ઉમેશ પાલ હત્યાકાંડનો વધુ એક આરોપી અને તાજેતરમાં પ્રયાગરાજમાં માર્યા ગયેલા માફિયા ગેંગસ્ટર અતીક અહમદના સાગરીત ગુડ્ડુ મુસ્લિમની નાસિકથી ધરપકડ કરી લેવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે નાસિક પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે કહ્યું છે કે, ગુડ્ડુની હજુ ધરપકડ કરવામાં આવી નથી.
UP STF को बड़ी कामयाबी मिली है. सूत्रों के मुताबिक, यूपी एसटीएफ ने बमबाज गुड्डू मुस्लिम को पकड़ लिया है.
— Zee News (@ZeeNews) April 16, 2023
पढ़े पूरी खबर- https://t.co/wd2l3PPIqG#STF #GudduMuslim #AtiqueAshrafMurderCase #AtiqueAhmed pic.twitter.com/iprZkYPKWs
ગુડ્ડુ મુસ્લિમ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો અને સતત તેની શોધખોળ ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે તે મહારાષ્ટ્રના નાસિકમાં હોવાની બાતમીના આધારે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને શોધી કાઢ્યો હતો. તેના માથે પાંચ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. યુપી પોલીસ નાસિક પોલીસ સાથે મળીને ગઈકાલ સાંજથી શોધખોળ કરી રહી હતી.
આ મામલે મહારાષ્ટ્ર પોલીસે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પોલીસે જણાવ્યું કે, ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ અનુસાર, જે શખ્સને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે તે એક હોટેલનો વેઈટર છે, ગુડ્ડુ મુસ્લિમ નહીં. વેઈટર પર એક ગેંગસ્ટરનો ફોન આવ્યો હતો. તેણે પૂછપરછમાં જણાવ્યું કે જ્યારે તેણે ફરીથી ફોન કર્યો તો સામેના વ્યક્તિએ રોન્ગ નંબર કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
શનિવારે (15 એપ્રિલે, 2023) મોડી રાત્રે પ્રયાગરાજ મેડિકલ કોલેજની બહાર માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી તેની થોડી જ ક્ષણો પહેલાં અશરફે ગુડ્ડુ મુસ્લિમનું નામ લીધું હતું.
અતીક અને અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા તેમને સવાલો કરી રહ્યું હતું. આવા જ એક પ્રશ્નના જવાબમાં અતીકના ભાઈ અશરફે ગુડ્ડુનું નામ લીધું હતું. વિડીયોમાં તે બોલતો સંભળાય છે કે, “મેઈન બાત યહ હૈ કી ગુડ્ડુ મુસ્લિમ….” જોકે, તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ ગોળીઓ ચાલી ગઈ હતી અને બંને ઢળી પડ્યા હતા.
કોણ છે ગુડ્ડુ મુસ્લિમ?
ગુડ્ડુ મુસ્લિમ હેન્ડ ગ્રેનેડ બનાવવામાં પાવરધો છે અને ચાલતી મોટરસાયકલ પર પાછળ બેસીને પણ તે બૉમ્બ બનાવી શકે છે. તે જે રીતે બૉમ્બ બનાવે છે તે પ્રક્રિયા અલગ છે અને માત્ર 4થી પાંચ મિનિટમાં બૉમ્બ બનાવી દેવા માટે કુખ્યાત છે. તેણે નેપાળથી આ બૉમ્બ બનાવવાની તાલીમ મેળવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
90ના દાયકાથી જ ગુડ્ડુએ ક્રાઇમની દુનિયામાં ઓળખ બનાવી લીધી હતી અને યુપીના લગભગ તમામ માફિયાઓ સાથે તેના સબંધો હતા. તે લૉ માર્ટિનિયર કોલેજના ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ફ્રેડરિક ગોમ્સની હત્યામાં પણ સામેલ હતો. જે મામલે તેની ધરપકડ પણ થઇ હતી પરંતુ પછીથી જામીન મળી ગયા હતા. જોકે, પછી પણ તેણે ગુનાઓ આચરવાના ચાલુ જ રાખ્યા હતા.
પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડમાં પણ તે સામેલ હતો. તેણે હત્યા સમયે બૉમ્બ ફેંક્યા હતા. હત્યાકાંડ બાદથી તે ફરાર ચાલી રહ્યો હતો.
(તાજા જાણકારી મળ્યા બાદ આ રિપોર્ટને અપડેટ કરવામાં આવ્યો છે.)