Tuesday, December 3, 2024
More
    હોમપેજગુજરાત'તહેવારો પર લોકો પાસેથી વધુ પૈસા વસૂલાશે, ST વિભાગે ભાડું 25% વધાર્યું':...

    ‘તહેવારો પર લોકો પાસેથી વધુ પૈસા વસૂલાશે, ST વિભાગે ભાડું 25% વધાર્યું’: કોંગ્રેસ નેતાના દાવાના આધારે દિવ્ય ભાસ્કરે છાપી માર્યો અહેવાલ, GSRTCએ કરી દીધું ‘ફેક્ટચેક’

    'ખાનગી બસ સંચાલકોની પેઠે સરકારની નફાખોરી, ST ભાડામાં 25%નો વધારો'- શીર્ષક સાથેના અહેવાલમાં લખવામાં આવ્યું કે, તહેવારોના સમયે વધુ બસો દોડાવવાના નિર્ણય સાથે-સાથે ભાડાંમાં પણ 25%નો વધારો ઝીંકી દીધો.

    - Advertisement -

    ‘સાચી વાત બેધડક’ લખવાનો દાવો કરતા અખબાર દિવ્ય ભાસ્કરે (Divya Bhaskar) શનિવારે (19 ઑક્ટોબર, 2024) ગુજરાતના સ્ટેટ ટ્રાન્સપોર્ટ (GSRTC) વિભાગ વિશે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં ભાસ્કરે એક કોંગ્રેસ નેતાને ટાંકીને દાવો કર્યો હતો કે દિવાળીનો તહેવાર નજીક આવતાંની સાથે જ ગુજરાતના એસટી વિભાગે ભાડાંમાં 25%નો વધારો ઝીંક્યો છે. દાવો એવો પણ કરવામાં આવ્યો કે વિભાગે ખાનગી બસ સંચાલકોની જેમ નફાખોરી માટે થઈને તહેવારના સમયમાં ભાડું વધાર્યું છે.

    ‘ખાનગી બસ સંચાલકોની પેઠે સરકારની નફાખોરી, ST ભાડામાં 25%નો વધારો’– શીર્ષક સાથેના અહેવાલમાં લખવામાં આવ્યું કે, તહેવારોના સમયે વધુ બસો દોડાવવાના નિર્ણય સાથે-સાથે ભાડાંમાં પણ 25%નો વધારો ઝીંકી દીધો. અખબારે કોંગ્રેસને ટાંકીને તેવો પણ આક્ષેપ કર્યો છે કે, “તહેવારોના સમયે નફાખોરી કરતા ખાનગી બસ સંચાલકો ભાડા વધારી દે છે, તેવી રીતે સરકારે પણ રોકડી કરવાના આશયથી ભાડાં વધાર્યાં છે.” મહત્વનું છે કે દિવ્ય ભાસ્કરે આ આક્ષેપોની બંદૂક કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના ખભે ફોડી હતી.

    અહેવાલમાં મનિષ દોશીને ટાંકીને ભાસ્કરે લખ્યું છે કે, “ભાડાંમાં વધારાનો માર 25 લાખ મુસાફરોને સહન કરવો પડશે.” દાવો તેવો પણ કરવામાં આવ્યો છે કે, તહેવારો દરમિયાન જે બસો મૂકવામાં આવી છે તેમાં યાત્રી દીઠ 25થી લઈને 45 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ST વિભાગ દ્વારા વસૂલવામાં આવશે. અહેવાલમાં કોંગ્રેસ નેતાના નામે આરોપ લગાવવામાં આવ્યો છે કે થોડા સમય પહેલાં જ્યારે ઇંધણના ભાવ વધ્યા ત્યારે પણ 25%નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભાવ ઘટવા છતાં સરકારે ભાડાંમાં ઘટાડો નથી કર્યો. દાવો તેવો પણ કરાયો છે કે 25 ટકા ભાવ વધારા બાદ નિગમને 687.42 કરોડની વધારાની આવક થઈ છે.

    - Advertisement -

    ST વિભાગે સ્પષ્ટતા કરી

    અખબારોએ છાપેલા સમાચાર બાદ ST વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. વિભાગે આ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, “ST વિભાગ દરરોજ 8000થી વધુ બસો દોડાવીને 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખ યાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. ચાલુ વર્ષે વિભાગ દ્વારા 8340 ટ્રીપ વધારાની સંચાલિત કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. તેવામાં દિવાળી જેવા તહેવારમાં પણ વિભાગના કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર રહીને યાત્રીઓને સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ રહેશે.”

    ભાડામાં વધારાને લઈને નિગમે કહ્યું કે, વાર-તહેવાર કે ખાસ દિવસોમાં વિભાગ સામાન્ય સેવાઓ કરતા 4500 જેટલી વધારાની સેવાઓ સંચાલિત કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં તેવું બનતું હોય છે કે મુસાફરો માત્ર એક તરફના જ હોય. વિભાગના કહેવા અનુસાર દૂર ગામડાંમાં વસતા લોકો જ્યારે વારતહેવારે વતન પરત ફરે ત્યારે વિભાગે એક તરફની ટ્રીપમાં જ મુસાફરો મળતા હોય છે. ઘણી વાર બસો ખાલી પરત ફરતી હોય છે. તેવામાં વર્તમાન સમયમાં વિભાગને પ્રતિ કિલોમીટર 42.47 રૂપિયાનો ખર્ચ આવે છે. જો ભાડું 25% વધારવામાં આવે તો પણ નિગમને એક ટ્રીપ પર મુસાફર દીઠ માત્ર 18.82 રૂપિયાનું જ વળતર મળે છે. નિગમના જણાવ્યા અનુસાર દર ટ્રીપમાં વિભાગ મુસાફર દીઠ 23.65 રૂપિયાનું નુકસાન વેઠીને પણ સેવા પૂરી પડી રહ્યું છે.

    ખાનગી બસ સંચાલકો સાથેની સરખામણી પણ કરી બતાવાઈ

    ભાસ્કરમાં કોંગ્રેસ નેતાને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે જે રીતે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયે ભાડાંમાં ધરખમ વધારો કરીને રોકડી કરી લેતા હોય છે, તે જ રીતે ગુજરાતનો એસટી વિભાગ પણ ભાડામાં વધારો કરીને રોકડી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ આક્ષેપો સામે વિભાગે સીધો અને સરળ હિસાબ સામે લાવીને મૂકી દેતાં તમામ આરોપો ઉઘાડા પડી ગયા છે. વિભાગ પોતે કેટલું ભાડું વસૂલે છે અને ખાનગી બસ સંચાલકો કેટલું ભાડું વસૂલે છે તેની વિગતો આપી છે.

    સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે સુરતથી અમદાવાદના રૂટમાં તહેવારો દરમિયાન ખાનગી બસોના સંચાલકો સરેરાશ 1000થી 1500 રૂપિયા યાત્રીઓ પાસેથી વસૂલે છે. જેની સામે ગુજરાત એસટી વિભાગ માત્ર 285 રૂપિયાનાં ભાડાં સાથે યાત્રીઓને તેમના ગંતવ્ય સુધી પહોંચાડે છે. વિભાગના જણાવ્યા અનુસાર ખાનગી સંચાલકો કિલોમીટર દીઠ 70 રૂપિયાથી વધુ ભાડું વસૂલે છે. આમ ખાનગી સંચાલકો સાથેની સરખામણીમાં એસટી વિભાગ 250% ઓછા ભાડામાં યાત્રીઓને મુસાફરી કરાવે છે.

    વિભાગે આ કોષ્ટક દ્વારા ખાનગી અને સરકારી બસના ભાડાં વચ્ચેનું અંતર સમજાવવા પ્રયાસ કર્યો છે.

    સાભાર GSRTC

    2023 પછી થયો જ નથી કોઈ વધારો, આક્ષેપો ખોટા

    વિભાગ દ્વારા ભાવ વધારાને લઈને તેમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે 10 વર્ષ બાદ 68%ની સામે વર્ષ 2023માં ભાડામાં વધારો કર્યો છે. તેમાં પણ વિભાગે ધ્યાન રાખ્યું છે કે આ વધારાથી મુસાફરોના ખિસ્સા પર વધારાનું ભારણ ન આવે. આથી વિભાગે માત્ર 25%નો જ વધારો કર્યો હતો. ભાસ્કર અને કોંગ્રેસના દાવાને તદ્દન પાયાવિહોણા જણાવતાં વિભાગે કહ્યું છે કે વર્તમાન સમયમાં ગુજરાત એસટી દ્વારા કોઈ જ ભાવ વધારો નથી કરવામાં આવ્યો. ઉલટાનું વિભાગે છેલ્લા દોઢ વર્ષમાં 2685 નવાં વાહનો મુસાફરોની સહુલિયત માટે ફાળવ્યાં છે.

    GSRTCના જણાવ્યા અનુસાર વર્ષ 2012થી લઈને અત્યાર સુધીમાં સરકારે 186 નવાં અધ્યતન બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. આગામી સમયમાં વધુ 10 નવાં બસ સ્ટેન્ડ લોકોની સેવામાં કાર્યરત કરવામાં આવશે. નોંધવું જોઈએ કે PPP મોડેલના અંકે બસ સ્ટેશનો પણ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવ્યાં છે, જેમાં અમદાવાદ ગીતામંદિર, રાણીપ, વડોદરા સેન્ટ્રલ, મકરપુરા, મહેસાણા, સુરત, રાજકોટ, પાલનપુર, ભરૂચ અમરેલી અને ભુજ સહિતનાં કેટલાંક બસ સ્ટેન્ડનો સમાવેશ થાય છે. આ સિવાય પણ PPP મોડલ હેઠળ અન્ય 4 બસ સ્ટેન્ડ કાર્યરત કરવાનું લક્ષ્ય પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં