Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશ: માફિયા-ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા, કેમેરા સામે...

  ઉત્તર પ્રદેશ: માફિયા-ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા, કેમેરા સામે જ ગોળી મરાઈ

  બંનેને પ્રયાગરાજમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો.

  - Advertisement -

  માફિયા અને ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરી નાંખવામાં આવી છે. 

  ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અતીક અહમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે બંનેની હત્યા કરી નાંખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

  જાણવા મળ્યા અનુસાર, અતીક અને અશરફને યુપી પોલીસની ટીમ મેડિકલ માટે લઇ જઈ રહી હતી ત્યારે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બંને માર્યા ગયા હતા. પ્રયાગરાજની મેડિકલ કોલેજ પાસે જ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

  મીડિયાના કેમેરા સામે હત્યા થઇ

  - Advertisement -

  અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો કર્યો હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. મીડિયામાં અમુક વિડીયો પણ ફરી રહ્યા છે, જેમાં જોવા મળે છે કે મેડિકલ ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યા બાદ અતીક અહમદ અને અશરફ હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યા હતા અને મીડિયાના પત્રકારો તેમને પ્રશ્નો કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિ અતીકને બંદૂક વડે માથામાં ગોળી મારી દે છે અને તે ઢળી પડે છે. ત્યારબાદ અશરફને પણ ગોળી મારી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટના મીડિયાના કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

  રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોમાં ત્રણ વ્યક્તિઓ સામેલ હતા. જેમણે હુમલા બાદ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્રણેયને પકડી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, આ ગોળીબારમાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

  સીએમ યોગીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા

  હત્યા બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને હાલ ફોરેન્સિક વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને જઈને તેમને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યા હતા. સીએમ યોગીએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. ત્રણ સભ્યોનું જ્યુડિશિયલ કમિશન આ મામલાની તપાસ કરશે. હાલ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે સમગ્ર ઉત્તર પ્રદેશમાં CrPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

  અતીક અહમદ અને અશરફ અહમદને ઉમેશ પાલ હત્યા કેસમાં પકડવામાં આવ્યા હતા. અતીક અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો, જેનું ટ્રાન્સફર વોરન્ટ લઈને યુપી પોલીસ તેને ઉત્તર પ્રદેશ લઇ ગઈ હતી. બીજી તરફ, તેના ભાઈ અશરફ અહમદને પણ પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ગુરૂવારે (13 એપ્રિલ, 2023) બંનેને પ્રયાગરાજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેના મેડિકલ ટેસ્ટ કરવા માટે આદેશ આપ્યો હતો, જે માટે જ તેમને પ્રયાગરાજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બહાર જ આ ઘટના બની હતી.

  બે દિવસ પહેલાં અતીકનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો

  ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ અતીક અહમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.  તેની સાથે શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો હતો. આ બંને ઉમેશ પાલની હત્યાથી જ ફરાર હતા અને ઝાંસીમાં હોવાની બાતમી મળતાં પોલીસે પીછો કર્યો હતો. બંને મળી ગયા બાદ પોલીસે તેમને સરેન્ડર કરવાનું કહેતાં ભાગવા માંડ્યા હતા અને આ દરમિયાન તેમની બાઈક સ્લીપ થઇ ગઈ હતી. 

  બાઈક પરથી પડી ગયા બાદ બંનેએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કરતાં બંને માર્યા ગયા હતા. આરોપીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યાં હતાં. ગુરૂવારે એન્કાઉન્ટર થયા બાદ અસદને આજે જ દફનાવવામાં આવ્યો હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં