ભારતના અનેક રાજ્યોમાં પગપેસારો કરી રહેલા ખાલિસ્તાની નેટવર્ક સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વધુ કડક વલણ દાખવ્યું છે. MHA દ્વારા NIA, ED, IB અને RAW સહિત ઘણા રાજ્યોની પોલીસને ભારતમાં વધી રહેલા ખાલિસ્તાની નેટવર્કને ડામવાની સૂચના આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર હવે ખાલિસ્તાની નેટવર્ક અને ડ્રગ ટ્રાફિકિંગ મોડ્યુલ વિરુદ્ધ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે 19 ઓગસ્ટે NIA, ED, IB અને RAW સાથેની મહત્વની બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો. ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને અન્ય તપાસ એજન્સીઓને દિલ્હીને અડીને આવેલા 5 રાજ્યોમાં ખાલિસ્તાની નેટવર્કને ખતમ કરવાનો નિર્દેશ આપ્યો છે.
શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં દિલ્હી પોલીસ સાથે અન્ય 5 રાજ્યોની પોલીસ પણ સામેલ થઈ હતી. તમામ તપાસ એજન્સીઓને ખાલિસ્તાની ગતિવિધિઓ પર નજર રાખવા અને કેસ નોંધવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ દિલ્હી અને આસપાસના રાજ્યોમાંથી આઈઈડી અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, તપાસ એજન્સીઓનું માનવું છે કે પાકિસ્તાનમાં હાજર ISI અને ખાલિસ્તાની સંગઠનોનો આ બધામાં હાથ હોય શકે છે. તપાસ એજન્સીઓ અનુસાર, આ સંગઠનો દેશમાં મોટો હુમલો કરવા માંગે છે. જે માટે તમેને વિદેશમાંથી ફંડ મળી રહ્યું છે. NIA એ પણ તપાસ કરશે કે આ સંસ્થાઓને વિદેશી ભંડોળ ક્યાંથી આવી રહ્યું છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના નિશાના પર મુખ્યત્વે 5 ખાલિસ્તાની સંગઠનો છે. આ યાદીમાં શીખ યુથ ફેડરેશન (SYF), શીખ્સ ફોર જસ્ટિસ (SFJ), ખાલિસ્તાની લિબરેશન ફ્રન્ટ (KLF), ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) જેવા મોટા ખાલિસ્તાની સંગઠનોનાં નામો સામેલ છે.
એ પણ નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખાલિસ્તાની નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શીખ ફોર જસ્ટિસ (SFJ)નો આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ આ કામમાં સૌથી વધુ સક્રિયતા દાખવી રહ્યો છે. જોકે, તેણે દેશમાંથી વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે તેના જ ગામના લોકોએ પન્નુની ખૂબ ટીકા કરી અને યુવાનોએ ત્રિરંગા રેલી પણ આયોજિત કરી હતી. દરમ્યાન, કેટલાક યુવાનોએ પન્નુના ઘરે જ તિરંગો ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પન્નુએ તિરંગો ન ફરકાવવાની અપીલ કરી હતી.