બુધવારે (24 જાન્યુઆરી, 2024) જ્ઞાનવાપી કેસમાં વારાણસીની કોર્ટે વિવાદિત ઢાંચાના પરિસરમાં થયેલા ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવા માટે આદેશ આપ્યો છે. કોર્ટના આદેશાનુસાર કેસની તમામ પાર્ટીને આ રિપોર્ટની હાર્ડ કૉપી આપવામાં આવશે.
રિપોર્ટ મેળવવા માટે જે-તે પાર્ટીએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવાનું રહેશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને નિર્ણય બાદ મીડિયાને જણાવ્યું કે, કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા છે અને સહમતિ બની છે કે રિપોર્ટની પ્રમાણિત નકલ બંને પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવે. જેવો કોર્ટનો ચુકાદો પસાર થઈ જાય કે અમારી લીગલ ટીમ આ નકલ મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરી દેશે.
#WATCH | Gyanvapi case | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side, says, "The court listened to both sides today. After hearing both sides, an agreement was reached that a certified copy of ASI's report be made available to both sides. As soon as the court passes… pic.twitter.com/q5E1hWL2oS
— ANI (@ANI) January 24, 2024
જ્ઞાનવાપી પરિસરના ASI સરવેનો આ રિપોર્ટ ગત 18 ડિસેમ્બરના રોજ વારાણસી કોર્ટને એક સીલબંધ કવરમાં સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને આ રિપોર્ટને સાર્વજનિક કરવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી. જેને લઈને સુનાવણી કર્યા બાદ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. બંને પક્ષોને હાર્ડ કૉપી જ આપવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટ સાર્વજનિક થશે.
આ ASI રિપોર્ટ વર્તમાન કેસ અને કાયદાકીય પ્રક્રિયામાં બહુ મોટો ભાગ ભજવશે, કારણ કે તેનાથી સ્પષ્ટ થઈ જશે કે જ્યાં હાલ એક મસ્જિદ ઊભી છે ત્યાં પહેલાં ખરેખર મંદિર હતું કે નહીં.
ઉલ્લેખનીય છે કે મે, 2022માં જ્ઞાનવાપી પરિસરના સરવે અને વિડીયોગ્રાફી દરમિયાન મસ્જિદના વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી પરિસરના ASI સરવેની માંગ કરવામાં આવી હતી. વારાણસી કોર્ટે તેની પરવાનગી આપ્યા બાદ અલાહાબાદ હાઈકોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી. પછીથી મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ પહોંચી હતી, પરંતુ કોર્ટે ASI સરવે પર રોક લગાવવાની માંગ ફગાવી દીધી હતી.
ઓગસ્ટ મહિનામાં સરવે શરૂ થયા બાદ ડિસેમ્બરમાં તેનો રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. આ વૈજ્ઞાનિક સરવે એ નક્કી કરવા માટે થયો છે કે 17મી સદીમાં બંધાયેલી આ મસ્જિદની નીચે પહેલાં મંદિર હતું કે કેમ. કોર્ટની પરવાનગી બાદ ASIની ટીમે સમગ્ર પરિસરનો વ્યવસ્થિત સરવે હાથ ધર્યો હતો. હવે આ પરીક્ષણ દરમિયાન શું સામે આવ્યું હતું તે જાણી શકાશે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે ગત 16 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ‘વજૂખાના’ વિસ્તારમાં જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું ત્યાં સાફસફાઈ કરવા માટેની માંગ કરતી અરજી સ્વીકારી લીધી હતી અને વારાણસીના DMના નિરીક્ષણ હેઠળ વિસ્તારની સાફસફાઈ કરવા માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે વજૂખાનાનો આ વિસ્તાર સુપ્રીમ કોર્ટે સીલ કરી દીધો છે.