિયાદીઓએ કહ્યું કે, અગાઉ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ન લેવામાં આવતાં હવે તેમણે લેખિત રજૂઆત કરવાની ફરજ પડી છે. જેમાં માંગ કરવામાં આવી કે કોમન પ્લોટ અને સરકારી જમીન પર થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામને બંધ કરાવવામાં આવે અને જે બાંધકામ થઈ ગયું છે તેનું ડિમોલિશન કરાવવામાં આવે.
બજરંગ સેનાના કાર્યકરોએ જણાવ્યું છે કે, લેખિત રજૂઆત પછી પણ કોઇ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં ન આવે તો ઉપલી કચેરીએ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન રામના આશીર્વાદથી સાયણ ગ્રામ પંચાયત કચેરીએ અચોક્કસ મુદ્દત સુધી રામધૂન કરવામાં આવશે.
હજુ કોઇ કાર્યવાહી નથી થઈ, મંદિરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અટકાવવાના પ્રયાસ થયા હતા: તારકેશ્વર સિંહ
આ અંગે તારકેશ્વર સિંહ સાથે ઑપઇન્ડિયાની વાતચીત થઈ. તેમણે જણાવ્યું કે, તેઓ સ્થાનિક પંચાયત અને જિલ્લા કચેરીએ પણ રજૂઆત કરી ચૂક્યા છે, જ્યાંથી તેમને તપાસ બાદ યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ વાતચીત થઈ ત્યાં સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને હાલ બાંધકામ ચાલી જ રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે, જે સ્થળે મસ્જિદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેનાથી માત્ર 200થી 300 મીટર અંતરે જ 2 મોટી મસ્જિદો આવેલી છે અને ત્યાં મઝહબી પ્રવૃત્તિઓ થતી રહે છે. જેથી હવે નવેસરથી અનધિકૃત રીતે મસ્જિદ બનાવીને શાંતિ ડહોળવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાના તેમણે આરોપ લગાવ્યા હતા.
વાતચીત દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું કે, 2 મહિના પહેલાં જ્યારે સ્થાનિક હિંદુઓ એક મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા હતા ત્યારે સરપંચ અને તલાટી સહિતના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, તે કામ ન આવ્યો અને મંદિરનું કામ હજુ ચાલી જ રહ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મંદિરનું રિનોવેશન કામ સરકારી જમીન પર થઈ રહ્યું નથી અને જે સ્થળે કામ ચાલે છે ત્યાં મંદિર વર્ષોથી ઉભેલું છે. તેમણે ઉમેર્યું કે, સરપંચ-તલાટીને મંદિરનું કામ અટકાવવાનો સમય છે પરંતુ આ રજૂઆતો પર કાર્યવાહી કરવા માટે સમય નથી.