વડોદરામાં પૂરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયા બાદ રાજ્ય સરકારે નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યના પુનર્વસન માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતે X પર પોસ્ટ કરીને માહિતી આપી.
તેમણે કહ્યું કે, વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે. તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઉભી છે. અસરગ્રસ્તોને પુન:વસનમાં મદદ થાય તેમજ વેપાર-ધંધા ઝડપથી પુન:કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
CM પટેલે આપેલ જાણકારી અનુસાર, લારી/રેકડી ધારકને ₹5 હજારની રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક ₹20,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક ₹40,000ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક ₹85,000 રોકડ સહાય આપવામાં આવશે.
વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 12, 2024
તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઉભી છે. અસરગ્રસ્તોને પુન:વસનમાં મદદ થાય તેમજ વેપાર-ધંધા ઝડપથી…
આ સિવાય, માસિક ટર્નઓવર ₹5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને ₹20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે ₹5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
આ બાબતની વધુ જાણકારી આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી ઉદભવેલ પરિસ્થિતિને પુર્વવત કરવા તેમજ સંપૂર્ણ પરિસ્થિતી ઝડપી સુ-વ્યવસ્થિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે આપેલ જાણકારી અનુસાર, આ સહાય મેળવવા તા. 31 ઓક્ટોબર સુધીમાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સરવે કરી રહી છે સરવે બાદ SDRFના નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
CM-મંત્રીઓ-ધારાસભ્યો આપશે એક મહિનાનો પગાર
આ સિવાય રાજ્ય મંત્રીમંડળના તમામ મંત્રીઓ અને ભાજપના તમામ ધારાસભ્યોએ એક મહિનાનો પોતાનો પગાર ચીફ મિનિસ્ટર ફંડમાં આપવા માટેનો નિર્ણય કર્યો છે, જેનો ઉપયોગ વડોદરામાં પૂર અસરગ્રસ્તોના પુનર્વસન માટે કરવામાં આવશે.
આ બાબતની જાણકારી આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તમામ જનપ્રતિનિધિઓ તરફથી CM રિલીફ ફંડમાં જે રકમ આવે તેનો ઉપયોગ વડોદરામાં પૂર અસરગ્રસ્તોના પુનર્વસન અને સહાય માટે કરવામાં આવશે.