Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ‘કલમ 370 હવે ઇતિહાસ, ફરી ક્યારેય લાગુ નહીં થાય’: કાશ્મીરમાં ગૃહમંત્રી શાહે...

    ‘કલમ 370 હવે ઇતિહાસ, ફરી ક્યારેય લાગુ નહીં થાય’: કાશ્મીરમાં ગૃહમંત્રી શાહે જાહેર કર્યું ભાજપનું ઘોષણાપત્ર, પ્રચારનો વિધિવત આરંભ

    જમ્મુ-કાશ્મીર ખાતે સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિના દરમિયાન ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં પ્રચાર અને તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના પ્રવાસ પર કાશ્મીર પહોંચ્યા હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને (Jammu-Kashmir) વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે શુક્રવારે (6 સપ્ટેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારનો વિધિવત આરંભ કર્યો હતો. તેમણે ભાજપનું સંકલ્પપત્ર લૉન્ચ કર્યું, આ પ્રસંગે સંબોધન પણ કર્યું. જેમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે કલમ 370 (Article 370) હવે ઇતિહાસનો એક ભાગ બની ગઈ છે અને તે ક્યારેય ફરી લાગુ થશે નહીં. આ સિવાય તેમણે ભાષણમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ કાર્યક્રમો અંગે પણ વાતચીત કરી હતી.

    જમ્મુ-કાશ્મીર ખાતે સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિના દરમિયાન ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં પ્રચાર અને તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના પ્રવાસ પર કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો, જેમાં ભાજપ સરકાર દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં થયેલા વિકાસ કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી અને આગળ સરકાર બનશે તો પાર્ટી શું-શું કામો કરશે તે પણ જણાવ્યું.

    તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર ભારતની સ્વતંત્રતા સમયથી અમારી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે, અને આઝાદીના સમયથી જ અમે આ વિસ્તારને ભારત સાથે જોડાયેલ રાખવા માટે હંમેશા પ્રયાસો કર્યા છે.” વધુમાં તેમણે કહ્યું કે, “પંડિત પ્રેમનાથ ડોગરાથી લઈને શ્યામા પ્રસાદ મુખર્જીની વીરગતિ સુધી… આ સમગ્ર સંઘર્ષને પહેલાં ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ આગળ ધપાવ્યો હતો. કારણ કે અમારો પક્ષ માને છે કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો ભાગ રહ્યું છે અને આગળ પણ રહેશે.”

    - Advertisement -

    અલગાવવાદનો મુદ્દો ઉઠાવ્યો

    અલગાવવાદનો મુદ્દો ઉઠાવતા ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, “2014 સુધી જમ્મુ-કાશ્મીર હંમેશા આતંકવાદ અને અલગતાવાદના પડછાયા હેઠળ હતું. તમામ સરકારો હંમેશા જમ્મુ-કાશ્મીરને અસ્થિર કરતી રહી અને તેમણે રાજકારણ કરીને તુષ્ટિકરણની નીતિ અપનાવી.” તેમણે કહ્યું હતું કે પાછલી સરકારો અલગાવવાદીઓ સામે ઝૂકી જતી હતી, પરંતુ પાછલાં 10 વર્ષોમાં અહીં શાંતિ રહી અને વિકાસ પણ એટલો જ થયો છે.

    કલમ 370 હવે ઇતિહાસ

    “કલમ 370 અને આર્ટિકલ 35A નાબૂદ કરવો એ ઐતિહાસિક નિર્ણય હતો અને હવે આ બંને કલમો ઇતિહાસ બની ગઈ છે, તે હવે ફરીથી ક્યારેય લાગુ કરી શકાશે નહિ” તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, “કલમ 370 અને 35A હવે આપણા બંધારણનો ભાગ નથી. સમગ્ર ભારત અને જમ્મુ-કાશ્મીરના લોકો આ વિશે જાણીને આનંદિત છે. કારણ કે કલમ 370 એ કડી હતી જેના કારણે કાશ્મીરના યુવાનોને પથ્થરો અને હથિયારો પકડ્યાં હતાં.”

    આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે PM મોદીના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં વિકાસનાં અનેક કામ થયાં છે તેમજ તથા વર્ષ 2014-24ના 10 વર્ષના સમયગાળાને કાશ્મીર માટે સુવર્ણકાળ પણ ગણાવ્યો હતો. તેમણે પંચાયતના વિકાસ પર પણ ભાર આપતા કહ્યું હતું કે, “પહેલાં ન પંચાયતની ચૂંટણી થતી હતી, ન તાલુકા પંચાયતોનું ગઠન થતું હતું. પરંતુ ભાજપ સરકારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ કરાવીને પંચાયતી રાજ પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું છે અને લોકશાહીની સ્થાપના કરી છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા પહેલાં જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી ત્રણ પરિવારો વચ્ચે જ સીમિત બનીને રહી ગઈ હતી.

    કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

    ચૂંટણી ઢંઢેરો બહાર પાડતાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યા હતા કે શું રાહુલ ગાંધી નેશનલ કોન્ફરન્સના 2 ધ્વજનું સમર્થન કરતા એજન્ડા સાથે સહમત છે? શું તેઓ કલમ 370 પર નેશનલ કોન્ફરન્સના સ્ટેન્ડનું સમર્થન કરે છે? શાહે કહ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો એજન્ડા જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ લઇ જવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં