ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં શુક્રવારે (8 નવેમ્બર 2024) એક હિંદુ યુવતીએ સમીર મંસૂર નામના મુસ્લિમ યુવક વિરુદ્ધ લવ જેહાદનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. યૌન શોષણનો શિકાર બનેલી પીડિતાનો આરોપ છે કે, તેને લાંબા સમયથી ઇસ્લામ કબૂલ કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નાં પાડવા બદલ તેને ઢોર માર મારવામાં આવતો હતો. આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ કેસની ફરિયાદ ભુવનેશ્વરના મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. મૂળ જગતસિંહપુર જિલ્લાના કુજંગ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી પીડિતાએ શુક્રવારે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ઓનલાઇન ગેમ ‘ફ્રી ફાયર’ રમતી વખતે તેનો પરિચય એક યુવક સાથે થયો હતો. આ દરમિયાન સમીર મંસૂરે પોતે મુસ્લિમ હોવાનું છૂપાવ્યું હતું. મિત્રતા થયા બાદ થોડા જ સમયમાં બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી.
પીડિતાનો આરોપ છે કે, થોડા દિવસ બાદ સમીરે તેને લલચાવી-ફોસલાવીને વિશ્વાસમાં લઈ લીધી હતી. તે માર્ચ 2024માં ઓડિશા આવ્યો હતો અને તે યુવતીને મળ્યો હતો. તે યુવતીને એક હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન આરોપી સમીર મંસૂરે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. થોડા સમય બાદ સમીર મંસૂરે પીડિતા પર ઇસ્લામ કબૂલ કરીને તેની સાથે નિકાહ કરવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
યુવતીને જ્યારે ખબર પડી કે સમીર મુસ્લિમ છે તો તેણે તેનાથી પોતાને દૂર કરવાનું શરૂ કરી દીધું. આ સાથે પીડિતાએ ઇસ્લામ કબૂલ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પીડિતાના ઇનકારથી ગુસ્સે ભરાયેલા મંસૂરે તેના અશ્લીલ ફોટા અને વિડીયો બતાવીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ તેને પોર્ન સાઈટ પર અપલોડ કરવાનો ડર બતાવીને પીડિત પરિવાર પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પીડિતાના જણાવ્યા પ્રમાણે સમીર મૂળ બિહારના ચંપારણનો છે અને જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. તેણે પીડિતા તેમજ તેના પરિવારને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ કારણે યુવતી ડિપ્રેશનમાં સરી પડી છે. પોતાની ફરિયાદમાં પીડિતાએ આરોપી સમીર મંસૂર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ પણ નોંધ્યો છે.
ભુવનેશ્વરમાં હિંદુ યુવતીએ સમીર મંસૂર વિરુદ્ધ લવ જેહાદના આરોપસર દાખલ કરેલી ફરિયાદ બાદ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શુભનારાયણ મૃદુલીએ જણાવ્યું હતું કે, આરોપી સમીર મંસૂર સામે આઇટી એક્ટની સાથે ભારતીય દંડ સંહિતાની (આઇપીસી) કલમ 376 (1), 385, 386, 386, 294, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમીર મંસૂરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે તપાસ હાથ ધરીને આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.