ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પારિવારિક વિવાદમાં ફસાયા બાદ જાહેરાત કરી હતી કે પોતે રાજકારણમાંથી ટૂંકો વિરામ લઇ રહ્યા છે. જોકે, સામી ચૂંટણીએ ભરતસિંહે આ પ્રકારની જાહેરાત કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. જેની વચ્ચે હવે ભરતસિંહ સોલંકી સામાજિક સ્તરે લોકોને મળવા જઈ રહ્યા છે.
3 જૂને રાજકારણમાંથી ટૂંકો વિરામ લીધા બાદ ઘણા દિવસો સુધી નિષ્ક્રિય રહેલા ભરતસિંહ અચાનક 16 જૂને મહેસાણાના ઊંઝા ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉમિયા માતાના દર્શન કરી ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. ઉંઝાના ડાભી ગામે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો સાથે તેમણે ખાટલા પરિષદ યોજી હતી.
જે બાદ ગઈકાલે તેઓ સાબરકાંઠાના ભોલેશ્વર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો સાથે મળીને સામાજિક પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી. ફેસબુક પર આ બેઠકની તસ્વીરો શૅર કરતાં ભરતસિંહે લખ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ભોલેશ્વર ખાતે ઉત્તર ગુજરાત યુવા ક્ષત્રિય -ઠાકોર સમાજના સામાજિક આગેવાનો- યુવાનો સાથે સામાજિક સૌહાર્દ અને સમરસતા ઉદ્દેશ્ય સાથે સૌ આગેવાનો યુવાઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું.
નોંધવાની હકીકત એ છે કે ભરતસિંહની યાત્રા દરમ્યાન તેમના પોસ્ટર્સ પરથી કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ ગાયબ છે. તેમની આ યાત્રા જો વ્યક્તિગત હોય તો પણ આ પોસ્ટર્સ અંગે તેમના તરફથી કોઈજ ખુલાસો કરવામાં આવ્યો નથી.
પ્રેસ કોન્ફરન્સમાં રાજકારણમાંથી વિરામ લેવાની જાહેરાત કરી ત્યારે ભરતસિંહ સોલંકીએ આ સંન્યાસ કેટલા સમય લાંબો ચાલશે તે અંગે ફોડ પાડ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, 2022 અંતમાં ચૂંટણી આવી રહી છે પરંતુ હું વિરામ લઇ રહ્યો છું. જે બે મહિના, ત્રણ મહિના કે કદાચ છ મહિના લાંબો પણ ચાલે.” બીજી તરફ, ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે તે પહેલાં જ ભરતસિંહે રાજકારણ માંડી વાળતા કોંગ્રેસ પણ વિચારમાં પડી હતી.
ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી વિરામ લેવાની વાત કરી છે, પરંતુ તેઓ સામાજિક રીતે સક્રિય જણાઈ રહ્યા છે. ક્યાંક તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હોવાનું પણ કહેવાય છે. આ મહિને વિવાદ થયો તે પહેલાં તેઓ દિલ્હી પણ ગયા હતા પરંતુ ગાંધી પરિવારે તેમને મળવા માટેનો સમય આપ્યો ન હતો. રાજ્યસભા ચૂંટણી દરમિયાન પણ તેમની નારાજગી સામે આવી હતી.
ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય રહ્યા છે અને ધારાસભ્ય, સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ તેમણે લાંબા સમય સુધી જવાબદારી સંભાળી હતી. પરંતુ રાજ્યસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલને પાર્ટીએ ટિકિટ આપ્યા પછીથી ભરતસિંહ મુખ્યધારામાં ખાસ જોવા મળ્યા નથી. બીજી તરફ, કોંગ્રેસનું પ્રદર્શન પણ દિવસે-દિવસે કથળતું જાય છે. તેવામાં હવે ભરતસિંહ કોંગ્રેસનો હાથ પકડી રાખે છે કે તેમનો આ રાજકીય વિરામ લાંબો ચાલે છે તે જોવું રહ્યું.