Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી દુર્ઘટના બાદ તપાસ-કાર્યવાહીનો ધમધમાટ શરૂ, નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ

    મોરબી દુર્ઘટના બાદ તપાસ-કાર્યવાહીનો ધમધમાટ શરૂ, નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ

    રાહત કમિશનરે સર્ચ ઓપરેશન પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરી, હજુ પણ NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

    - Advertisement -

    મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જવાબદારો સામે પગલાં લેતાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ આદેશ કર્યો હતો. બીજી તરફ, મોરબી દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યું છે. 

    મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની નિમણૂંક 4 માર્ચના રોજ થઇ હતી. ત્યારબાદ 7 માર્ચે ઓરેવા કંપની સાથે કરાર થયો હતો. જોકે, દુર્ઘટના બાદ તેમણે ઓરેવા પર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, કંપનીએ જાણ કર્યા વગર જ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કંપનીએ કયા પ્રકારનું રિનોવેશન કર્યું, કયું મટીરીયલ વાપર્યું હતું, તેની કોઈ જાણ કરવામાં આવી ન હતી. 

    તેમણે જણાવ્યું હતું કે ઓરેવા કંપનીએ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા અને તેનું સમારકામ કરી મેન્ટેનન્સ કરવા માટેની તૈયારી દર્શાવી હતી. જેના અનુસંધાને મિટિંગ પણ થઇ હતી. ત્યારબાદ દર નક્કી કરીને 7 માર્ચના રોજ કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી 15 વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ અને તમામ આનુસંગિક ખર્ચ અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    પુલ તૂટી પડ્યાની દુર્ઘટના બાદ પોલીસે મોરબી સ્થિત ઓરેવા કંપનીની ઓફિસે દરોડા પાડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમ્યાન, પોલીસે પુલના કામ માટેના કરાર સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત, પુલનું સમારકામ કરનારી ધ્રાંગધ્રાની દેવપ્રકાશ કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, આ અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 

    પાંચ દિવસે સર્ચ ઓપરેશન પૂર્ણ, સત્તાવાર જાહેરાત કરાઈ 

    મોરબીની દુર્ઘટના બાદ પાંચ દિવસથી NDRF, SDRF, સેના, વાયુસેના, ફાયરબ્રિગેડ સહિતનાં અનેક દળોની ટીમો રાહત-બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશનમાં લાગી હતી. ત્યારબાદ ગઈકાલે મોરબી કલેક્ટર કચેરી ખાતે રાહત કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં હજુ પણ લોકલ ફાયરબ્રિગેડ, SDRF અને NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ સ્થાનિક તંત્ર તરફથી જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં