હરિયાણાના નૂંહમાં સોમવારે (31 જુલાઈ, 2023) વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત હિંદુઓની એક ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો. આરોપ મુસ્લિમ સમુદાય પર લાગ્યો છે. યાત્રામાં અચાનક પથ્થરો વરસવા માંડ્યા અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. આખરે પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
નૂહમાં સોમવારે વિશ્વ હિંદુ પરિષદ અને દુર્ગા વાહિનીએ સંયુક્ત રીતે બ્રિજમંડળ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ખડકવામાં આવ્યો હતો. મંદિરથી નીકળીને આ યાત્રા જેવી ફિરોઝપુર તરફ આગળ વધી કે ઘર્ષણ થઇ ગયું. થોડીવાર બાદ હુમલો કરનારાઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
#WATCH | Clashes erupt between two groups in Haryana's Nuh
— ANI (@ANI) July 31, 2023
Further details awaited pic.twitter.com/huZVBzjK4d
સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા પરંતુ ટોળું બેકાબૂ બની ચૂક્યું હતું. હિંસાના કારણે નૂહ બજાર પણ બંધ કરી દેવામાં આવ્યું અને વિસ્તારમાં તણાવ પ્રસરી ગયો. રિપોર્ટ્સમાં જણાવાય રહ્યું છે કે આ હિંસામાં અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો અમુક ગાડીઓને આગ લગાડી દેવામાં આવી. ઉપરાંત મંદિરોમાં પણ તોડફોડની ચર્ચા છે.
ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, જેમાં વાહનો સળગતાં જોઈ શકાય છે. ઉપરાંત શહેરના અમુક ભાગમાંથી કાળો ધુમાડો ઉડતો પણ જોવા મળે છે. વીડિયોમાં ઘટનાસ્થળે સેંકડો લોકોનાં ટોળાં પણ જોઈ શકાય છે.
નૂંહમાં પથ્થરમારો અને હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી વધારાની ફોર્સ બોલાવી લેવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ જિલ્લામાં CrPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે તેમજ ઇન્ટરનેટ સેવા અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી છે.
હરિયાણાના શિવસેના (એકનાથ શિંદે જૂથ) નેતા રિતુરાજ અગ્રવાલે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, હુમલો કરનારાઓએ લગભગ 4500 જેટલા હિંદુઓને ઘેરી લીધા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ઘટનાને લઈને તેમણે આગળ જણાવ્યું કે, એક પોલીસ મથકને પણ સળગાવી દેવામાં આવ્યું છે અને લગભગ 1 ડઝન વાહનોને આગ લગાડી દેવામાં આવી છે. વીસેક પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી હોવાનું તેમણે વાતચીતમાં જણાવ્યું હતું.
હાલ વિસ્તારમાં શાંતિ છે તેમજ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.