2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ નવી સરકારમાં ઘણું બદલાયું છે. ઘણી પરંપરાઓ પણ તૂટી અને નવી શરૂ થઈ. આવી જ એક પરંપરા અગાઉ ચાલતી હતી તેની ઉપર વડાપ્રધાન બનતાંની સાથે નરેન્દ્ર મોદીએ પૂર્ણવિરામ મૂકી દીધું. એ હતી- પત્રકારોને વિદેશ પ્રવાસ દરમિયાન સાથે લઇ જવાની. અગાઉ વડાપ્રધાન સાથે પત્રકારોની ટોળકી વિદેશ પ્રવાસો કરતી હતી પરંતુ નરેન્દ્ર મોદીએ આ પ્રથાનો વીંટો વાળી દીધો. તેઓ પોતાની સાથે કોઇ પત્રકારને લઇ જતા નથી. આ નિર્ણય કઈ રીતે લેવાયો તે જાણકારી હવે સામે આવી છે.
વાસ્તવમાં 2014થી 2019 સુધી વડાપ્રધાન કાર્યાલયના (PMO) પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતો કહી હતી. ન્યૂઝ એજન્સી ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશ સાથે વાતચીત કરતી વખતે તેમણે એક કિસ્સો કહી સંભળાવ્યો હતો.
Ex-Principal Secy to PM Modi Reveals Why He Doesn't Take Any Media Persons with Him on Foreign Trips#ANIPodcastwithSmitaPrakash #Media #Modi #ForeignTrips
— ANI (@ANI) November 30, 2023
Watch the full episode here: https://t.co/Xchdq90PY0 pic.twitter.com/HPwDjQjgu9
વડાપ્રધાનની કાર્યશૈલી વિશે વાત કરતી વખતે એક કિસ્સો ટાંકીને નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે દર વખતની પરંપરાની જેમ એક વિદેશ પ્રવાસ પહેલાં તેમણે PM મોદીને એક યાદી આપી હતી, જેમાં એ પત્રકારોનાં નામ હતાં, જેમને પીએમની સાથે સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ દરમિયાન લઇ જવામાં આવનાર હતા. પૂર્વ અધિકારીએ કહ્યું કે, થોડી વાર સુધી પીએમ યાદી જોઈ રહ્યા અને તાત્કાલિક કોઇ જવાબ ન આપ્યો.
પછીથી જ્યારે નૃપેન્દ્ર મિશ્રા પોતે યાદી ફાઇનલ કરવાનાં હોઈ વડાપ્રધાનને યાદ કરાવ્યું ત્યારે પીએમનો પ્રશ્ન હતો કે જો આ પત્રકારોને વિદેશ પ્રવાસમાં સાથે લઇ જવામાં નહીં આવે તો શું થઈ શકે? અધિકારીએ જવાબ આપ્યો કે તેનાથી પ્રેસ સાથેનાં સંબંધોને અસર થઈ શકે છે. વડાપ્રધાનનો વળતો જવાબ એવો હતો કે મોટાં મીડિયા હાઉસના માલિકો તેમના પ્રતિનિધિઓને પોતાની રીતે મોકલશે. તેમણે ફંડની ચિંતા કરવાની જરૂર નથી રહેતી કે તેમને સાથે વિમાનમાં લઇ જવા પણ જરૂરી નથી.
નૃપેન્દ્ર મિશ્રા જણાવે છે કે ત્યારબાદ પણ તેમણે વડાપ્રધાનને કહ્યું હતું કે, આ એક પરંપરા રહી છે અને પત્રકારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, દૂતાવાસમાં તેમના માટે વ્યવસ્થાઓ હોય છે. પરંતુ PM મોદીએ તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, એવું હવે કશું જ નહીં થાય અને મારી સાથે કોઇ પત્રકાર નહીં આવે. નૃપેન્દ્ર મિશ્રા આગળ કહે છે કે, આ તેમનો નિર્ણય હતો, જે ફાઈનલ થઈ ગયો. પછી આ પરંપરા તૂટી ગઈ અને આગળના પ્રવાસો દરમિયાન તેમને આ રીતે પત્રકારોની યાદી આપવાનો કોઇ સવાલ ન હતો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં કોંગ્રેસ સરકારના પીએમ ડૉ. મનમોહન સિંઘ જ્યારે પણ વિદેશ પ્રવાસે જતા ત્યારે તેમની સાથે વિમાનમાં પત્રકારો પણ જતા હતા. જેમની યાત્રા સરકારી ખર્ચે થતી. જોકે, રહેવા-જમવાનો ખર્ચ તેમણે આપવો પડતો હતો. વિદેશ મંત્રાલય જે હોટેલ પસંદ કરે તેમાં તેઓ રોકાતા. આ માટે વિદેશ મંત્રાલયની મદદથી PMO દ્વારા પત્રકારોની એક યાદી તૈયાર કરવામાં આવતી. તેઓ પીએમ સાથે તેમના જ વિમાનમાં પ્રવાસ કરતા અને જેના માટે વિમાનમાં 34 બિઝનેસ ક્લાસ સીટની પણ વ્યવસ્થા હતી.
પીએમ મોદીએ આવીને આ બધું જ બંધ કરાવી દીધું. હવે વડાપ્રધાન પ્રવાસ કરે છે ત્યારે પત્રકારો જાય છે, પરંતુ પોતાના કે કંપનીના ખર્ચે. સરકાર કોઇને સાથે લઇ જતી નથી. વડાપ્રધાન સાથે તેમનું પ્રતિનિધિમંડળ હોય છે, જેમાં મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સામેલ હોય છે.