ગત સપ્તાહે અમેરિકાના ન્યૂયોર્કમાં લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતારે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં સલમાન રશ્દીને ઇસ્લામ અને તેની પરંપરાઓ ઉપર હુમલો કરાવનારા ગણાવ્યા હતા. ઉપરાંત, તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન ઈરાનના પૂર્વ નેતા અયોતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીની પ્રશંસા કરી હતી અને તેમને ‘મહાન વ્યક્તિ’ ગણાવ્યા હતા.
આ ઇન્ટરવ્યૂ 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયો હતો. ઇન્ટરવ્યૂમાં મતારે વાતચીત કરતાં કહ્યું હતું કે તેણે ક્યારેય લેખક સલમાન રશ્દીને સારા વ્યક્તિ માન્યા નથી. તેણે કહ્યું, “તેમણે ઇસ્લામ પર હુમલો કર્યો છે, તેમની માન્યતાઓ પર હુમલો કર્યો છે.” તેમની ઉપર ચપ્પુથી હુમલો કર્યાનું સ્વીકારીને તેણે કહ્યું કે, રશ્દી જીવિત છે તે જાણીને મને આશ્ચર્ય થાય છે. તેણે કહ્યું, “મને જ્યારે જાણવા મળ્યું કે તેઓ બચી ગયા છે ત્યારે મને આશ્ચર્ય થયું હતું.”
ઈરાનના પૂર્વ નેતા અયોતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીની પ્રશંસા કરતાં હાદી મતાર કહે છે કે, “હું તેમનો આદર કરું છું. મને લાગે છે કે તેઓ એક મહાન વ્યક્તિ છે. હું સલમાન રશ્દીને પસંદ કરતો નથી. તેમણે ઇસ્લામ અને તેની માન્યતાઓ, પ્રણાલીઓ પર હુમલો કર્યો છે.” તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે અગાઉ રશ્દીના કેટલાક વિડીયો જોયા હતા. તેણે કહ્યું, “મેં ઘણા લેક્ચર્સ જોયા હતા. મને આવા કપટી માણસો પસંદ નથી.”
મતારે રશ્દીના પુસ્તક ‘ધ સેટેનિક વર્સીઝ’નો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે લેખકે ઇસ્લામનું અપમાન કર્યું છે. તેણે જણાવ્યું કે તેણે પુસ્તક આખું વાંચ્યું નથી પરંતુ થોડાંક પાનાં વાંચ્યાં હતાં.
હુમલાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે, 13 ઓગસ્ટના રોજ તે બસ મારફતે ન્યૂયોર્ક પહોંચ્યો હતો અને કાર્યક્રમના સ્થળે જવા માટે ટેક્સી લીધી હતી. તેણે કહ્યું, “હું ઘણા સમય સુધી આસપર્સ ફરતો રહ્યો. કશું કર્યા વગર માત્ર ફર્યા કર્યું હતું.”
રિપોર્ટ્સ અનુસાર, સલમાન રશ્દી પર હુમલો કર્યા બાદ ધરપકડ થયા બાદથી જ મતારને જેલમાં રાખવામાં આવ્યો છે. જોકે, તેણે જેલમાં આપવામાં આવતા ભોજન અંગે ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, તેને આપવામાં આવતું મોટાભાગનું ભોજન તેના ધર્મમાં વર્જિત છે.
આ પહેલાં 15 ઓગસ્ટના રોજ ઈરાની મીડિયાએ હુમલાને ‘ઈશ્વરીય પ્રતિકાર’ ગણાવ્યો હતો. રશ્દી તેમની એક આંખ ગુમાવી શકે તે બાબતના મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં ઈરાનના સ્ટેટ એમ્બેસેડર જામ-એ-જામેં કહ્યું હતું કે, “શૈતાનની એક આંખ આંધળી થઇ ગઈ છે. ઉપરાંત, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાની તહેરાને હુમલા માટે રશ્દીને જવાબદાર ઠેરવીને કહ્યું હતું કે, તેઓ આ હુમલામાં સલમાન રશ્દી અને તેમના સમર્થકો સિવાય કોઈને પણ દોષ આપવામાં માનતા નથી. તેમણે કહ્યું કે, “ઇસ્લામની પવિત્ર બાબતોનું અપમાન કરીને અને દોઢ અબજથી વધુ મુસ્લિમોની રેડ લાઈન ઓળંગીને સલમાન રશ્દીએ લોકો સમક્ષ પોતાને ઉજાગર કરી દીધા હતા.”
નોંધવું જોઈએ કે વર્ષ 1989માં ઈરાનના ખુમૈનીએ રશ્દીની હત્યા માટે ફતવો જારી કર્યો હતો. જે બાદ ભારતીય મૂળના લેખકની હત્યા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે બાદ ગત શુક્રવારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં તેની ઉપર હાદી મતાર નામના એક 24 વર્ષીય ઈસમે તેમની ઉપર હુમલો કરી દીધો હતો.