મધ્ય પ્રદેશના રતલામમાં એક મંદિરમાં ઘૂસીને પૂજારી સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. આરોપ મુસ્લિમ યુવકો પર લાગ્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ પણ કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતલામના દિવેલ ગામમાં આ ઘટના બની હતી. ગત રાત્રિએ મંદિરના લાઉડસ્પીકરના અવાજને લઈને કેટલાક મુસ્લિમ યુવકો મંદિરમાં ઘૂસી ગયા હતા અને ગાળાગાળી કરીને પૂજારી અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાના સ્થાનિક હિંદુઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
પત્રિકાના રિપોર્ટ અનુસાર, આ ગામમાં મંદિર અને મસ્જિદ નજીક-નજીકમાં આવેલાં છે. ગત 26 જાન્યુઆરીની સાંજે કેટલાક મુસ્લિમ શખ્સો ગામમાં આવેલા મંદિરના પૂજારી પાસે ગયા હતા અને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવા માટે કહ્યું હતું. જવાબમાં પૂજારીએ કહ્યું કે, અવાજ બંને તરફથી ઓછો થવો જોઈએ. ત્યારબાદ કેટલાક ઈસમોએ આવીને મંદિરના પૂજારીના ઘરમાં તોડફોડ અને મારપીટ કરી હતી અને તેમના પરિજનોને પણ ઇજા પહોંચાડી હતી.
એક રિપોર્ટ અનુસાર, આ ગામમાં લાઉડસ્પીકરને લઈને ભૂતકાળમાં પણ નાના-મોટા વિવાદો થઇ ચૂક્યા છે. 26 જાન્યુઆરીની સાંજે પણ મુસ્લિમ યુવકો ગાળાગાળી કરતા મંદિરમાં ઘૂસી ગયા હતા અને પૂજારી અને તેમના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. જેમાં તેમના પરિજનોને ઇજા પણ પહોંચી હતી.
પૂજારી સાથે મારપીટ થયાની ઘટનાની જાણ થતાં જ રતલામમાં આસપાસના હિંદુઓ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી ગયા હતા, જેના કારણે પૂજારી અને તેમના પરિવારની હિંમત પણ વધી હતી. ત્યારબાદ હિંદુઓ પોલીસ મથકે પણ પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેટલાકે આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની પણ માંગ કરી હતી.
ગંભીરતા જોતાં રતલામના કલેક્ટર અને એસપી જેવા ઉચ્ચ અધિકારીઓએ પણ દોડવું પડ્યું હતું. તેમણે પ્રદર્શન કરતા લોકોને સમજાવીને કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. પછીથી પોલીસ અધિકારીઓ મંદિરે પણ પહોંચ્યા અને સ્થળતપાસ કરી હતી. જ્યાં લોકોએ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસ અધિકારીઓને બતાવ્યા હતા.
મોડી રાત્રે મંદિરના પૂજારી રામચંદ્ર શર્માની ફરિયાદના આધારે રતલામના ધમનોદ પોલીસ મથકે 9 ઈસમો વિરુદ્ધ મારપીટ અને અન્ય ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પોલીસે શોધીને તમામને હિરાસતમાં પણ લઇ લીધા હતા.