ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ઓપિનિયન પોલ અને સરવે થવાના શરૂ થઇ ગયા છે. જોકે, સાથોસાથ ફેક પોલની સંખ્યા પણ વધી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયા ટૂડે’ અને ‘એક્સિસ માય ઇન્ડિયા’ના ફેક સરવેનો સ્ક્રીનશોટ શૅર કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં 94 થી 98 બેઠકો સાથે આમ આદમી પાર્ટી સરકાર બનાવી શકે છે. હવે આજતકે આ ફેક સરવે અંગે સ્પષ્ટતા કરી છે.
હનુમાન સૈન નામના એક યુઝરે ફેસબુક ઉપર આ એડિટેડ સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. જેમાં ‘ઇન્ડિયા ટૂડે’ અને ‘એક્સિસ માય ઇન્ડિયા’ના લોગો સાથેનો ફેક સરવે શૅર કરવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીને 94થી 98, ભાજપને 67થી 71, કોંગ્રેસને 7 થી 11 જ્યારે અન્યને 0થી 2 બેઠકો મળતી બતાવવામાં આવી હતી. સાથે લખવામાં આવ્યું હતું કે, ‘ગુજરાતમાં બની શકે છે ‘આપની સરકાર.’
પ્રથમ દ્રષ્ટિએ જ આ ફોટો એડિટ કર્યો હોય તેમ જણાતું હતું. ત્યારે હવે મીડિયા સંસ્થાન આજતક અને ડેટા કંપની ‘એક્સિસ માય ઇન્ડિયા’એ પણ આ અંગે સ્પષ્ટતા કરી છે. આજતકે આ ફેક સરવે અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે, ઇન્ડિયા ટૂડે ગ્રુપે આ પ્રકારનો કોઈ સરવે કર્યો નથી અને આ પોલ ફર્જી છે.
ये पोल फर्ज़ी है,
— AajTak (@aajtak) October 22, 2022
हमारी 'आप' से अर्ज़ी है,
अफवाहें न तो फैलाऐं
न ही इन्हें फैलने दें!
India Today Group ने अभी ऐसा कोई सर्वे नहीं कराया है!
(@PradeepGuptaAMI/@AxisMyIndia) pic.twitter.com/kQyMparU7R
આજતકના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી આ તસ્વીર શૅર કરીને જણાવવામાં આવ્યું કે, ‘આ પોલ ફર્જી છે. અમારી ‘આપ’ને વિનંતી છે. અફવાઓ ન ફેલાવો, ન ફેલાવો દો.’ સાથે જણાવ્યું કે, ઇન્ડિયા ટૂડે જૂથે આ પ્રકારનો કોઈ પણ સરવે કરાવ્યો નથી.
આ અંગે ‘એક્સિસ માય ઇન્ડિયા’ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીએ અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું કે, ‘એક્સિસ માય ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયા ટૂડે’ જૂથે ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે કોઈ ઓપિનિયન પોલ જાહેર કર્યો નથી. કંપનીઓના નામે ખોટા પોલ શૅર થઇ રહ્યા છે, જે માટે અમે કોઈ પણ રીતે જવાબદાર નથી. સાથે જણાવવામાં આવ્યું છે કે, તેઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશો અનુસાર મતગણતરીના બે-ત્રણ દિવસ પહેલાં એક્ઝિટ પોલ જાહેર કરશે.
Fake News Alert! pic.twitter.com/78NMOMLapi
— Axis My India (@AxisMyIndia) October 22, 2022
ઉલ્લેખનીય છે કે આજતક ઇન્ડિયા ટૂડે જૂથની સંસ્થા છે. જ્યારે ‘એક્સિસ માય ઇન્ડિયા’ ડેટા ઇન્ટેલિજન્સ કંપની છે, જે ઇન્ડિયા ટૂડે ગ્રુપ માટે આ પ્રકારના સરવે અને એક્ઝિટ પોલ કરે છે.
નવસારીના ‘આપ’ નેતાઓએ જાતે જ પોલ બનાવીને જાતે જ મતો આપ્યા હતા
અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, આ પહેલી વખત નથી જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષે માહોલ બનાવવા માટે ખોટા સરવેનો સહારો લીધો હોય. આ પહેલાં નવસારીના આમ આદમી પાર્ટીના નેતાઓએ એક એપના માધ્યમથી પોલ બનાવ્યો હતો અને તેમાં પાર્ટીની ટકાવારી વધારવા માટે પાર્ટીના જ નેતાઓએ એકસાથે સેંકડો મતો નાંખ્યા હતા. ઑપઇન્ડિયાએ આ પોલની પોલ ખોલતો વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો હતો, જે અહીંથી વાંચી શકાશે.