વક્ફ સંશોધન બિલ પર બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) શુક્રવારે (27 સપ્ટેમ્બર) ગુજરાત પહોંચી હતી, જ્યાં સરકાર અને હિતધારકો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને JPC સભ્ય અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, ગૃહ રાજ્યમંત્રીએ આ વિષયમાં કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે.
મીડિયા અહેવાલોનું માનીએ તો ચર્ચા સુરત SMC બિલ્ડિંગના મુદ્દે ઉગ્ર બની હતી. ઓવૈસીએ આ મુદ્દો ઉઠાવતાં હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. જેના કારણે ચર્ચા ઉગ્ર બની હતી.
દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં ધારાસભ્ય અને વક્ફ બોર્ડ સભ્ય ઇમરાન ખેડાવાલાને ટાંકીને જણાવ્યું છે કે, બેઠકમાં અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મહાનગરપાલિકા કચેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે વક્ફની જમીન પર છે અને એમ પણ કહ્યું હતું કે, વક્ફમાં જે જમીન નોંધાઈ છે, તેના પુરાવા પણ છે. જ્યારે આ વિવાદ પર વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
બેઠકમાંથી બહાર આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે JPCને અમુક સૂચનો આપ્યાં છે. JPCના નિયમો અનુસાર આ સૂચનોની વિગતો સાર્વજનિક કરી શકાતી નથી. આગળ તેમણે ઓવૈસી સાથે થયેલી ચર્ચાને લઈને કહ્યું હતું કે, JPCની વાતો બહાર ન થઈ શકે, રાજ્યના નાગરિકોના હિતમાં જે વિષયો હતા તે અમે રજૂ કર્યા છે અને જવાબદારી નિભાવી છે.
આ અંગે અસદુદ્દીન ઓવૈસી તરફથી પણ કોઈ નિવેદન આપવામાં આવ્યું હોવાનું આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધી ધ્યાનમાં આવ્યું નથી.
શું છે સુરત મહાનગરપાલિકા કચેરીનો વિવાદ?
વાસ્તવમાં નવેમ્બર, 2021માં એક મુસ્લિમ વ્યક્તિની અરજીના આધારે વક્ફ બોર્ડે સુરત મહાનગરપાલિકાની કચેરીને પોતાની સંપત્તિ ઘોષિત કરી દીધી હતી. ક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં આંશિક રીતે અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધવામાં આવી હતી. આ સાથે જ હુકમમાં બિલ્ડીંગનો વહીવટ SMCને આધીન રાખવાને બદલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને વહીવટ કરવા હક આપવામાં આવ્યો હતો.
આ મામલો પછીથી સુરત કોર્પોરેશને વક્ફ ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. જેને લઈને ગત એપ્રિલ, 2024માં ચુકાદો આપવામાં આવ્યો અને વક્ફ બોર્ડના આદેશને ફગાવી દેવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે સ્પષ્ટ જણાવ્યું કે, બોર્ડ દ્વારા મિલકતની નોંધણી ‘હુમાયુ સરાય વક્ફ મિલકત’ તરીકે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર છે. આ મિલકત નિર્માણ બાદથી જ ‘મુઘલ સરાય’ તરીકે ઓળખાય છે અને ‘હુમાયુ સરાય’ નામની કોઈ ઈમારત સુરત શહેરના વોર્ડ નંબર 11માં નથી તેમજ સિટી સર્વે નંબર 1504ની મિલકત ભૂતકાળમાં પણ ક્યારેય ‘હુમાયુ સરાય’ નામથી ઓળખાતી ન હતી.
સુનાવણીને અંતે તમામ તથ્યો અને માહિતીને ધ્યાને લઈને ટ્રિબ્યુનલે ઠેરવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 25 નવેમ્બર, 2021નો સુરત શહેરના વૉર્ડ નંબર, 11ની સિટી સરવે નંબર, 1504ની મિલકતને ‘હુમાયુ સરાય’ વક્ફ મિલકત તરીકે નોંધણી કરવાનો હુકમ ગેરકાયદેસર, કાયદાના પ્રથાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ, ભૂલ ભરેલો અને મનસ્વી હતો અને ન્યાયનાં હિતમાં તેને રદબાતલ ઠેરવવામાં આવે છે.
આ મામલે વધુ વિગતો અહીંથી વાંચી શકાશે.