હિંદુ તહેવાર નવરાત્રીને હવે માત્ર એક જ દિવસ આડો છે, આ સનાતન તહેવારમાં હિંદુ બહેન-દીકરીઓની સુરક્ષા માટે પોલીસ સહિત હિંદુ સંગઠનો પણ ચાંપતી નજર રાખી રહ્યાં છે. ગુજરાતભરમાં સંગઠનો નવરાત્રિના ગ્રાઉન્ડમાં માત્ર હિંદુઓ જ આવે તેવી વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. તેવામાં વલસાડમાં વિશ્વ હિંદુ પરિષદે પ્રોફેશનલ નવરાત્રિ આયોજનમાં બિનહિંદુઓને પ્રવેશ ન આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટર અને પોલીસ તંત્રને આવેદન પાઠવ્યું છે. સાથે જ ગરબામાં ફિલ્મી ગીતો ન વગાડવામાં આવે તેવી માંગ પણ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર વલસાડ જિલ્લા વિશ્વ હિંદુ પરિષદે 14 ઓક્ટોબર, 2023ના રોજ આવેદન પત્ર પાઠવ્યું હતું. આ પત્રમાં પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “15 ઓકટોબરથી શરૂ થતા નવરાત્રિનો મહાપર્વ, હિંદુ દેવીઓની આરાધના અને ઉપાસનાનું પર્વ છે. આ તહેવારમાં હિંદુ પરિવારો બાળકો, વડીલો અને માતા-બહેનો સાથે ગરબા રમવા જાય છે. હિંદુ તહેવારના આ પ્રકારના જાહેર આયોજનમાં બિનહિંદુ યુવકો હિંદુઓ જેવો પહેરવેશ અને નામ ધારણ કરી સમાજની દીકરીઓને ફસાવે છે અને લવ જેહાદ જેવાં ષડયંત્રો આચરે છે.”
આ પત્રમાં આગળ વિહિપે માંગ કરી હતી કે, “પ્રોફેશનલ ગરબા આયોજકો માત્ર પોતાના આર્થિક સ્વાર્થ માટે સાઉન્ડ, ટેન્ટ, કેન્ટીન અને ફોટોગ્રાફર તરીકે બિનહિંદુઓને કામ આપે છે. જેના કારણે હિંદુ બહેન દીકરીઓ લવ જેહાદ જેવા દુષણોનો ભોગ બને છે. આ બાબતોને ધ્યાને રાખી કામે રાખેલા લોકોની સાચી ઓળખ કરી, તિલક અને પંચગવ્યનો છંટકાવ કર્યા બાદ જ તેમને નવરાત્રિનો મંડપમાં પ્રવેશ આપવામાં આવે. સાથે જ જો આયોજકો ગરબા દરમિયાન ફિલ્મી કે હિન્દી ગીતો વગાડી ગરબા રમાડે તો ધાર્મિક લાગણી દુભાવવાની કલમ 295A મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”
બીજી તરફ, ગુજરાતમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરતા આયોજકોને પ્રશાસન તરફથી પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ આયોજકોએ ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને દર્શકો માટે એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ફાયર સેફ્ટીનાં સાધનો, CCTV કેમેરા, પીવાના પાણી અને વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. નવરાત્રિને લઈને પોલીસ પ્રશાસન પણ પૂરી તૈયારીઓ સાથે તૈયાર છે, ગુજરાત પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર હાજર રહીને અસામાજિક તત્વો પર નજર રાખશે. સાથે જ કોઈ પણ પ્રકારના અણબનાવને પહોંચી વળવા નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.