શુક્રવારે સવારે ગુજરાત ATSએ પોરબંદરમાંથી ISISનું એક ટેરર મોડ્યુલ પકડી પાડ્યું હતું અને આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં સુરતની એક મહિલા પણ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આતંકવાદીઓ પોરબંદરના રસ્તે ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાની ફિરાકમાં હતા. પરંતુ સફળ થાય તે પહેલાં જ ATSની ટીમે દબોચી લીધા હતા.
#WATCH | Porbandar, Gujarat: Visuals of the accused arrested in Gujarat ATS operation. https://t.co/e7fx7IN9AK pic.twitter.com/LskSQNYEzW
— ANI (@ANI) June 10, 2023
આ કાર્યવાહીને લઈને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યા અનુસાર, ગુજરાત ATSને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKP (ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ) સાથે જોડાયેલા ત્રણ કટ્ટરપંથી યુવાનો પોરબંદરથી ફિશિંગ બોટ મારફતે ખુરાસાન જવાના હોવાની જાણકારી મળી હતી. ઉલ્લેખનીય છે કે ISKP એ કુખ્યાત આતંકવાદી સંગઠન ISISની જ એક શાખા છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.
મળેલી માહિતીના આધારે ગુજરાત ATSની એક ટીમ શુક્રવારે (9 જૂન, 2023) સવારે પોરબંદર જવા માટે રવાના થઇ હતી અને રેલવે સ્ટેશને પહોંચીને વૉચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એટીએસે રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની અટકાયત કરી લીધી હતી.
આ ત્રણેયની પૂછપરછ કરતાં તેમની ઓળખ ઉબૈદ નાસિર મીર, હાનન હયાત શોલ અને મોહમ્મદ હાજિમ શાહ (ત્રણેય રહે. શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) તરીકે થઇ હતી. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે તેઓ ISKP માટે કામ કરે છે અને તેના હેન્ડલર અબુ હમઝાના સંપર્કમાં હતા. તેણે જ તેમને કટ્ટરપંથી બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેણે જ તેમને પોરબંદર પહોંચવા માટે કહ્યું હતું, જ્યાંથી તેઓ ફિશિંગ બોટ મારફતે ભાગવાની તૈયારી કરી રહ્યા હતા.
આ ત્રણની પૂછપરછ દરમિયાન અન્ય બે નામ પણ ખૂલ્યાં હતાં. જેમાં એક ઝુબૈર અહમદ મુન્શી નામનો શખ્સ છે, જે કાશ્મીરના શ્રીનગરનો રહેવાસી છે. જ્યારે અન્ય એક મહિલાનું નામ સામે આવ્યું હતું, જે સુરતની રહેવાસી છે. સુમેરાબાનુ નામની આ મહિલા અને ઝુબૈર અહમદ પણ આ જ ISKP મોડ્યુલનો ભાગ હતા અને પોરબંદરમાં પકડાયેલા ત્રણ આતંકીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હતા.
જાણકારી મળતાં જ સુરત પોલીસ તેમજ ત્યાંની ATSની ટીમને જાણ કરવામાં આવી હતી, જેમણે સુમેરાબાનુના ઘરે જઈને તેની અટકાયત કરી લીધી હતી. સુમેરાબાનુના ઘરમાંથી અમુક એવી સામગ્રી મળી આવી હતી, જેનાથી એ વાતની સાબિતી મળે છે કે તે ISKP સાથે જોડાયેલી હતી. જ્યારે બાકીના ત્રણના મોબાઈલ, લેપટોપ વગેરે ગેજેટ્સની તપાસ કરતાં તેમાંથી પણ અમુક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તેમણે ઓટોડિલીટ સિસ્ટમ રાખી હતી, પરંતુ ક્લાઉડમાંથી ઘણી સામગ્રી મળી આવી હતી.
DGPએ જણાવ્યા અનુસાર, આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા અને ત્યાંથી તેઓ અન્ય દેશોમાં જઈને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવા માટેની ફિરાકમાં હતા. રિપોર્ટ અનુસાર, પોરબંદરથી પકડાયેલા ત્રણ યુવાનોના સમાન અને બેગની તપાસ કરતાં તેમાંથી ડિજિટલ ઉપકરણો તેમજ છરી વગેરે પણ મળી આવ્યું હતું. ઉપરાંત, તેમની પાસેથી ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ અને કમાન્ડરના નામે શપથ લેતા વિડીયો પણ મળી આવ્યા હતા.
જાણવા મળ્યા અનુસાર, સૌપ્રથમ તેઓ બોટ મારફતે ઈરાન પહોંચવાના હતા અને ત્યાંથી નકલી પાસપોર્ટ મેળવીને હેરાત થઈને ખુરાસાન પહોંકવાના હતા. આ તમામ માહિતી અને પુરાવાના આધારે ઉબેર, હનાન અને મોહમ્મદ હાજિમ શાહ, ઝુબૈર અને સુમેરાબાનુ સામે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાંચમા આરોપી ઝુબૈર અહમદ મુન્શીની ધરપકડ માટે હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે.