સુરતના એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા સામે દાખલ કરવામાં આવેલી એક FIR રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. ફેબ્રુઆરી, 2024માં સુરતમાં જાહેરમાં પોલીસ સાથે માથાકૂટ થયા બાદ મેહુલ બોઘરા સામે એક FIR થઈ હતી, જેને રદ કરવા માટે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે તાજેતરમાં આ મામલે સુનાવણી કરતાં કોઇ રાહત આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તેઓ ટ્રાયલનો સામનો કરે. બીજી તરફ, કડક શબ્દોમાં મેહુલ બોઘરાની ઝાટકણી કાઢતાં કોર્ટે કહ્યું કે દર વખતે આવા કિસ્સા તેમની સાથે જ કેમ બને છે? શું તેઓ પબ્લિસિટી મેળવવા માટે આ બધું કરી રહ્યા છે કેમ?
આ મામલો ગત ફેબ્રુઆરી, 2024નો છે. ‘એક્ટિવિસ્ટ’ અને વકીલ મેહુલ બોઘરા સામે એક પોલીસકર્મીની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરત ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક ગાડીને કાળી ફિલ્મ લાગેલી જોવા મળતાં તેમજ નંબર પ્લેટ પણ ન હોતાં તેને અટકાવવામાં આવી હતી. તેઓ ગાડી ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક મેહુલ બોઘરાએ ત્યાં આવી પહોંચીને મોબાઈલમાં શૂટિંગ ચાલુ કરી દીધું હતું અને પોલીસ સાથે ફાવે તેમ વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ ટોળું એકઠું થઈ જતાં તેને પણ ઉશ્કેર્યું હતું અને સમાધાન કરવા આવનાર વ્યક્તિને ટોળામાંથી કોઈએ પથ્થર પણ માર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, આરોપી અવારનવાર પોલીસ વિભાગને ટાર્ગેટ કરતો રહે છે.
ફરિયાદના આધારે મેહુલ સામે પુના પોલીસ મથકે IPC કલમ 143, 147, 149, 323, 186, 332, 500 અને 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ, મેહુલ બોઘરાએ પણ સામી ફરિયાદ નોંધાવીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા. હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં તેમણે જણાવ્યું કે, તેમણે પોલીસનું સ્ટીકર લગાવેલ, કાળી ફિલ્મ લાગેલી અને નંબર પ્લેટ વગરની ગાડી રોકી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ બેઠા હતા અને તેમની પાસે લાકડી પણ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મારામારી થતાં આ ગુનો નોંધાયો છે. એવી પણ દલીલ આપી કે તેમણે 100 નંબર પર અને ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કર્યો હતો, પરંતુ કશું થયું નહીં અને હાજર પોલીસકર્મીઓએ પણ પગલાં ન લીધાં. પોલીસને ટાર્ગેટ કરવાના આરોપ તેમણે નકાર્યા હતા અને FIR રદ કરવાની માંગ કરી હતી.
‘દર વખતે તમારી સાથે જ કેમ આવી ઘટનાઓ બને છે?’
મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતાં ગત 20 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં જજ નિર્ઝર દેસાઈએ મેહુલ બોઘરાનો ઉધડો લેતાં પૂછ્યું કે, દર વખતે તમારી સાથે જ કેમ આ પ્રકારની ઘટનાઓ બને છે? આ નામ હું લગભગ 15 વખત છાપાંમાં વાંચી ચૂક્યો છું. તમે અટેન્શન સીકર છો કે પછી પબ્લિસિટીના ભૂખ્યા છો? કેમ દર વખતે તમને માત્ર પોલીસ વિભાગને લગતા મુદ્દાઓ જ દેખાય છે? માત્ર અમુક મામલાઓમાં વિભાગ સામે કોઇ આરોપો લાગ્યા હોય તેનો અર્થ એ નથી કે ત્યારપછી કોઇ પણ મુદ્દામાં આરોપો કે અરજદાર વિશે જાણ્યા વગર, કોઇ બાબતો ધ્યાને લીધા વગર કોર્ટ સીધી કાર્યવાહી રોકવાના આદેશ આપી દે.”
કોર્ટે આગળ કહ્યું કે, “માત્ર તમે એક એડવોકેટ કે સામાજિક કાર્યકર હોય તેનાથી શું એવું માનો છો કે જે ઇચ્છો તે કરવાનું લાયસન્સ મળી જશે? ટ્રાયલનો સામનો કરો. કોર્ટ શા માટે છે? પોલીસ સાથે દલીલો કરવાના સ્થાને તમે કોર્ટમાં જઈ શક્યા હોત.” કોર્ટે કહ્યું કે, બોઘરાની તમામ દલીલો તપાસનો અને પુરાવાનો વિષય છે. આ તબક્કે કોર્ટ કાર્યવાહી રોકશે નહીં. જજે કહ્યું કે, “આ બંને FIR વાંચ્યા બાદ મને લાગે છે કે ગુનો બને છે અને કોર્ટ FIR રદ કરવું યોગ્ય માનતી નથી.
પોલીસને રક્ષણ નહીં હોય તો વકીલોને પણ નહીં મળે: કોર્ટ
કોર્ટે કહ્યું કે, “જો પોલીસ વિભાગને કાયદાકીય રક્ષણ ન મળતું હોય તો વકીલોને પણ નહીં મળે. ટ્રાયલનો સામનો કરવામાં આવે.” જેના જવાબમાં મેહુલ બોઘરાના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે, કોઈએ તો સમાજમાંથી આ મુદ્દા વિશે બોલવું પડશે. પરંતુ કોર્ટે પ્રત્યુત્તરમાં કહ્યું કે, કરવું જોઈએ, પણ આ રીતે નહીં. ત્યારબાદ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો. મેહુલ બોઘરાના વકીલે અરજી પરત ખેંચી લીધી છે.