Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાત'જીવહિંસા આચરનારને કડક સજા થાય': માનવબલિ અને અંધશ્રદ્ધા નિર્મૂલન બિલને સાધુ-સંતોનું સમર્થન,...

    ‘જીવહિંસા આચરનારને કડક સજા થાય’: માનવબલિ અને અંધશ્રદ્ધા નિર્મૂલન બિલને સાધુ-સંતોનું સમર્થન, ગુજરાત સરકારના પગલાની પ્રશંસા કરી

    ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળાજાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કાયદો ઘડવાના મહત્વના નિર્ણયની જાહેરાત પણ કરી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભામાં 21 ઑગસ્ટથી ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકારે આ સત્ર દરમિયાન માનવબલિ, અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને ડામવા માટે બિલ પણ રજૂ કરી દીધું છે. રાજ્યમાં વધી રહેલા અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના કેસોને લઈને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના માનવબલિ અને અંધશ્રદ્ધા વિરોધી બિલને હવે સાધુ-સંતોનું પણ સમર્થન મળ્યું છે. ગુજરાતના જાણીતા કથાકાર અને મહંતોએ સરકારની પ્રશંસા કરીને અંધશ્રદ્ધા વિરોધી બિલને આવકાર્યું છે. મહંતોએ એકસૂરમાં કહ્યું છે કે, રાજ્યમાં આવા કાયદાની તાતી જરૂરિયાત હતી અને જીવહિંસા આચરનારને કાયદા દ્વારા કડક સજા થવી જોઈએ તે પણ અનિવાર્ય હતું.

    માહિતી અનુસાર, 21 ઑગસ્ટના રોજ રાજ્ય સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું છે. તે સાથે જ આ બિલને સાધુ-સંતોનું પણ સમર્થન મળ્યું છે. આ બિલને લઈને સાધુ વત્સલદાસજી મહારાજે કહ્યું છે કે, “ઋગ્વેદમાં પણ અંધશ્રદ્ધા અને જીવબલિને વર્જિત ગણવામાં આવી છે. અનેક સંહિતાઓમાં પણ તે જ વાત કરવામાં આવી છે. તમામ ભગવાનોને પણ કહ્યું છે કે, કોઈપણ જીવ માત્રની હિંસા ન કરવી જોઈએ. આના માટે અવશ્ય કાયદા ઘડવા જોઈએ અને જીવહિંસા આચરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.”

    આ ઉપરાંત ડાકોરના જાણીતા કથાકાર ભાવિનલાલજી મહારાજે કહ્યું છે કે, “માનવ બલિદાન તથા કાળા જાદુની પ્રથાને અટકાવતો અને અંધશ્રદ્ધાના નિર્મૂલન માટેનો સરકારનો વિચાર સરાહનીય છે. તેનું અમે સ્વાગત કરીએ છીએ. જે પણ કાયદા અને નિયમો સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તેનું અમે સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ. રાજ્યના હિત માટે આવા કાયદા અને નિયમોની ખૂબ જરૂરિયાત પણ છે.” આ સાથે જ ઉજ્જૈનના આચાર્ય ડૉ. અર્જુન શર્માએ પણ ગુજરાત સરકારની સરાહના કરી છે.

    - Advertisement -

    ડૉ. અર્જુન શર્માએ કહ્યું છે કે, “ગુજરાત સરકાર જે કાયદો લાવી રહી છે, તે ખૂબ જ સારું અને સરાહનીય પગલું છે. કારણ કે, ઘણી જગ્યાએ અનેક લોકો અંધવિશ્વાસ ફેલાવે છે. આ કાયદા દ્વારા તેના પર અંકુશ લાગી જશે અને સજા પણ મળી શકશે. આ સાથે જ ગ્રામીણ સમાજના ભોળા લોકોને પણ તેનાથી લાભ થશે. અંધશ્રદ્ધા દરેક પંથના લોકોમાં જોવા મળે છે. તેને દૂર કરવી ગુજરાત સરકારનું યોગ્ય અને ઉત્તમ પગલું છે.” આ ઉપરાંત પણ ગુજરાતના અનેક સંતસમાજના પ્રતિનિધિઓએ આ કાયદાનું સ્વાગત કર્યું છે.

    નોંધનીય છે કે, ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળાજાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કાયદો ઘડવાના મહત્વના નિર્ણયની જાહેરાત પણ કરી હતી. વિધાનસભામાં 21 ઑગસ્ટના રોજ તે અંગેનું બિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાંમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળાજાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે બિલ રજૂ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં