ગત 20 મેના રોજ ગુજરાત ATSએ એક મોટું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડીને અમદાવાદ એરપોર્ટ પરથી ISના આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ તમામ આતંકવાદીઓ મૂળ શ્રીલંકાના હતા અને તેઓ ભારતમાં મોટી આતંકવાદી ઘટનાને પર પાડવા માટે આવ્યા હતા. તેવામાં હવે આ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ISISના 4 આતંકવાદીઓ વિરુદ્ધ તપાસ માટે ગુજરાત ATS શ્રીલંકા જશે.
મળતી માહિતી અનુસાર ISISના 4 આતંકવાદીઓ વિરુદ્ધ તપાસ માટે ગુજરાત ATS શ્રીલંકા જવાની છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ શ્રીલંકામાં પણ અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં શ્રીલંકન પોલીસે અન્ય 2 લોકોની ધરપકડ કરી હતી અને એક આતંકવાદી ફરાર છે. જે આતંકવાદી ફરાર છે તેનો જ હાથ અમદાવાદ આવેલા આતંકવાદીઓ પાછળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જે આતંકવાદી ફરાર છે તેનું નામ ઓસમાન છે, આ એ જ વ્યક્તિ છે જેણે આતંકવાદીઓને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. અમદાવાદમાં ઝડપાયેલા ચારેય આતંકવાદીઓને ભારત મોકલવામાં પણ તેનો જ હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટથી આતંકવાદી પકડાવવા મામલે ગુજરાત ATSની ટીમ વધુ તપાસ માટે જશે શ્રીલંકા #Gujarat #BreakingNews #ISIS #News pic.twitter.com/vL56exwPPm
— Zee 24 Kalak (@Zee24Kalak) May 28, 2024
આ આખા ઘટના ક્રમમાં અન્ય એક મહત્વની બાબત નાના ચિલોડા પાસેથી મળેલા હથિયારો પણ છે. આ હથિયારો પાકિસ્તાની બનાવટના છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હથિયારો પંજાબ બોર્ડર મારફતે ભારતમાં મોકલવામાં આવ્યા હતા. એજન્સીનું તેમ પણ માનવું છે કે આતંકવાદીઓ દ્વારા ડ્રોન મારફતે હથિયારોને બોર્ડર ક્રોસ કરાવવામાં આવ્યા હોઈ શકે છે. ત્યારે આ હથિયાર અમદાવાદ નજીક નાના ચિલોડા પાસે કેવીરીતે પહોંચ્યા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ હથિયાર મુકનારનું પગેરું શોધવા CCTVની મદદથી લગભગ 78,000થી વધુ વાહનો તપાસવામાં આવશે. ATS અત્યારસુધી 13000 વાહનોની તપાસ કરી ચુક્યું છે. આ તમામ ડેટા તપાસીને ATS પોટલામાં હથિયાર મુકનાર વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે.
શું હતો આખો ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે 20 મેના રોજ ગુજરાત ATSએ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી શ્રીલંકાથી આવેલા 4 આતંકવાદીઓને ઝડપી પડ્યા હતા. આ આતંકવાદીઓમાં શ્રીલંકાના રહેવાસી મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર અબુના માર્ગદર્શન હેઠળ આ ચારેય આતંકવાદીઓ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આટલું જ નહીં, તેઓ સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની કરવાની તૈયારી દર્શાવી હતી. આટલું જ નહીં, તેઓ અબુ બકર બગદાદીના ચિંધ્યા રસ્તે ચાલવાનું અને મુસ્લિમો પર અત્યાચાર કરનાર લોકો RSS અને ભાજપના નેતાઓને ટાર્ગેટ કરવાના ફિરાકમાં હતા. સાથે જ તેઓ ઈસાઈ અને યહૂદીઓને પણ નિશાને લેવાના હતા.
માહિતીના આધારે ATS નાના ચિલોડા પહોંચ્યું હતું, ત્યાં જઈ તપાસ કરતા મોબાઈલમાં મળેલા ફોટા મુજબનું પોટલું મળી આવ્યું હતું. એ પોટલામાં તપાસ કરતા તેમાંથી ત્રણ પિસ્ટલ મળી આવી હતી. આ પિસ્ટલ્સના બટ પર સ્ટાર બનેલા હતા, સામાન્ય રીતે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવતા હથિયાર પર આ પ્રકારના નિશાન બનેલા હોય છે. તેના સીરીયલ નંબર ભૂંસી નાંખવામાં આવ્યા છે. ત્રણેય પિસ્ટલ લોડેડ હતી, જેમાં 2માં 7 અને એકમાં 6 એમ કૂલ 20 રાઉન્ડ ભરેલા હતા. આ ઉપરાંત તેની ઉપર FATA લખેલું જોવા મળ્યું છે. FATA એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પણ પાકિસ્તાનમાં આવેલું છે. આ દરેક કાર્ટીજ પર લખેલું છે, જેનાથી સાબિત થાય છે કે આ તમામ હથિયાર પાકિસ્તાની છે.