બુધવાર 21 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કાર્યવાહી દરમિયાન ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માટેની માંગ કરતી જાહેર હિતની અરજી (Public Interest Litigation) ફગાવી દીધી હતી. અરજદારે હાઇકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષા ગુજરાતીમાં કરવા માટે PIL કરી હતી. પરંતુ કોર્ટે સ્વીકારી નહીં અને અરજી ફગાવી દેવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ પ્રકારની અરજીઓ પહેલાં પણ કોર્ટમાં થઈ ચૂકી છે.
વિજય સોલંકી નામના વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અરજદારની એવી દલીલ હતી કે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતી ભાષામાં કરવી એ મૂળભૂત અધિકારો અંતર્ગત આવે છે. તેથી ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ ગુજરાતી ભાષામાં કરવી જોઈએ. નોંધનીય છે કે હાલ ગુજરાત હાઈકોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજી ભાષામાં ચાલે છે.
આ મામલે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કહ્યું હતું કે, “આ મૂળભૂત અધિકારનો મામલો નથી. કોઈપણ ભાષા બોલવી અને તેનું સંરક્ષણ કરવું તે મૂળભૂત અધિકાર છે, પરંતુ કોઈ સંસ્થામાં કઈ ભાષાનો પ્રયોગ કરવો એ મૂળભૂત અધિકાર અંતર્ગત આવતું નથી.” તેમણે એમ પણ કહ્યું હતું કે આ મામલે અગાઉ એક જાહેર હિતની અરજી થઈ ચૂકી છે, જે હાઈકોર્ટે ફગાવી હતી. તેથી અરજદાર ફરીથી એ જ મુદ્દે PIL કરી શકે નહીં. આમ કહી હાઈકોર્ટે આ PIL ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ મામલે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પણ માન્ય રાખી ચૂકી છે.
કોર્ટે કહ્યું કે, આ મામલે એક રિટ પિટિશન પહેલેથી જ ફગાવવામાં આવી ચૂકી છે અને હવે કોર્ટ ફરીથી તેવી જ માંગ કરતી અરજી સાંભળી શકે નહીં, જેથી અરજી ફગાવવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ, તમામ હાઇકોર્ટમાં ચાલે છે અંગ્રેજી: જાણો શું કહે છે બંધારણ
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2023માં આ મામલે પ્રશ્ન પૂછવામાં આવતાં તત્કાલીન કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજીજૂએ સંસદમાં જવાબ રજૂ કર્યો હતો. આ માલે પછીથી કાયદા અને ન્યાય મંત્રાલયએ આ મામલે એક પ્રેસનોટ પણ બહાર પાડી હતી. જેમાં બંધારણની કલમ 348(1)(a)નો હવાલો આપીને જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને તમામ રાજ્યોની હાઇકોર્ટની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં હશે. જોકે, બંધારણમાં હિન્દી કે પછી રાજ્યમાં અધિકારિક રીતે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાના હાઇકોર્ટમાં ઉપયોગ માટે માર્ગ ખુલ્લો રાખ્યો છે, પરંતુ તે માટે પહેલાં રાજ્યપાલે રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.
પ્રેસ રીલિઝમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, 1965માં કેબિનેટ કમિટીના એક નિર્ણય અનુસાર ભારતની કોઇ પણ હાઈકોર્ટમાં અંગ્રેજી સિવાયની કોઇ ભાષાના ઉપયોગ પર નિર્ણય કરતાં પહેલાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની સલાહ લેવી આવશ્યક છે. 1950માં બંધારણના નિયમ અનુસાર રાજસ્થાન હાઈકોર્ટમાં હિન્દીની પરવાનગી આપવામાં આવી હતી. પછીથી 1965ના કેબિનેટ કમિટીના નિર્ણય બાદ CJI સાથે પરામર્શ કરીને UP (1969), MP (1971) અને બિહારમાં (1972) પણ હિન્દીની મંજૂરી અપાઈ હતી.
સરકાર અનુસાર, તમિલનાડુ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક વગેરે રાજ્યો તરફથી પણ સરકારને પોતાના રાજ્યની હાઈકોર્ટમાં અનુક્રમે તમિલ, ગુજરાતી, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષાના ઉપયોગની પરવાનગી આપવા માટે પ્રસ્તાવ આવ્યા હતા. જેની ઉપર ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ કોઇ પણ રાજ્યનો પ્રસ્તાવ ન સ્વીકારીને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, નોંધવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે એવી વ્યવસ્થા કરી છે કે કોર્ટના ચુકાદાનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરી શકાય. પરંતુ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલે છે.