Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસ વિભાગ હતો અજાણ અને ગૃહમંત્રીએ અચાનક આપી દીધા તપાસના આદેશ: વાંચો...

    પોલીસ વિભાગ હતો અજાણ અને ગૃહમંત્રીએ અચાનક આપી દીધા તપાસના આદેશ: વાંચો ઓપરેશન જેલની ઇનસાઇડ સ્ટોરી, ગુજરાતની 17 જેલમાં એકસાથે પડ્યા હતા દરોડા

    8:20 વાગ્યે બેઠક શરૂ થઇ અને ગૃહમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવાના આદેશ આપી દીધા. જોકે, જે ટીમોને મોકલવામાં આવી તેમને ગાડીમાં બેસવા સુધી ખબર પડવા દેવામાં આવી ન હતી કે તેમણે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. 

    - Advertisement -

    શુક્રવારે (24 માર્ચ, 2023) મોડી રાત્રે અચાનક ગુજરાતની તમામ જેલોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદની સાબરમતી, સુરતની લાજપોર, વડોદરા અને રાજકોટ સેન્ટ્રલ જેલ સહિત 17 જેલમાં એકસાથે પોલીસ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને આ સમગ્ર ઓપરેશન પર મુખ્યમંત્રી પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કંટ્રોલ સેન્ટર પરથી નજર રાખી રહ્યા હતા. 

    જાણવા મળ્યું છે કે આ ઑપરેશન એકદમ ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું અને છેક સુધી પોલીસ વિભાગમાં પણ કોઈને તેનો અણસાર પણ આવ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સમાં આ ઑપરેશનની ઇનસાઇડ સ્ટોરી જણાવવામાં આવી છે. તદુપરાંત, પત્રકાર જનક દવેએ પણ આ અંગે એક ટ્વિટર થ્રેડમાં વિગતો આપી હતી. 

    શુક્રવારે સાંજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડીજીપીને એક બેઠક માટે સંદેશ મોકલ્યો હતો. બીજી તરફ, તમામ શહેરોના પોલીસ કમિશનરને પાંચ DCP અને 100 પોલીસકર્મીઓ અને તમામ જિલ્લાના પોલીસ વડાને પણ એ જ રીતે ટીમ સાથે કમિશનર કચેરીએ પહોંચવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા. જેને લઈને પોલીસ વિભાગમાં કશુંક મોટું થવાનો ગણગણાટ તો શરૂ થઇ ગયો હતો પરંતુ ખરેખર શું છે એ કોઈને ખ્યાલ ન હતો. 

    - Advertisement -

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પણ અલગ-અલગ ઝોનમાં ફરજ બજાવતા ડીસીપીને કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક પોલીસ કમિશનર કચેરીએ હાજર થવાનો આદેશ મળ્યો. આદેશ મળતાંની સાથે જ અધિકારીઓ જ્યાં હતા ત્યાંથી સીધા કચેરીએ પહોંચી ગયા. આ જ રીતે અન્ય મહાનગરો અને જિલ્લા મથકોએ પણ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે-તે કચેરીએ પહોંચી ગયા અને સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો.

    દરમ્યાન, પોલીસ વિભાગમાં કાર્યવાહીને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી અને શું કાર્યવાહી હશે તેને લઈને ગણગણાટ શરૂ થઇ ગયો હતો. આઠ વાગ્યા સુધીમાં તમામ સ્થળોએ પોલીસકર્મીઓ તૈયાર થઇ ગયા અને હવે રાહ જોવામાં આવી રહી હતી ગૃહમંત્રીના આદેશની. ત્યાં સુધીમાં સ્વયં DGPને પણ એ ખ્યાલ ન હતો કે આખરે કાર્યવાહી શું કરવાની છે. 

    8:20 વાગ્યે બેઠક શરૂ થઇ અને અચાનક ગૃહમંત્રીએ જેલમાં દરોડા પાડવાના આદેશ આપી દીધા

    ગૃહમંત્રી હર્ષ સંઘવી નક્કી કરેલા સમયે ડીજીપી ઓફિસ પહોંચ્યા, તેમની સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. 8:20 વાગ્યે બેઠક શરૂ થઇ અને ગૃહમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવાના આદેશ આપી દીધા. જોકે, જે ટીમોને મોકલવામાં આવી તેમને ગાડીમાં બેસવા સુધી ખબર પડવા દેવામાં આવી ન હતી કે તેમણે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. 

    આખરે તમામ ગાડીઓ જે-તે જેલ પર પહોંચી અને ત્યારબાદ અધિકારીઓને કહેવામાં આવ્યું કે તેમણે જેલમાં દરોડાની કાર્યવાહી કરવાની છે. કાર્યવાહીમાં સામેલ તમામ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા સાથે મોકલવામાં આવ્યા હતા, જેનું સીધું પ્રસારણ કન્ટ્રોલ રૂમમાં થઇ રહ્યું હતું અને ગૃહમંત્રી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યા હતા તો સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ડૅશબોર્ડ પરથી લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતા. 

    કુલ 1700 પોલીસ અધિકારીઓએ સવાર સુધી કાર્યવાહી કરી

    કાર્યવાહી કરનાર અધિકારીઓને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળે તો તેને કબજે કરી લેવામાં આવે અને તમામ જગ્યાએ તપાસ કરવામાં આવે. ત્યારબાદ અધિકારીઓએ જેલના ખૂણેખૂણા શોધી કાઢ્યા હતા. અમદાવાદની જેલમાં પાંચ ડીસીપી, 6 એસીપી અને 96 કોન્સ્ટેબલની ટીમ ઘૂસી હતી અને આખી જેલ ફેંદી નાંખી હતી. આ જ રીતે અન્ય શહેરોમાં પણ કાર્યવાહી ચાલી. સમગ્ર ઓપરેશનમાં 1700 પોલીસ અધિકારીઓ જોડાયા હતા. 

    આ કાર્યવાહી સવાર સુધી ચાલી અને જેલોમાંથી ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. અધિકારીક જાણકારી અનુસાર, આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઈલ ફોન, 10 ઇલેક્ટ્રિક આઇટમો, 39 નુકસાનકારક વસ્તુઓ, 519 ધુમ્રપાન સબંધિત વસ્તુઓ અને 3 નાર્કોટિક્સ આઇટમો મળી આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં