Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતનો 'મંગળ' ભારે: પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબ્યાં સુરતના 8 પ્રવાસીઓ, 1નો...

    ગુજરાતનો ‘મંગળ’ ભારે: પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબ્યાં સુરતના 8 પ્રવાસીઓ, 1નો બચાવ…; અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગી આગ, 64 લોકોનું રેસ્ક્યૂ

    નર્મદા જિલ્લાના પોઇચા ગામે સ્વામિનારાયણ મંદિરે ફરવા આવેલા સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી હતી.

    - Advertisement -

    14 મે, 2024 અને મંગળવારના દિવસે ગુજરાતનો ‘મંગળ’ ભારે હોય તેવી દુર્ઘટનાઓ સામે આવી છે. સૌપ્રથમ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદના લીધે ઘણી જગ્યાએ નાની-મોટી માલહાની નોંધાઈ હતી. અમરેલીના એક માલધારી પરિવારના ઘરે વીજળી પડતાં 45 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા.જ્યારે તે બાદ નર્મદા જિલ્લાના પોઇચા ગામે સ્વામિનારાયણ મંદિરે ફરવા આવેલા સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી હતી. આમ પોઇચામાં એક પરિવાર નદીમાં ડૂબ્યો તો અમદાવાદમાં પણ આગની દુર્ઘટના જોવા મળી છે.

    મંગળવાર (14 મે, 2024) ગુજરાત માટે ભારે દિવસ સાબિત થયો છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ આજના દિવસે જોવા મળી છે. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાથી જાનહાનિ નોંધાઈ છે. ખાસ કરીને વડોદરામાં. તો ઘણી જગ્યાએ અન્ય દુર્ઘટનાઓ સર્જાઈ છે. નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા મૂળ અમરેલીના વતની અને સુરતમાં રહેતા એક જ પરિવારના 8 સભ્યો નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

    ઘટનાને જોઈને સ્થાનિકો પણ નદી કિનારે આવી પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધો હતો. જ્યારે બાકીના 7 વ્યક્તિઓની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ગુમ થઈ ગયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહ્યા છે. નાહવા ગયેલો પરિવાર અમરેલીનો હતો અને હાલ સુરત ખાતે રહેતો હતો.

    - Advertisement -

    અમદાવાદમાં આગની ઘટના

    બીજી તરફ અમદાવાદના પ્રહ્લાદનગર રોડ પર સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં 11માં માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કોમર્શિયલ કોમ્પ્લેકસમાં આગ લાગવાની ઘટના ધ્યાને આવતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ઇલેક્ટ્રિક ડગમાં શોર્ટ-સર્કિટને લીધે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા છે. આ મામલે 64 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

    ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું છે કે, “કોમર્શિયલ બિલ્ડિંગમાં 11માં માળે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ તેમજ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતા અને ઓફિસરને પણ તાત્કાલિક ધોરણે મોકલી આપવામાં આવ્યા હતા. ફસાયેલા તમામ લોકોને બચાવીને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. બધા સેફ છે.”

    ચીફ ફાયર ઓફિસર સહિત 40 જવાનો હાલ પણ ઘટનાસ્થળે કાર્યરત છે. 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ કામમાં લાગી ગઈ છે. ત્યારે 64 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા હવે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની ઘટના સમયે કેટલાક લોકો દોડીને જતાં રહ્યા હતા. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આગ લાવવાના અન્ય કોઈ કારણો હોય શકે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

    આ સાથે જ રાજધાની દિલ્હીમાં પણ આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હીની ઇનકમ ટેક્સ ઓફિસમાં આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાનું કાર્ય કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં