Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમે જાણવા માંગીએ છીએ કે સરકારે શું પગલાં લીધાં છે’: મોરબી દુર્ઘટનાને...

    ‘અમે જાણવા માંગીએ છીએ કે સરકારે શું પગલાં લીધાં છે’: મોરબી દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું, સરકારને નોટિસ પાઠવી

    મોરબી નગરપાલિકા, ગૃહ વિભાગ, શહેરી વિકાસ મંત્રાલય, મુખ્ય સચિવ અને રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને પણ પક્ષકાર બનાવ્યા.

    - Advertisement -

    મોરબી દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે સંજ્ઞાન લીધું છે. કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે, તેમજ સુનાવણીની તારીખ 14 નવેમ્બરના રોજ મુકરર કરી છે. કોર્ટે સરકાર સિવાય મોરબી નગરપાલિકા, ગૃહ વિભાગ, શહેરી વિકાસ મંત્રાલય, મુખ્ય સચિવ અને રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને પણ પક્ષકાર બનાવ્યા છે. 

    ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે નોંધ્યું છે કે, મોરબીની દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી અને જેમાં સેંકડો નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એડવોકેટ જનરલને ઉદ્દેશીને કોર્ટે કહ્યું, ‘આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જેથી અમે આ મામલે સ્વયં સંજ્ઞાન લીધું છે. અમે જાણવા માંગીએ છીએ કે તમે (સરકારે) અત્યાર સુધી આ મામલે શું પગલાં લીધાં છે.’

    મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે સરકાર, મુખ્ય સચિવ, મોરબી નગરપાલિકા, રાજ્ય શહેરી વિકાસ વિભાગ, રાજ્યનો ગૃહ વિભાગ અને રાજ્ય માનવાધિકાર પંચને પણ પક્ષકાર બનાવી સરકાર પાસેથી આગામી 10 દિવસમાં આ મામલે લેવામાં આવેલ પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે અને આગલી સુનાવણીની તારીખ 14 નવેમ્બર નક્કી કરી છે. જ્યારે માનવ અધિકાર પંચ પોતાની રીતે એક અલગ રિપોર્ટ રજૂ કરશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલો ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. પુલના વચ્ચેથી બે કટકા થઇ જતાં પુલ પરથી સેંકડો લોકો નીચે પાણીમાં ખાબક્યા હતા. તાત્કાલિક રાહત-બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હોવા છતાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા.

    આ પુલ આમ તો અંગ્રેજ શાસન સમયમાં નિર્માણ પામ્યો હતો, પરંતુ છ મહિના પહેલાં જ ખાનગી કંપની ઓરેવાને તેના પુનર્નિર્માણનું કામ સોંપવામાં આવ્યું હતું. કંપનીએ ગત બેસતા વર્ષના દિવસે જ પુલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ 30 ઓક્ટોબરના રોજ રવિવાર અને તહેવારોની રજાના કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર એકઠા થયા હતા. 

    જોકે, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, પાલિકાને જાણ કર્યા વગર જ પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. તપાસ બાદ તેમને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી તરફ, રેસ્ક્યુ ઓપરેશન પણ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. 

    પોલીસે આ મામલે FIR દાખલ કરીને 9 લોકોની ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 4ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 5 લોકોને જેલમાં મોકલી દેવાયા હતા. આ ઉપરાંત, રાજ્ય સરકારે પણ તપાસ માટે એક સમિતિ નીમી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં