ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહી છે. તેમાં તેમને સફળતા પણ મળી છે અને હજારો કરોડના ડ્રગ્સ અને માદક દ્રવ્યો ઝડપી પડ્યા છે. ત્યારે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં ગુજરાત પોલીસને ફરી એક વાર સફળતા મળી છે. ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને ભરૂચના (Bharuch) અંકલેશ્વરમાંથી (Ankleshwar) 5 હજાર કરોડનું કોકેઇન (Cocaine) ઝડપી પાડ્યું છે. આ મામલે હાલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડાના તાર દિલ્હી (Delhi) સાથે જોડાયેલા છે. ગત 1 ઓકટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં મોટા દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. કેસની તપાસ ચાલી જ રહી હતી કે, રમેશનગરમાં એક ઠેકાણે 208 કિલો કોકેઈન પડ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.
ભરૂચના અંકલેશ્વરમાંથી ઝડપાયું 5000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઈન
— DD News Gujarati (@DDNewsGujarati) October 14, 2024
દિલ્હી-ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન અંકલેશ્વરમાં આવેલી અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી કોકેઈન ઝડપાયું
5 આરોપીઓની ધરપકડ કરાઇ
તમામ આરોપીઓને મેડિકલ માટે લઈ જવાયા @HMOindia @GujaratPoliceGP @DelhiPolice pic.twitter.com/bgfCMkSKUA
ત્યાં દરોડા પાડતા ત્યાંથી બાતમી અનુસાર માલ મળી આવ્યો હતો. આ આખા કેસની તપાસ ચાલી જ રહી હતી કે આ ડ્રગ્સ ગુજરાતના અંકલેશ્વરમાં બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ખુલાસો થતા જ દિલ્હી પોલીસે ગુજરાત પોલીસને આ વિશે માહિતી આપી અને પહેલેથી જ સતર્ક ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ. દિલ્હીથી સ્પેશ્યલ ટીમ આવી તે પહેલા ગુજરાત પોલીસે અહીં પગેરું શોધીને જ રાખ્યું હતું.
અંતે બંને ટીમોએ સાથે મળીને દરોડા પડતા આ આખું રેકેટ ઝડપાયું હતું. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપનીમાંથી પોલીસને 518 કિલો કોકેન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ ₹5,000 કરોડ જેટલી થાય છે. નોંધવું જોઈએ કે આ દરોડા બાદ આ આખાય કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત ₹13000 કરોડ આંકવામાં આવી રહી છે.