નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘મહારાજ’ વિરુદ્ધ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે બુધવારે (19 જૂન) પણ સુનાવણી હાથ ધરી હતી. લગભગ 2 કલાક ચાલેલી આ સુનાવણી દરમિયાન બંને પક્ષો એ બાબત પર સહમત થયા કે કોર્ટ ફિલ્મ જુએ અને ત્યારબાદ નક્કી કરે. બંને પક્ષોની સહમતિ બાદ કોર્ટે પણ આ બાબત માન્ય રાખી છે અને મામલાની આગામી સુનાવણી ગુરુવારે (20 જૂન) મુકરર કરી છે.
કોર્ટમાં ફરિયાદી પક્ષે વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ‘આ કોઇ વ્યવસાયિક લડાઇ નથી. અમે એવું નથી ઈચ્છતા કે ફિલ્મ રિલીઝ જ ન થવી જોઈએ. અમને માત્ર એ વાત સાથે જ નિસબત છે કે ધર્મ કે સંપ્રદાયનું કોઇ અપમાન ન થાય. કોર્ટ આ માટે ફિલ્મ જોઈ શકે છે અને નક્કી કરી શકે છે કે તેમાં ધર્મને લગતું કશુંક અપમાનજનક છે કે કેમ.
Gujarat High Court has temporarily halted the release of Junaid Khan's debut film "Maharaj," following a hearing today. The court will determine whether to impose a complete ban on the film's release or permit its screening after viewing it. Yash Raj Films has committed to… pic.twitter.com/3g88yVJ0wU
— IANS (@ians_india) June 19, 2024
બીજી તરફ, યશરાજ ફિલ્મ્સ તરફથી કોર્ટમાં હાજર વકીલ શાલીન મહેતાએ કોર્ટને આશ્વાસન આપતાં કહ્યું હતું કે ફરિયાદીની દલીલ છે કે ફિલ્મ જે 1862ના મહારાજ લાયબલ કેસ પર આધારિત છે, તે કેસના ચુકાદામાં હિંદુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને લઈને અમુક અપમાનજનક બાબતો કહેવામાં આવી છે, પરંતુ ફિલ્મમાં ક્યાંય પણ આ ચુકાદાની એક લીટી પણ ઉપયોગમાં લેવામાં આવી નથી અને માત્ર 20 મિનીટ માટે ટ્રાયલ બતાવવામાં આવી છે.
યશરાજ ફિલ્મ્સ તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે જો કોર્ટ આદેશ કરે તો તેઓ ફિલ્મની લિંક અને પાસવર્ડ આપવા માટે તૈયાર છે, જેથી કોર્ટ ફિલ્મ જોઈ શકે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ જ ક્ષણે લિંક આપી શકે છે. આ બાબત પર પછીથી કોર્ટે ફરિયાદી પક્ષ અને અન્ય પક્ષકાર નેટફ્લિક્સને પણ પૂછ્યું હતું, જેમણે અંદરોઅંદરની ચર્ચા બાદ સહમતિ દર્શાવી હતી. બીજી તરફ, કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે પણ કોર્ટને ફિલ્મ જોવા માટેની ભલામણ કરી હતી.
કોર્ટે ફિલ્મ જોવાનું નક્કી કરીને આગામી સુનાવણી ગુરુવારે (20 જૂન) નક્કી કરી છે. ત્યાં સુધી ફિલ્મ પર લગાવવામાં આવેલો સ્ટે યથાવત રહેશે.
શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ‘મહારાજ’ વર્ષ 2013માં પ્રકાશિત થયેલી જાણીતા ગુજરાતી પત્રકાર-લેખક સૌરભ શાહની આ જ નામ ધરાવતી દસ્તાવેજી અને હકીકત આધારિત નવલકથા પર આધારિત છે. યશરાજ ફિલ્મ્સે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે અને તે ગત 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 13 જૂનના રોજ હંગામી ધોરણે સ્ટે મૂકી દીધો હતો.
બીજી તરફ, 18 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નેટફ્લિક્સ તરફથી મુકુલ રોહતગી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દલીલો કરતાં કહ્યું હતું કે, ફિલ્મ અને પુસ્તક બંને સત્ય ઘટનાઓ પર આધારિત છે અને ઇતિહાસ આપણને ગમે કે ન ગમે પણ તે સ્વીકારવો રહ્યો. સાથે એમ પણ કહ્યું હતું કે, પુસ્તક 2013થી બજારમાં ઉપલબ્ધ છે અને અરજદારો પણ તે વિશે જાણતા હોવા જોઈએ. તેમ છતાં આજ સુધી કશું જ એવું બન્યું નથી, જેની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સાથે તેમણે અરજદારો છેલ્લી ઘડીએ સરકાર અને કોર્ટ પાસે કેમ ગયા તે બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ફિલ્મની જાહેરાત ગત 29 મેના રોજ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં અરજી આવી 13 જૂનના રોજ. તે પહેલાં 1 દિવસ પહેલાં તેમણે મંત્રાલયમાં અરજી કરી હતી અને માત્ર 24 કલાકની અંદર મંત્રાલયે કોઈ પગલાં ન લીધાં હોવાનું કહીને કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ 24 કલાક એ કોઈ પણ કાર્યવાહી માટે ટૂંકો સમય કહેવાય.
બીજી તરફ, યશરાજ ફિલ્મ્સ તરફથી વકીલ શાલીન મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે અરજદારોને 1862ના લાયબલ કેસના ચુકાદા સામે વાંધો છે, પણ ફિલ્મમાં ચુકાદો છે જ નહીં અને માત્ર ટ્રાયલ દર્શાવવામાં આવી છે. ચુકાદા તરીકે વોઇસ ઓવરમાં માત્ર એક જ લીટી કહેવામાં આવી છે. જેથી ચુકાદાનો પ્રશ્ન જ સર્જાતો નથી. ચુકાદાનો એક પણ શબ્દ વાંચવામાં આવ્યો નથી. તેમણે બુધવારે પણ જણાવ્યું હતું કે કોર્ટે ફિલ્મ જોવી હોય તો તેઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવશે.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે વકીલ મિહિર જોશીએ કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર એક પત્રકાર અને એક મહારાજ વચ્ચેની લડાઈ દર્શાવવામાં આવી છે અને સમગ્ર સંપ્રદાયનું ક્યાંય અપમાન કરવામાં આવ્યું નથી. પરંતુ ચુકાદામાં ઘણી બાબતો સંપ્રદાય વિશે પણ કહેવામાં આવી છે. આ તબક્કે પ્રોડ્યુસરો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આવું કશું જ નથી અને કોર્ટ ફિલ્મ જોઈ શકે છે. અમે મત ધરાવીએ છીએ કે કોર્ટે ફિલ્મ જોઈને નક્કી કરવું જોઈએ કે કોઈ ભાગમાં સંપ્રદાયનું અપમાન થયું છે કેમ.