અમદાવાદની એક સ્થાનિક કોર્ટે ત્રણ હિંદુ પુત્રીઓ દ્વારા મુસ્લિમ માતાની સંપત્તિમાં હક હોવાના દાવા સાથે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મુસ્લિમ કાયદા અનુસાર મહિલાની સંપત્તિમાં તેમનાં સંતાનોનો અધિકાર ન હોય શકે.
મહિલાએ પતિના મૃત્યુ બાદ ઇસ્લામ અપનાવી લીધો હતો અને એક મુસ્લિમ વ્યક્તિ સાથે નિકાહ કર્યાં હતાં. કોર્ટે કહ્યું કે, તેમની સંપત્તિમાં તેમનો મુસ્લિમ પુત્ર જ ઉત્તરાધિકારી બને છે અને હિંદુ સંતાનોનો કોઈ હક નથી.
રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2979માં રંજન ત્રિપાઠી નામની મહિલાના પતિનું મૃત્યુ થયું હતું. ત્યારે તેઓ ગર્ભવતી હતાં અને સંતાનોમાં બે પુત્રીઓ હતી. મૃતક વ્યક્તિ BSNLમાં કર્મચારી હતા, જેથી તેમના નિધન બાદ પત્ની રંજન ત્રિપાઠીને અનુકંપાના આધારે BSNLમાં ક્લાર્કની નોકરી આપવામાં આવી હતી. જોકે, તેમણે એક મુસ્લિમ વ્યક્તિ સાથે રહેવા માટે પરિવાર છોડી દીધો હતો અને તેમની ત્રણ પુત્રીઓની દેખરેખ પણ પરિવાર જ રાખતો હતો.
વર્ષ 1990માં ત્રણ પુત્રીઓએ ભરણપોષણને લઈને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની માતાને જ્યારે નોકરી આપવામાં આવી હતી તો તે પાછળનો એક આશય બાળકોનું ભરણપોષણ પણ હતો. જેમાં પુત્રીઓ કેસ જીતી ગઈ હતી.
વર્ષ 1995માં રંજન ત્રિપાઠીએ હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવી લીધો હતો અને નામ રેહાના મલેક કરી નાંખ્યું હતું. પછીથી સર્વિસ રેકોર્ડ્સમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. નિકાહ બાદ તેમને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ તેમની સર્વિસ બુકમાં ઉત્તરાધિકારી તરીકે લખાયું હતું.
વર્ષ 2009માં રંજન ઉર્ફે રેહાનાના મૃત્યુ બાદ તેમની ત્રણેય પુત્રીઓએ સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરીને માતાના પીએફ, ગ્રેચ્યુટી, ઇન્સ્યોરન્સ, લિવ એન્કેશમેન્ટ અને અન્ય લાભો પર હક હોવાનું કહીને દાવો કર્યો હતો કે તેઓ બાયોલોજીકલ સંતાનો હોવાના કારણે ઉત્તરાધિકારી તરીકેના લાભો તેમને જ મળવાપાત્ર છે.
કોર્ટ સમક્ષ ત્રણેય પુત્રીઓએ માતાના મુસ્લિમ વ્યક્તિ સાથેના સબંધો, તેમનું ધર્માંતરણ અને તેમના પુત્રને અપાયેલા અધિકારો પર સવાલો ઉઠાવ્યા હતા પરંતુ કોર્ટે દસ્તાવેજો અને પુરાવાઓના આધારે આ દલીલો ફગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું કે, જો મૃતક મુસ્લિમ હોય તો તેના ઉત્તરાધિકારી હિંદુ હોય શકે નહીં. મુસ્લિમ વ્યક્તિના સીધા ઉત્તરાધિકારી માત્ર મુસ્લિમ જ હોય શકે. જેથી અજરદારો (ત્રણેય પુત્રીઓ) રંજન ઉર્ફે રેહાનાનાં વારસદારો હોવા છતાં આ સંપત્તિ પર તેમનો કોઈ અધિકાર નથી.
કોર્ટે એમ પણ કહ્યું કે, હિંદુ ઉત્તરાધિકાર અનુસાર પણ આ ત્રણેય હિંદુ પુત્રીઓનો મુસ્લિમ માતાની સંપત્તિમાં કોઈ અધિકાર બનતો નથી.